હાલમાં દેશ અને વિદેશના સિરામિકના તમામ ગ્રાહકો મોરબીના સિરામિક ઉદ્યોગ તરફ વળી રહ્યા છે ત્યારે, મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન થાય તે માટે ચાઈના દ્વારા ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજિયાત દાખલ કરવા આઇએસઓની તાજેતરમાં મળેલી મિટિંગમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેનો મોરબીના સિરામિક એસોસિએશનના પ્રતિનિધિ તેમજ ભારતના ડેલિગેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી કરીને તે પ્રસ્તાવ ખારીજ કરવામાં આવ્યો છે. જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગનું ભવિષ્ય આગામી દિવસોમાં ખુબ જ ઉજળું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. એટલા માટે જ જૂના અને નાના ઉત્પાદનવાળા કારખાના તૂટી રહ્યા છે અથવા તો બંધ થઈ રહ્યા છે અને નવા મોટા પ્રોડકશનવાળા કારખાના દિવસ ને દિવસે વધી રહ્યા છે. જેથી મોરબીમાં સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન વધી રહ્યું છે. તેવામાં તાજેતરમાં 21 નવેમ્બરના રોજ પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ રાખવામા આવી હતી, જેમાં આઇએસઓ ટીસી/189 ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. આ કમિટીમાં વિશ્વભરમાંથી 29 દેશ સભ્ય છે. આ મિટિંગમાં 21 દેશના ડેલિગેશન હાજર રહ્યાં હતા અને પોર્ટુગલના ઇલ્હાવો સીટીમાં મિટિંગ યોજાઇ હતી. જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે પ્રસાંત યાદવ, પ્રિજમ જોનસન, સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા અને જેરામભાઇ કાવર હાજર રહ્યા હતા. ત્યારે આ મિટિંગમાં ચાઇના તરફથી ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજિયાત દાખલ કરવા માગ કરતો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેનો ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના ટેકામાં અમેરિકા, ઇટલી, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા. જેથી કરીને ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડૉ.સેન્ડર્સ જોહ્ન પી (અમેરિકા)એ નોંધ લીધી અને ચાઈનાના પ્રસ્તાવને ખારીજ કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, આ ટેસ્ટ આવવાથી મોરબી સિરામિકની જીવીટી ટાઇલ્સ પ્રોડક્ટને મોટી નુકશાની થાય તેવી શક્યતા હતી. કેમ કે, આ ટેસ્ટ મુજબની ગુણવત્તાવાળી ટાઇલ્સ બનાવવા ભારતમાં રો-મટીરીયલ અવેલેબલ જ નથી. જેથી ભારતના સિરામિક ઉદ્યોગને બીજા દેશ ઉપર રો-મટીરીયલ્સ આધારીત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા હતી. તેવી માહિતી મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ આપી છે.