રજવાડી નગરી રાજપીપળા ખાતે વર્ષો પહેલા અંકલેશ્વરથી રાજપીપળા ટ્રેન અંગ્રેજોના સમયથી શરૂ કરવામાં આવી હતી. બાદમાં માજી રેલવે મંત્રી નારણ રાઠવાની ભલામણથી 800 કરોડના ખર્ચે નવી રેલવે લાઈન નખાઈ હતી. ત્યારે રાજપીપળાથી ચિત્રાવાડી ગામનો અને 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિર હનુમાન ધરમેશ્વર મંદિર જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. જેથી બાદમાં પોઇચાવાળો રસ્તો ખુલ્લો કરાયો હતો અને ગળનાળું બનાવાયું હતું પણ આ રસ્તે 2થી 3 કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે હાલમાં રાજપીપળાથી અંકલેશ્વર રેલવે બંધ કરી દીધી છે. જેથી હાલમાં કોઈ ટ્રેન આ રેલવે લાઈન પરથી પસાર થતી નથી. છતાં પણ રાજપીપળાથી ચિત્રાવાડી ગામનો અનેહનુમાન ધરમેશ્વર મંદિર જવાનો માર્ગ હજૂ પણ બંધ હાલતમાં એમને એમ જ છે. જો આ રસ્તો હાલ ખુલ્લો કરવામાં આવે તો ભક્તોને અવર જવર કરવામાં સરળતા થાય એવી માગ ઉઠી છે. આ બાબતે રાજપીપળાનાં સ્થાનિક ઘનશ્યામ બારોટે જણાવ્યું કે, રેલવે ટ્રેક નાખ્યો જેમાં આ રસ્તો બંધ થઈ ગયો હતો. જેની બિજી બાજુ ચિત્રાવાડી મોટું ગામ આવેલું છે. આ ગામલોકો ધંધા વ્યવસાય અર્થે 3થી 4 કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી ખૂબ તકલીફ વેઠવી પડે છે. તો હાલમાં રેવલે લાઈન બંધ પડેલી હોવાથી આ રાજપીપળામાં ચિત્રાવાડીથી હનુમાન મંદિરનો બંધ કરાયેલો રસ્તો રેવલે વિભાગ ખુલ્લો કરી આપે એવી અમારી માગ છે.