અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલ દ્વારા એકાએક સ્પોર્ટ્સ ફી 6,800 ફરજિયાત માંગવામાં આવી હતી. જેને લઇને વાલીઓએ સ્કૂલે હોબાળો કર્યો છે. વાલીઓ જ્યારે આ અંગે રજૂઆત કરવા માટે આચાર્યને મળવા પહોંચ્યા ત્યારે આચાર્ય મળ્યા હતા અને વાલીઓને ધક્કે ચઢાવ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલ દ્વારા નિયમ કરતા વધારે ફી લેવામાં આવે છે અને ફરજિયાતપણે સ્વેટર પણ સ્કૂલમાંથી જ લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. અલગથી સ્પોર્ટ્સ ફી માંગવામાં આવી રહી છે
ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલ દ્વારા નવું સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યા બાદ સ્કૂલ દ્વારા વાલીઓ પાસે નામે 6800 રૂપિયા માંગવામાં આવ્યા છે. જોકે, પ્રથમ સત્રમાં કોઈપણ પ્રકારની લેવામાં આવી નથી પરંતુ, બીજા સત્રથી જ સ્પોર્ટસ ફી માંગતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીઓ આ અંગે રજૂઆત કરવા માટે સ્કૂલે પહોંચ્યા હતા. વાલીઓના જણાવ્યા અનુસાર આગામી સત્રથી સ્કૂલ દ્વારા 15 હજાર રૂપિયા અલગથી સ્પોર્ટ્સ ફી લેવાનું જણાવ્યું છે. અત્યાર સુધીમાં જનરલ ફીમાં જ સ્પોર્ટ્સ ફી ગણાતી હતી પરંતુ, હવે અલગથી સ્પોર્ટ્સ ફી માંગવામાં આવી રહી છે. સ્કૂલ દ્વારા ચોક્કસ વિક્રેતા પાસેથી જ સ્વેટર ખરીદવા દબાણ
સ્કૂલ દ્વારા FRCના નિયમ વિરુદ્ધ જઈને વધારે ફી લેવામાં આવી રહી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. વાલીઓ જ્યારે સ્કૂલે રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે સ્કૂલના પ્રિન્સિપલ વાલીઓને મળ્યા ન હતા અને વાલીઓને ધક્કે ચઢાવ્યા હતા. વાલીઓનો એ પણ આક્ષેપ છે કે, સ્કૂલ દ્વારા સ્વેટર માટે પણ ફરજ પાડવામાં આવી રહી છે અને આ સ્વેટરની ગુણવત્તા પણ સારી નથી. સ્પોર્ટ્સનું જેકેટ અલગ અને બીજું સ્વેટર અલગ
રુદ્રરત રાવલ નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલની ફી 80 હજાર છે. સ્કૂલ દ્વારા 6800 સ્પોર્ટ્સ ફી લેવામાં આવી રહી છે. અમે આ અંગે પ્રિન્સિપાલને મળીને રજૂઆત કરવા આવ્યા પરંતુ, તે અમને મળવા નથી આવ્યા. ભવિષ્યમાં ક્યારે મળશે એવું પણ જણાવતા નથી. આ ઉપરાંત સ્કૂલમાં વિન્ટરવેરમાં ફરજિયાત સ્પોર્ટ્સનું જેકેટ અલગ અને બીજું સ્વેટર અલગ તે સ્કૂલે નક્કી કરેલ અધિકૃત જગ્યાએથી લેવું એવો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ વાલીઓ આ પ્રકારે અલગથી ખર્ચ કરી શકે તેમ નથી શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સ્કૂલ દ્વારા અલગથી સ્વેટર લેવા ફરજ પાડવામાં આવી રહી છે. સ્કૂલે ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભુ કર્યું તે અમારા માટે નથી
અન્ય એક વાલીએ જણાવ્યું હતું કે, વાર્ષિક ફીમાં 6800 વધારવામાં આવ્યા છે. આ ફી કેમ વધારી તે જણાવ્યું નથી. સ્કૂલે ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભુ કર્યું તે અમારા માટે નથી. સ્કૂલના પ્રિન્સિપાલ અમને મળતા નથી.અમારી માંગ એ છે કે, રજૂઆત સંભાળી ફી ઓછી કરે. સ્કૂલને નોટિસ આપીને ખુલાસો માંગીશું
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલ અંગેની ફરિયાદ મળી છે.ફી અને સ્પોર્ટ્સ સંકુલનો મુદ્દો છે.સ્કૂલ આ રીતે ફરજીયાત ફી ના લઈ શકે.પ્રવૃત્તિ ફરજ પાડીને ફરજીયાત કરીને ફી ના લઈ શકાય તે વૈકલ્પિક છે. જેથી, તેનો વિકલ્પ આપવો જોઈએ.ફરજીયાત સ્વેટર ચોક્કસ વિક્રેતા પાસેથી ખરીદવા દબાણ ન કરી શકે.અમે સ્કૂલને નોટિસ આપીને સ્કૂલ પાસે ખુલાસો માંગીશું ત્યારબાદ સ્કૂલ સામે કાર્યવાહી કરીશું. સ્કૂલની ભૂલ હશે તો ફી બાબતે અને સ્વેટર બાબતે RTE ના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.