છેલ્લા પાંચ દિવસથી BZ ગ્રુપના કરોડોના કૈભાંડ બહાર આવ્યા બાદ દરરરોજ નવી નવી વિગતો સામે આવી રહી છે ત્યારે, BZ ગ્રુપના આરોપી મયૂર દરજીની દુકાનથી ફક્ત 250 મીટર દૂર માલપુરના રૂઘનાથપુર રોડ પાસેથી બિનવારસી લેપટોપ મળી આવતાં ચકચાર મચી છે. માલપુર પોલીસે લેપટોપને જપ્ત કરી આ વધુ અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, BZના મહાકૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની મોડાસાના સાકરીયા છાપરા વિસ્તારમાં 13400 ચોરસ મીટર જમીન આવેલી છે. જેથી આ સમગ્ર મામલે અનેક રહસ્યો ખૂલવાની શક્યતાઓ રહેલી છે. માલપુરના એજન્ટ મયુર દરજી સહિત સાત આરોપીની ધરપકડ
હાલ BZ સીઈઓ ભુપેન્દ્ર ઝાલા અને તેના એજન્ટો દ્વારા ઊંચા વ્યાજની લાલચ આપી કરોડો ઉઘરાવ્યાં હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ભુપેન્દ્ર ઝાલા અને તેના એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાની ઓફિસો પર રેડ કરવામાં આવી છે અને તમામ સાહિત્ય જપ્ત કરી ગાંધીનગર લઇ જવામાં આવ્યું છે. માલપુરના એજન્ટ મયુર દરજી સહિત સાત આરોપીની પોલીસે ધરપકડ પણ કરી છે. રોકાણકારો નાણા સલવાઈ જવાની બીકે કાંઈ બોલતા નથી
રોકાણકારો પણ નાણા સલવાઈ જવાની બીકે જાહેરમાં કાંઈ કહી શકતા નથી. એવામાં આવા ગરમ માહોલ વચ્ચે માલપુરથી તૂટેલું બિનવારસી એક લેપટોપ મળી આવ્યું છે. રૂઘનાથપુર રોડ પર આવેલી માણેક કૃપા સ્કૂલ પાસેથી આ લેપટોપ મળ્યું હતું. જેથી આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે લેપટોપને જપ્ત કર્યું હતું. એક તરફ કરોડોના કૌભાંડનો મુખ્ય એજન્ટ મયુર દરજી માલપુરનો જ વતની છે અને માલપુરમાંથી જ આવા સમયે તૂટેલું લેપટોપ મળી આવતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આરોપીની દુકાનથી 250 મીટર દૂર લેપટોપ મળતાં ચર્ચાઓનું બજાર ગરમ
આ અંગે માલપુર પોલીસને પૂછતાં માલપુર પીઆઇ કે ડી ગોહિલે જણાવ્યું હતું કે, આ લેપટોપ તૂટી ગયેલી હલાતમાં મળી આવ્યું છે. તેને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવશે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને પણ આ અંગે જાણ કરવામાં આવશે. ત્યાર બાદ જ આ બિનવારસી લેપટોપ અંગે કહી શકાશે. આ કૌભાંડના આરોપી મયુર દરજીની દુકાનથી ફક્ત 250 મીટર દૂર આ લેપટોપ મળતાં ચર્ચાઓનું બજાર ગરમ જોવા મળ્યું હતું. ભુપેન્દ્ર ઝાલાની પણ મોડાસામાં કરોડોની જમીન
BZ મહા કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની પણ અનેક મિલકતો બહાર આવી રહી છે ત્યારે, મોડાસાના સાકરીયા ગ્રામપંચાયત વિસ્તારમાં પણ ભુપેન્દ્ર ઝાલાએ કરોડોની જમીન ખરીદી છે. સાકરીયાના સર્વે નંબર 382ની 13,485 ચોમી જમીન ખરીદી છે અને તાત્કાલિક તેનું NA પણ કરાવ્યું છે. આ મિલકત ભુપેન્દ્ર પરબત ઝાલાના નામર હોવાનું ખુદ સાકરીયા ગ્રામપંચાયતના મહિલા તલાટી ચંદ્રિકા પાંડોરે જણાવ્યું હતું. ત્યારે જેમ જેમ દિવસો વિતે છે એમ એમ ભુપેન્દ્ર ઝાલાની મિલકતો બહાર આવતી જાય છે. અત્યાર સુધીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની 5 મોંઘીદાટ કાર જપ્ત
મહત્વનું છે કે અત્યાર સુધીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની 5 મોંઘીદાટ કાર જપ્ત કરવામાં આવી છે. સાબરકાંઠામાં જુદી જુદી જગ્યાએથી આ કાર કબજે કરવામાં આવી છે. તો હવે આ કેસની તપાસમાં EDની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કૌભાંડને પગલે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારની સંપતિ અને તેઓના તમામ બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવશે. બીજી તરફ CID ક્રાઈમે BZ ગ્રુપના CA રુષિત મહેતાના ઘરે પણ તપાસ હાથ ધરી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… BZ ગ્રુપની ઓફિસને તાળા લાગ્યા
કંપનીના કારનામાનો હિસાબ રાખતા CAની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. રોકાણકારોને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર ભૂપેન્દ્ર ઝાલા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીમાં આરોપીનું ફાર્મ હાઉસ અને જમીન મળી આવી છે. તો આ તરફ તપાસના ધમધમાટ વચ્ચે BZ ગ્રુપની ઓફિસને તાળા લાગી રહ્યા છે. પાલનપુરની ગઠામણ પાટિયા પાસે આવેલી ઓફિસને તાળા લાગ્યા હતા, તો વડોદરામાં પણ બંધ ઓફિસ જોવા મળી.