રામનગર વિસ્તારમાં મોડી રાત્રે અજગર નીકળતા દોડધામ
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક વિશાળકાય અજગર નીકળતા આ અંગે રામનગરના સરપંચ સુનિલભાઈ દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. આથી એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના દેસુર ધમા અને કુંજન શુક્લા દ્વારા આ અજગરનું રેસ્ક્યૂ કરાયું હતું. ત્યારબાદ બાદ આ અજગરને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યો હતો. બાળ કલ્યાણ સમિતિની સમિક્ષા બેઠક યોજાઈ
ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બાળ કલ્યાણ સમિતિની યોજાઈ હતી. આ બેઠકમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈઓ અનુસાર બાળ કલ્યાણ સમિતીની કામગીરી, કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના ચિલ્ડ્રન હોમ ફોર બોય્સમાં પ્રવેશ, પુન:સ્થાપિત કરાયેલા બાળકોની સંભાળની માહિતી મેળવીને સમિક્ષા કરવામાં આવી હતી તેમજ જુવેનાઈલ જસ્ટીસ એક્ટના સુચારૂ અમલીકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી તેમજ અન્ય સભ્યો અને સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંગઠન પર્વના ચૂંટણી અધિકારી તરીકે ધર્મરાજસિંહ જાડેજાની નિયુક્તિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પર્વ 2024ના ચૂંટણી અધિકારી તરીકેની મહત્વની જવાબદારી જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા ધર્મરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા જામનગરના અગ્રણી કાર્યકર ધર્મરાજસિંહ જાડેજાની કરાયેલી આ નિયુક્તિને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, મહામંત્રી રસિક નકુમ, યુવરાજસિંહ વાઢેર, મંત્રી રાજુ ભરવાડ, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલ તન્ના, નગરપાલિકા પ્રમુખ રચના મોટાણી વિગેરેએ આવકારીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મરાજસિંહ શહેર સંગઠન પાંખમાં સતત ત્રણ ટર્મ સુધી મહામંત્રી તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. હાલ તેઓ જામનગરના કોર્પોરેટર તરીકે સેવારત છે.