back to top
HomeભારતEDITOR'S VIEW: અઢી કલાકની મીટીંગમાં શું થયું?:શાહ ને ફડણવીસ ખુશખુશાલ દેખાયા તો...

EDITOR’S VIEW: અઢી કલાકની મીટીંગમાં શું થયું?:શાહ ને ફડણવીસ ખુશખુશાલ દેખાયા તો શિંદે દુઃખી, મહારાષ્ટ્રમાં CMના ચહેરા માટે તારીખ પે તારીખ

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની અઢી કલાક મિટિંગ થઈ. મિટિંગ પછી મંત્રાલયના ખાતામાં પેચ ફસાયો છે. દિલ્હી ધક્કો ખાધા પછી પણ કાંઈ ઉકળ્યું નહીં. અમિત શાહે જ્યારે મિટિંગ પૂરી કર્યા પછી દેવેન્દ્ર ફડણવીસને ગુલદસ્તો આપ્યો ત્યારે બાજુમાં શિંદે ઊભા હતા. સ્પષ્ટ જોઈ શકાય છે કે શિંદેનો ચહેરો ઉતરી ગયેલો હતો. મહારાષ્ટ્રમાં મહાયુતિમાં મહામંથન થાય છે અને મહામથામણ પણ થઈ રહી છે. નમસ્કાર, એકનાથ શિંદે દિલ્હીથી મુંબઈ આવીને તેમના વતન સતારા ચાલ્યા ગયા છે. એવું માનવામાં આવે છે કે, શિંદે રિસાઈ ગયા છે. પણ મહાયુતિનું કહેવું છે કે, જીત્યા પછી તેમના વતનના લોકોને મળવા ગયા છે. પણ દિલ્હીમાં મળેલી મિટિંગમાંથી જે વાત મીડિયાને મળી છે તેમાંથી એવો નિષ્કર્ષ નીકળે છે કે, મહારાષ્ટ્રમાં બે મુદ્દે પેચ ફસાયો છે. 1. ખાતાની ફાળવણી 2. જ્ઞાતિનું સમીકરણ દિલ્હીની મિટિંગમાં શું થયું?
દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવારની મિટિંગ હતી. અઢી કલાક મિટિંગ ચાલી. તેમાં શિંદેને સ્પષ્ટ મેસેજ આપી દેવાયો કે, સીએમ પદ ભાજપ પાસે રહેશે અને ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે. ઈન્ડિયા ટીવીના રિપોર્ટ મુજબ, ફડણવીસના નામ પર કોઈને વાંધો નહોતો પણ વાત ખાતાં પર આવીને અટકી. એકનાથ શિંદેએ ગૃહમંત્રાલય અથવા શહેરી વિકાસ મંત્રાલય માગ્યા. પણ આ બંને મહત્વના ખાતાં પણ ભાજપ પાસે જ રહેશે એવું કહી દેવામાં આવ્યું. બીજું, અજિત પવાર નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારવા તૈયાર છે અને તેમની નજર કૃષિ, ગ્રામ્ય વિકાસ મંત્રાલય પર છે. ઈન્ડિયા ટીવીનો રિપોર્ટ કહે છે કે, એકનાથ શિંદેને પીડબલ્યુડી અને ઈરિગેશન જેવા મંત્રાલયની ઓફર થઈ છે. શિંદેએ કહ્યું કે, હું મારા ધારાસભ્યો સાથે ચર્ચા કરીને નક્કી કરીશ. એકનાથ શિંદેએ અમિત શાહ સામે 4 ડિમાન્ડ મૂકી… શિંદે ફડણવીસના ડેપ્યુટી બનવા માંગતા નથી!
NDTVના રિપોર્ટ એવું કહે છે કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હોદ્દા પર સર્વસંમતિ છે, પરંતુ કેટલાક મહત્વના પદોની ફાળવણી હજુ વણઉકેલાયેલી છે. બે ડેપ્યુટી સીએમ સાથે એક મુખ્યમંત્રીની હાલની ફોર્મ્યુલા ચાલુ રહેશે, પરંતુ એકનાથ શિંદેને ડેપ્યુટીની ભૂમિકામાં રસ નથી. ધારાસભ્ય અને શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે, એકનાથ શિંદે કેન્દ્રમાં નહીં જાય અને નાયબ મુખ્યમંત્રી પણ નહીં બને. તે એને અનુકૂળ નહીં આવે. કારણ કે જે પહેલેથી જ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તે નાયબ મુખ્યમંત્રી નહીં બને. શિરસાટે એમ પણ કહ્યું કે, શિંદે ભલે નાયબ મુખ્યમંત્રી ન બને પણ એક નાયબ મુખ્યમંત્રી તો શિવસેનાના હશે જ. ભાજપ પાસે ગૃહ વિભાગ અને અજિત પવારની પાર્ટી એનસીપી પાસે નાણાં ખાતું રહે શક્યતા છે. એકનાથ શિંદેની શિવસેનાને શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગ મળે તેવી શક્યતા છે. પણ આ બધું હજી જો અને તો પર છે. છેલ્લે તો ‘મોટાભાઈ’ જ નક્કી કરશે. મંત્રી પદની ફોર્મ્યુલા શું હોઈ શકે?
એક જાણકારી મુજબ, મહારાષ્ટ્રમાં 42 કે 43 મંત્રીઓ હશે. તેમાંથી 20થી 22 મંત્રી ભાજપના હશે. 10થી 12 મંત્રી શિંદેની શિવસેનાના હશે અને 5 મંત્રી અજિત પવારના હશે. તેમાં પણ ગૃહ મંત્રાલય, ફાયનાન્સ, શહેરી વિકાસ જેવા મહત્વના મંત્રાલય પર બધાની નજર છે. 2014માં ફડણવીસ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેની પાસે ગૃહમંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય હતાં. એટલે આ બંને મંત્રાલય ભાજપ પોતાની પાસે રાખવા માગે છે. શિંદે નથી ઈચ્છતા કે, એક બ્રાહ્મણની નીચે બે મરાઠા ડેપ્યુટી CM હોય
મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, ગુરુવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં એ વાત પર મહોર મારી દેવાઈ હતી કે, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. ભાજપે શિંદે સાથે ડેપ્યુટી સીએમ બનવા અંગે ચર્ચા કરી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે ડેપ્યુટી સીએમ પદ લેવાથી મહાયુતિની એકતાનો સંદેશ જશે. શિંદે આ દલીલ સાથે સહમત નહોતા. હવે શિવસેનાના નેતાઓએ નવો તર્ક આપ્યો છે. શિવસેનાનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસની જાતિ બ્રાહ્મણ છે. બે મરાઠા નેતા અજિત પવાર અને એકનાથ શિંદેને તેમની નીચે ડેપ્યુટી તરીકે રાખવા એ રાજકીય ભૂલ સાબિત થઈ શકે છે. મરાઠા મતદારોને આ ગમશે નહીં. એટલે અહીં ભાજપને જ્ઞાતિનું સમિકરણ પણ નડી ગયું છે. ભાજપ મરાઠા નેતાને CM બનાવી શકે છે
એવું માનવામાં આવે છે કે સીએમની પસંદગીમાં જ્ઞાતિનું સમીકરણ મોટી ભૂમિકા ભજવી શકે છે, કારણ કે 288 સીટોવાળી વિધાનસભામાં મોટી સંખ્યામાં મરાઠા સમુદાયના ધારાસભ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ પણ મરાઠા નેતાઓમાંથી કોઈને પણ સીએમ બનાવી શકે છે. જો કે, RSS દબાણ વધારશે તો ફડણવીસના મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ વધારે છે. પણ ભાજપે રાજસ્થાનમાં ભજનલાલ અને મધ્યપ્રદેશમાં મોહનલાલ યાદવ માટે સરપ્રાઈઝ આપી તેવી મહારાષ્ટ્રમાં પણ આપી શકે છે. અમાસ ભારે છે, પણ કોના માટે?
​​​​​​​મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો આવી ગયા તેને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો. હજી સુધી મુખ્યમંત્રીનું નામ જાહેર થયું નથી. મહારાષ્ટ્રમાં અત્યારે રાજા વગરની પ્રજા છે. બંધારણના નિયમ મુજબ, જો પરિણામો પછીના 48 કલાકમાં સરકાર રચવાનો દાવો ન થાય તો રાષ્ટ્રપતિ શાસન આવી જાય. મહારાષ્ટ્રમાં એક સપ્તાહ થઈ ગયું તો પણ રાષ્ટ્રપતિ શાસન નથી. ભાજપે ફડણવીસને સીએમ તરીકે જાહેર કરવાના જ છે એ નક્કી છે પણ ભાજપની એક પરંપરા રહી છે. પહેલાં નીરિક્ષકો મોકલશે. પછી વિધાયક દળની મિટિંગ થાય અને તેમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકાય. 30 નવેમ્બરે બપોર પછી અમાસ શરૂ થાય છે. 1 ડિસેમ્બર ને રવિવારે પણ અમાસ છે. એટલે ભાજપે સોમવારે વિધાયક દળની મિટિંગ ગોઠવી છે. કહેવાય છે કે, સારા કામો માટે અમાસ ભારે હોય છે. અહીં અમાસ કોના માટે ભારે રહી, એ એકમના દિવસે ખબર પડી જશે. સંજય રાઉતે કહ્યું, શિંદે અને પવારે દિલ્હી ધક્કા ખાવા પડશે
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સત્તાની ચાવી દિલ્હી પાસે ચાલી ગઈ છે. મહારાષ્ટ્રની સરકાર દિલ્હીથી ચાલશે. હવે શિંદે કે અજિત પવારે પોતાની વાત મૂકવા માટે વારંવાર દિલ્હીના ધક્કા ખાવા પડશે. તેનું ગઠબંધન ભલે રહ્યું પણ હાઈ કમાન્ડ દિલ્હીમાં છે. ઉદ્ધવ અને ભાજપનું ગઠબંધન હતું ત્યારે અમે દિલ્હી ધક્કા નથી ખાધા. બધા નિર્ણય માતોશ્રીમાંથી થતા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં સ્વાભિમાન નામની ચીજ હવે રહી નથી. એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે શું કહ્યું હતું?
​​​​​​​એકનાથ શિંદેએ દિલ્હીની મિટિંગમાં જતાં પહેલાં મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે ઉત્સાહથી વાત કરી હતી કે, ભાજપ જે નક્કી કરશે તે અમને મંજૂર છે. પછી દિલ્હીમાં અમિત શાહને મળ્યા પછી તેમનો ચહેરો પડી ગયો. પ્રેસ કોન્ફરન્સમાં શિંદેએ શું કહ્યું હતું? છેલ્લે, સતારા જતાં પહેલાં મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શરદ પવારની NCPના નેતા જીતેન્દ્ર અવ્હાડ સાથે મુલાકાત કરી. આ મુલાકાતથી ઘણાના કાન ચમક્યા પણ શિંદે જૂથના નેતાએ કહ્યું કે, બે મિત્રો મળે તેમાં આચાર સંહિતા હોતી નથી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments