જીજ્ઞેશ વૈદ
રાજકોટમાં 27-27 લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગઠિયાને શુક્રવારે કોર્ટમાં બોગસ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં હાજર કરાયા ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટરૂમમાં રજૂ કરવાના બદલે કેદી પાર્ટીએ તેમને પરિવાર સાથે બેસીને કેસ શરૂ થયા પહેલાં અને હિયરિંગ બાદ જલસા કરાવ્યાની ચોંકાવનારી ઘટના ‘ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન’માં પ્રકાશમાં આવી છે. ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ પોલીસે પકડેલા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાએ બોગસ મિનિટ્સ બુક રજૂ કરી હતી. જેમાં પોલીસે મનસુખ ધનજીભાઇ સાગઠિયા સામે આઇપીસી કલમ 465, 466, 471, 474 હેઠળ અલગથી ગુનો નોંધ્યો હતો. આ કેસ નં.18795/2024ના ચાર્જફ્રેમ કરવા માટેની શનિવારે મુદત હોય રાજકોટ જિલ્લા જેલમાંથી કેદી પાર્ટી મનસુખ સાગઠિયાને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાનમાં મનસુખ સાગઠિયાના પરિવારજનો અગાઉથી જ કોર્ટમાં આવી ગયા હોય કેદી પાર્ટીએ આરોપી સાગઠિયાને કાયદાની જોગવાઇ અને નિયમો મુજબ સીધો કોર્ટરૂમમાં રજૂ કરવાના બદલે પરિવારજનો સાથે કોર્ટરૂમની બહાર જ સત્સંગ કરવા દીધો હતો અને ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધીમાં કેસનું હિયરિંગ થઇ જતા અને નવી તારીખ પડી જતા મનસુખ સાગઠિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઇ જવાના બદલે કેદી પાર્ટીના કર્મચારીઓએ નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું હતું. કેદીને કોર્ટમાં મળવું હોય તો વકીલે પણ પરવાનગી માગવી પડે
સરકારી વકીલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઇપણ કેદીને જેલમાંથી લાવવામાં આવે એટલે સીધો કોર્ટરૂમમાં રજૂ કરવાનો હોય છે અને ત્યારબાદ કોર્ટમાંથી જજની પરવાનગી મળ્યા બાદ સીધો જેલમાં લઇ જવાનો હોય છે. કેદી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેને મળવું હોય તો તેના વકીલે પણ કોર્ટની પરવાનગી લેવી પડે. જ્યારે પરિવારજનો કે અન્ય કોઇ વ્યક્તિ કેદીને મળી શકે નહીં અને તે ધ્યાન રાખવાની જવાબદારી કેદી પાર્ટીની હોય છે. કોર્ટરૂમ પાસે પરિવારજનો સાથે મિલાપ
સાગઠિયાને કોર્ટની મુદતમાં કેદી પાર્ટીની પોલીસ સવારે 11.00થી 11.30 વચ્ચે લાવી હતી અને સીધો કોર્ટરૂમમાં હાજર કરવાના બદલે કોર્ટરૂમની બહાર જ પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. સાગઠિયાને મળવા તેના પત્ની, પુત્ર, એક યુવતી તથા અમુક સંબંધીઓ આવ્યા હતા. ત્યારબાદ કોર્ટરૂમમાં રજૂ કરતા તેમના વકીલે ચાર્જફ્રેમ સામે મુદત માગતા નવી તારીખ આપવામાં આવી હતી. પાર્કિંગમાં સાગઠિયાની ખાણીપીણીની મોજ
કોર્ટરૂમમાં હિયરિંગ પૂરું થયા બાદ નિયમાનુસાર તેમને સીધા જેલમાં લઇ જવાના બદલે બહાર પાર્કિંગમાં પરિવાર સાથે જલસા કરવા કેદી પાર્ટીએ મોકળું મેદાન પૂરું પાડ્યું હતું અને સાગઠિયાએ કોર્ટના પાર્કિંગમાં પરિવારજનો સાથે ખાણીપીણીની મોજ માણી હતી. કોર્ટરૂમ બહાર પાર્કિંગમાં સાગઠિયાએ પરિવારજનો સાથે એક કલાક કરતાં વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી છે. ગંભીર નિર્દેશ; આરોપીને કોઇપણ પ્રકારની છૂટ ન અાપી શકાય, તપાસ થશે : એસીપી
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર્સના એસીપી મુનાફ પઠાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઇપણ કેદીને જેલમાંથી કોઇપણ કામે બહાર લઇ જવામાં આવ્યા હોય ત્યારે જો કોર્ટનો આદેશ ન હોય તો કેદીને કોઇની સાથે મળવા દેવાઇ નહીં અને કોઇના દ્વારા અપાયેલું ભોજન કે પીણું પણ આપી શકાય નહીં, સાગઠિયાને શનિવારે સવારે 10.45 વાગ્યે હેડ ક્વાર્ટર્સના પીએસઆઇ જે.એસ.નકુમ, હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ અને કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઇ કાચાકામના કેદી સાગઠિયાને જેલમાંથી લઇને નીકળ્યા હતા અને 2.30 વાગ્યે જેલહવાલે કર્યા હતા. જો કેદી પાર્ટીએ સાગઠિયાને વિશેષ છૂટ આપી હશે તો તેની તપાસ થશે પછી કાર્યવાહી કરાશે. નકલી મિનિટ્સ બુકના કેસમાં કોર્ટમાં લવાયા’તા
મનસુખ સાગઠિયા સામે બોગસ મિનિટ્સ બુક બનાવવા અંગે કેસ નં.18795/2024 ચાલી રહ્યો છે. જેની ચાર્જશીટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગત તા.29-08-2024ના રોજ રજૂ થઇ ગઇ છે. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ સાત મુદત પડી છે. જેમાં સાગઠિયાએ કેસમાં ડિસ્ચાર્જ થવા હાઇકોર્ટમાં જવું છે તેમ કહીને તેના વકીલ મારફત નવી મુદત જ માગી છે. શનિવારે પણ કોર્ટમાં સાગઠિયાના વકીલે મુદત માગતાં અદાલતે વધુ એક તારીખ પાડી છે.