back to top
Homeગુજરાતલાખો રૂપિયા પડાવ્યાં બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ !:મોરબીમાં ઓનલાઇન જુગારની આઈ.ડી....

લાખો રૂપિયા પડાવ્યાં બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ !:મોરબીમાં ઓનલાઇન જુગારની આઈ.ડી. બનાવી આપીને યુવાનને આયોજનપૂર્વક છ વ્યાજખોરે ફસાવ્યો

મોરબીમાં કૌટુંબિક સગાની ફાયનાન્સની ઓફિસે બેસવા માટે જતાં યુવાનને ઓનલાઇન જુગારની આઈ.ડી. બનાવી આપવામાં આવી હતી. ત્યાર બાદ તે યુવાનને જુગાર રમવા માટે રૂપિયા પણ આપવામાં આવ્યા હતા અને તે યુવાન જુગારમાં રૂપિયા હારી ગયો હતો. ત્યાર બાદ તે વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયો હતો. યુવાન પાસેથી વ્યાજખોરોએ મૂળ મુડી ઉપરાંત પણ 30થી લઈ 60 ટકા કરતાં વધુ રૂપિયા પડાવી લીધા છે અને હજુ પઠાણી ઉઘરાણી ચાલુ જ રાખવામાં આવી રહી છે યુવાનને વ્યાજના રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને ચામડાં ચીરી નાખે તેવું લાકડા જેવું વ્યાજ વસૂલ કરતાં કુલ મળીને 6 શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. જાણવા મળતી માહિતી મુજબ, મૂળ બગથળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રવપર રોડ ઉપર સ્વાગત હોલની પાછળ આવેલી જલારામ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષકના દીકરા વિનાયક મણીલાલ મેરજા (20)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા (રહે. ન્યુ ચંદ્રેશનગર પ્રભાત હાઇટસ મોરબી), રાહુલભાઇ જારીયા (રહે. ગજડી તાલુકો ટંકારા), જયરાજ સવસેટા (રહે. દેવગઢ તાલુકો માળીયા(મિ), મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા (રહે. ઉમા ટાઉનશીપ મોરબી), માધવ જીલરીયા (રહે. રવાપર મોરબી) અને રાધે ડાંગર (રહે. ગજડી તાલુકો ટંકારા)ની સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદીમાં જણાવ્યું છે કે, આજથી બે વર્ષ પહેલાં એટલે કે ગત તા.10/2/22ની આસપાસ તે મોરબી નિર્મલ સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતો હતો. ત્યારે તે યુવાનના મમ્મીના મામાના દીકરાનો દીકરો કુણાલ ઉર્ફે ભુરો ઓગણજા ઉમિયા સર્કલ પાસે રત્નકલા ડાયમંડ કારખાના સામે આવેલા શોપીંગ સેન્ટરમાં શીવાય ફાયનાન્સની ઓફીસ ચલાવતો હતો ત્યાં તે અવાર નવાર બેસવા જતો હતો. કુણાલ પોતે પોતાની ઓફીસે ઓનલાઈન જુગારની આઈ.ડી. બનાવી રમતો હતો, જેથી ફરિયાદીને પણ ઓનલાઈન જુગાર રમવાનો શોખ થયો હતો. જેથી કરીને કુણાલે ફરિયાદીને તેની જ ઓફીસે તેના મોબાઇલમા ઓનલાઇન જુગાર માટે આઈ.ડી. બનાવી આપી હતી અને તે આઇ.ડી.માં પાંચ લાખ કુણાલે પોતાના આઈ.ડી.માંથી ક્રેડીટ પેટે ટ્રાન્સફર કર્યા હતા. જે રકમ ફરિયાદી યુવાન ઓનલાઈન જુગારમાં હારી જતાં કુણાલને પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જે રૂપિયા સમયસર ન આપતાં કુણાલે પેનલ્ટી અને વ્યાજ ચડાવીને ફરિયાદી પાસેથી સાત લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, કુણાલની ઓફીસે ફાયનાન્સવાળા તેના મિત્રો રાહુલ જારીયા, રાધે ડાંગર અને જયરાજ સવસેટા બેસવા માટે આવતા હતા, જેથી તેની સાથે ફરિયાદીને ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ કુણાલને રૂપિયા ચૂકવવા માટે ફરિયાદી એકાદ વર્ષ પહેલાં મોરબીના શનાળા રોડે આવેલા સ્ટાર આર્કેડ શોપીંગના પાકીંગમાં રાહુલ પાસેથી 30 ટકાના વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે તેને વ્યાજ સહિત એક લાખ રૂપિયા ચૂકવી આપ્યા છે, તો પણ ફરિયાદી પાસેથી રાહુલ જારીયા 5.50 લાખ રૂપિયાની માંગણી કરે છે. સાતેક મહિના પહેલાં રાહુલે ફરિયાદને ઉમિયા સર્કલ પાસે બોલાવ્યો હતો અને તેની સ્વિફ્ટ ગાડીમાં બેસાડીને 5.50 લાખની ઉઘરાણી કરી હતી અને બે ફડાકા પણ માર્યા હતા. જો વ્યાજના રૂપિયા ટાઈમે નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. આવી જ રીતે કુણાલની ઓફીસે આવતાં જયરાજ સાથે મિત્રતા હોય, દસેક મહિના પહેલાં જયરાજે ફરિયાદીને મને ફોન કરીને શનાળા રોડે રત્નક્લા ડાયમંડ કારખાનાની સામે સ્ટાર આર્કેડ શોપીંગના પાર્કિંગમાં બેસવા માટે બોલાવ્યો હતો, જેથી ફરિયાદી ત્યાં બેસવા માટે ગયો હતો. ત્યારે તેની પાસેથી કોઈ રૂપિયા લીધા ન હતા તો પણ બે દિવસ પછી ફરિયાદી યુવાનને જયરાજે ફોન કર્યો હતો કે, “બે દિવસ પહેલાં તું મારી પાસે બેસવા આવ્યો હતો ત્યારે, દસ લાખ લઈ ગયો છો તે ક્યારે આપીશ” જેથી ફરિયાદી યુવાને કહ્યું હતું કે, “મે ક્યાં રૂપિયા લીધા છે” જેથી જયરાજે કહ્યું હતું કે, “તારા બાપાને ફોન આપ તેમ કહી ગમે તેમ બોલાતો હતો. ત્યાર બાદ ફરિયાદીના પિતાને ફોનમાં કહ્યું હતું કે, “રૂપિયા તો આપવા પડશે નહિ તો તેના દીકરાને ઉપાડી જશે” તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદી યુવાન અને તેના પિતા કુણાલને મળવા ગયા હતા અને તેને કહ્યું હતું કે, તેના મિત્ર જયરાજને સમજાવે તે ખોટી રીતે તેઓને હેરાન કરે છે, જેથી કુણાલે કહેલું કે, હું જયરાજ સાથે વાત કરું છુ. ત્યાર બાદ જયરાજ સાથે ફોનમાં વાત કરી ફરિયાદી અને તેના પિતાને કહ્યું હતું કે, “તમારે જયરાજને દસ લાખ તો આપવા જ પડશે તે ગુંડો છે, તેનું નક્કી નહીં તે બોલે તે કરશે” જેથી ફરિયાદી યુવાનના પિતાને ડરના લીધે આઠ લાખ રૂપિયા બે દિવસમાં ભેગા કરીને ઉમિયા સર્કલ પાસે જયરાજને આપવા જતાં જયરાજે તે રૂપિયા કુણાલને આપી દેવાનું કહ્યું હતું, જેથી કરીને ફરિયાદી અને તેના પિતાએ કુણાલને આઠ લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીના બે લાખ રૂપિયા પણ કુણાલને થોડા દિવસમાં આપવાનું કહ્યું હતું. આ ઘટના બાદ રાહુલ જારીયા તથા કુણાલ ઓગણજાએ ફરિયાદી પાસેથી વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરી હતી, જેથી કરીને તેને રૂપિયા આપવા માટે ફરિયાદીએ મિલનભાઈ પકાભાઇ ફુલતરીયા પાસેથી નવેક મહિના પહેલાં અવની ચોકડી પાસે પાંચ લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. જેની સામે મિલનભાઈને 12.50 લાખ વ્યાજ સહિત આપી દીધા છે તો પણ ફરિયાદી પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજના રૂપિયા ટાઇમે નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે. આમ રાહુલ, કુણાલ અને મિલન ફરિયાદી પાસેથી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરતાં હતા, જેથી કરીને ફરિયાદી માધવ જીલરીયા પાસેથી આઠેક મહિના પહેલા બે લાખ રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે માધવને પાંચ લાખ રૂપિયા આપી દીધા છે તો પણ ફરિયાદી પાસેથી વધુ ચાર લાખની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજના રૂપિયા ટાઈમે ન આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે. ત્યાર બાદ રાહુલ, કુણાલ, મિલન અને માધવ વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરતાં હતા, જેથી કરીને કુણાલની ઓફીસે બેસતાં તેના મિત્ર રાધે ડાંગર પાસેથી સાત મહિના પહેલાં એક લાખ રૂપિયા 60 ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે 70 હજાર રૂપિયા પાછા આપી દીધા છે તો પણ ફરિયાદી પાસેથી 2.50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને વ્યાજના રૂપિયા ટાઈમે ન આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે. આ વ્યાજખોરોના ડરના લીધે તેના પિતા હળવદ રહેવા માટે જતાં રહ્યા છે અને ફરિયાદીની માતાને માનસિક તકલીફ થઈ ગઈ છે, જેથી તે ફરિયાદીના મામાના ઘરે અમદાવાદ ખાતે રહેવા જતી રહ્યા છે. આરોપી કુણાલ ઉર્ફે ભુરો ફરિયાદી પાસેથી તેના પિતાના રાજકોટ ટ્રીસ્ટ્રીક બેંક એકાઉન્ટના ત્રણ ચેક તથા ફરિયાદીના આઈ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટના બે ચેક આમ કુલ મળીને પાંચ ચેક અને ફરિયાદીનો આઈ. ફોન ફીફટીન પ્રો મોબાઈલ ફોન બળજબરી કરીને લઈ ગયો છે. જેથી ભોગ બનેલા યુવાને ગેંગ બનાવીને વ્યાજના ચક્રમાં ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવનારા 6 શખસ સામે ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે આ તમામ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments