આવતીકાલથી જાહેરમાં અડચણરૂપ વાહનોને ટોઈંગ કરવાની કામગીરી હાથ ધરાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક નિયમન બાબતે બેદરકાર બની રહેતા વાહનચાલકો સામે છેલ્લા કેટલાક દિવસથી પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી ચલાવવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે 1લી ડિસેમ્બરથી જિલ્લામાં જાહેરમાં અડચણરૂપ વાહનોને ટોઈંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મુદ્દે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોકોને સ્વૈચ્છિક જાગૃતિ કેળવીને પોતાના વાહનો જાહેર રસ્તા પર નડતરરૂપ ન થાય તે રીતે રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
14 ડિસેમ્બર પહેલા ટ્રાફિક ચલણનો દંડ ભરવા સુચના
જિલ્લામાં ટ્રાફિક અંગેની સઘન કામગીરી માટે જુદા જુદા વિસ્તારોમાં કસૂરવાન વાહન ચાલકોને ઈ-ચલણ મારફતે દંડનો મેમો ફટકાવવામાં આવે છે. આ મેમોની રકમ ભરવા માટે અનેક વાહનચાલકો બેદરકાર રહે છે. જેને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં રાષ્ટ્રીય લોક અદાલતની ઈ-ચલણની નોટિસ ફોન અથવા મેસેજથી મળી હોય તેવા વાહનચાલકોએ આગળની કાર્યવાહીથી બચવા માટે તારીખ 14 ડિસેમ્બર પહેલા ઉપરોક્ત દંડની રકમ ખંભાળિયામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલા “નેત્રમ” (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે અથવા અહીંના મિલન ચાર રસ્તા પાસે આવેલી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા કે દ્વારકામાં સનાતન આશ્રમની બાજુમાં આવેલા પોલીસ મથક ખાતેથી ચલણ ભરી જવા જણાવાયું છે.