રાજકોટ શહેરમાં મવડી કણકોટ રોડ પર ગત 25 નવેમ્બરના રોજ પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પીઆઇ પાદરીયા દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ સરદારધામ અને ખોડલધામ વચ્ચે વેરઝેર હોવાની વાત વારંવાર સામે આવી રહી છે. આ વિવાદ દિવસે ને દિવસે વક્રી રહ્યો છે અને રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ ગઈકાલે આખા આ મામલે જયંતિ સરધારાએ એક જગ્યા પર ચોક્કસ લોકો સાથે મળી બંને સંસ્થાને બદનામ કરવા સોપારી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના જવાબમાં જયંતિ સરધારાએ આ વાતને પાયાવિહોણી ગણાવી જો આવું હોય તો ચોક્કસ પુરાવા સાથે દિનેશ બાંભણીયાને વાત કરવા પડકાર ફેંક્યો છે. ખોડલધામના ટ્રસ્ટીએ સરધારા પર આયોજનપૂર્વક કાવતરાનો આક્ષેપ લગાવ્યો
ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, સરદારધામ અને ખોડલધામ બંને સામાજિક સંસ્થા છે. બંને સંસ્થા વિશે તેમજ પાટીદાર સમાજના લેઉવા અને કડવા પાટીદાર વિશે જેમ ફાવે તેમ બોલવું અને જે નિવેદન જયંતીભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ બનાવ સાથે સૌની લાગણી જોડાયેલી હતી અને દુઃખદ ઘટના છે એવું સૌનું માનવું હતું. ગઈકાલે એક તપાસના અંતે જયંતિ સરધારાએ તમામ સમાજના આગેવાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. ખોડલધામ અને સરદારધામ સંસ્થાના મુખ્ય આગેવાનો કઈ રીતે બદનામ થાય એનું આયોજનપૂર્વક કાવતરું કરવામાં આવ્યું છે. આ કાવતરું ક્યાં ફાર્મ હાઉસમાં કોની હાજરીમાં થયું? તેના પુરાવા પણ સમય આવ્યે આપવામાં આવશે. મેં કોઇ સોપારી લીધી નથી કે નથી કોઇ મિટીંગ કરી
જયારે આ મામલે જયંતિ સરધારાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દિનેશ બાંભણિયાએ કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. હું ખોડલધામ અને સરદારધામ બંન્ને સંસ્થામાં ટ્રસ્ટી છું. મેં કોઇ સોપારી લીધી નથી કે નથી કોઇ મિટીંગ કરી. દિનેશ બાંભણિયા પાસે પુરાવા હોય તો મારી પાસે આવે અને મને પુરાવા આપે. આ સાથે પીઆઇ પાદરીયા વિરુધ્ધ થયેલ હત્યાની કોશિશની કલમ રદ કરવા પોલીસે રિપોર્ટ કર્યો છે જે મામલે જણાવ્યું હતું કે, આ કેસમાં કાયદો કાયદાનું કામ કરશે મને હથિયાર દેખાયું હતું મારા પર હુમલો કર્યો હતો એટલે મેં ફરિયાદમાં લખાવ્યું હતું. BNSની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે
રાજકોટ DCP ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જયંતિ સરધારા નામના ફરિયાદીએ પીઆઇ સંજય પાદરીયા વિરુધ્ધ હત્યા કોશિશ અંગે ફરિયાદ નોંધાવી હતી. જોકે, CCTV ફૂટેજ તેમજ મેડિકલ રિપોર્ટ આધારે કોઈ ઇજા હત્યાની કોશિશ થયા હોવાનું જણાઈ ન આવતા BNSની કલમ 109 એટલે કે હત્યાની કોશિશ કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને BNS 117(2) કલમ ઉમેરવા રિપોર્ટ કરવામાં આવેલ છે. આ બનાવમાં પીઆઇ પાસે કોઈ હથિયાર ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તેમજ ટ્રેનિંગ સેન્ટર ખાતેથી પણ તેમને સરકારી હથિયાર ઇશ્યુ કરવામાં આવેલ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પીઆઇ પાદરીયાએ ACP ઓફિસમાં અરજી આપી છે, તેઓ જયંતિ સરધારા વિરુધ્ધ ફેલિયડ કરવા ઇચ્છતા હોય તો તેમની પણ ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવશે.