back to top
HomeગુજરાતDEOના આદેશનો ઉલાળિયો કરતી ખાનગી શાળાઓ:ગમે તે કલરના સ્વેટર પહેરવા દેવાનો આદેશ...

DEOના આદેશનો ઉલાળિયો કરતી ખાનગી શાળાઓ:ગમે તે કલરના સ્વેટર પહેરવા દેવાનો આદેશ હોવા છતા ખાસ કલરનો આગ્રહ, ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ

ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ જગ્યાએ થી જ પુસ્તકો ખરીદવા આગ્રહ રાખતા હોવાની ફરિયાદો બાદ હવે શિયાળામાં ચોક્કસ કલરના જ સ્વેટર અને તે પણ નક્કી કરેલી દુકાનેથી જ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી છે. શિયાળાની ઠંડીથી બચવા વિદ્યાર્થીઓ ગમે તે કલરના સ્વેટર પહેરી શકે તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કર્યો હોવા છતાં શાળાઓ તેને ઘોળીને પી જતી હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટની મોદી, ધોળકિયા, ગૌતમ, મહાત્મા ગાંધી, આત્મીય સહિતની ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટર પહેરવા દબાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે કોંગ્રેસે હેલ્પલાઈન શરૂ કરતા તેમાં પણ વાલીઓની ફરિયાદો આવી રહી છે. રાજકોટમાં શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના ચોક્કસ જગ્યાએથી ખરીદેલા સ્વેટર જ પહેરવા માટેની સૂચનાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનુ દબાણ નહીં કરી શકે તેવો પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ રાજકોટ શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ શિક્ષણ વિભાગના પરિપત્રનો સરેઆમ ઉલાળીયો કરી રહી છે. જેમાં મોદી, ધોળકિયા, ગૌતમ, મહાત્મા ગાંધી, આત્મીય સહિતની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના અને નિશ્ચિત કરેલી દુકાનેથી મળતા સ્વેટર લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. બજારમાં રૂ. 500 ની કિંમતના મળતા સ્વેટર નિશ્ચિત કરેલી દુકાનેથી રૂ. 800 થી રૂ. 1000 માં વહેંચી વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મની જેમ હવે સ્વેટર, સ્કૂલ બેગ, સ્પોર્ટ્સ ડ્રેસ, શૂઝ પણ ચોક્કસ રંગના નક્કી દુકાનેથી ખરીદવા વિદ્યાર્થીઓ અને વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. ચોક્કસ દુકાને જ સ્વેટર મળતા હોય વધુ પૈસા વસૂલે છે- વાલી
વાલી અલ્પેશભાઈ ટોપીયાએ જણાવ્યું હતું કે, મારું સંતાન મોદી સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરે છે. શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટ શહેરની મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓને એવું દબાણ કરવામાં આવે છે કે સ્વેટર તમે આ દુકાનેથી જ લેજો. સાથે જ ચોક્કસ કલરનું સ્વેટર લેવા માટે પણ દબાણ કરવામાં આવે છે. જોકે નિયમ એવો છે કે કોઈપણ સ્કુલ કોઈપણ વિદ્યાર્થીને ચોક્કસ રંગનું અને ચોક્કસ જગ્યાએથી ખરીદેલું સ્વેટર પહેરવા માટે દબાણ ન કરી શકે. આ પ્રકારનો રાજ્યના શિક્ષણ વિભાગનો પરિપત્ર છે અને જિલ્લા શિક્ષણ અધિકારીનો પણ પરિપત્ર છે તેમ છતાં પણ તેનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સ્કૂલ દ્વારા જે જગ્યાએ સ્વેટર લેવા માટે મોકલવામાં આવે છે તે જગ્યાએ રૂપિયા 800 થી 1000 રૂપિયામાં સ્વેટર મળે છે જેની બજાર કિંમત હકીકતમાં રૂ. 400 થી 500 જ હોય છે. એટલે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સ્વેટરના નામે વધુ નાણા પડાવે છે તે વાત ખૂબ જ ગંભીર અને અયોગ્ય છે. આ ઉપરાંત આ સ્વેટર મોટાભાગે પાતળા હોય છે એટલે કે વિદ્યાર્થીઓ ઠંડીથી રક્ષણ ન મેળવી શકે તે પ્રકારના હોય છે. જેથી આ સ્વેટરને કારણે વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાઈ જાય છે અને તેથી જ બે વર્ષ પહેલાં એક વિદ્યાર્થિનીનુ નબળી ક્વોલિટીના સ્વેટરને કારણે જ ઠંડીમાં ઠુંઠવાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે કેવડાવાડીમાં આવેલી ગૌતમ સ્કૂલના વાલી જણાવે છે કે મારો નાનો પુત્ર ધોરણ 1માં તો મોટો પુત્ર ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ગત વર્ષ સુધી તેઓને નેવી બ્લુ સ્વેટર પહેરવાનું હતું પરંતુ આ વર્ષથી ફરજિયાત જાકેટ લેવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં સ્કૂલ બેગ પણ શાળાનાં નામવાળી જ રૂ. 400 ની ફરજિયાત લેવાનું કહેવામાં આવે છે. હું સામાન્ય નોકરી કરું છું અને હપ્તા ભરી અને ઘર ગુજરાન ચલાવું છું. ધોરણ 6 માં ભણતો મારો પુત્ર તો રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરે છે. ત્યારે સ્કૂલ ફી સિવાયના વધારાના ફરજિયાત ખર્ચા પોસાય તેમ નથી. વાલીએ ખરીદી દીધેલું સ્વેટર હોય તો તે પહેરવાની સ્કૂલ દ્વારા મનાઈ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત શહેરના મોકાજી સર્કલ પાસે આવેલી મહાત્મા ગાંધી શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલના સ્વેટર ફરજિયાત પહેરાવવામાં આવતા હોવાની ફરિયાદ કોંગ્રેસે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર ઉપર મળી હતી. આ ઉપરાંત અન્ય ફરિયાદ આત્મીય સ્કૂલના વિદ્યાર્થીઓની પણ સામે આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ સ્કૂલે નક્કી કરેલા સ્વેટર સિવાયના સ્વેટર પહેરીને આવે તો તેઓને મનાઈ કરવામાં આવે છે. જોકે મોદી સ્કૂલના આચાર્ય નિલેશ સેંજલીયા અને મહાત્મા ગાંધી સ્કૂલના સંચાલક જીમિલ પરીખનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને અમે નક્કી કરેલા સ્વેટર જ પહેરવાનો આગ્રહ રાખતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments