વાતાવરણમાં નાનકડો એવો પણ ફેરફાર થાય એટલે બીમારીઓ લોકોને ઘેરવાનું શરુ કરી દે છે. હવે વ્યસ્ત શેડ્યુલના કારણે ડૉક્ટર પાસે જવાને બદલે જાતે જ મેડિકલમાંથી દવા લઈને કામ ચલાવે છે પરંતુ, તેને કારણે શરીરને કેટલા જોખમી નુકસાન થઈ શકે છે તેની કલ્પના કરી શકો. દર વર્ષે વિશ્વમાં અંદાજે 49 લાખ લોકો આ આદતના કારણે મોતને ભેંટે છે અને વર્ષ 2050 સુધીમાં આ આંકડો એક કરોડથી ઉપર જઈ શકે, જે ચિંતાજનક છે. આ પરિસ્થિતિ ન સર્જાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ WHO સાથે મળીને અમદાવાદમાં એક વર્કશોપનું આયોજન કર્યું હતુ, જેમાં દેશભરમાંથી વિવિધ રાજ્યના પ્રતિનિધિઓએ એકઠા થઈને આ વિષય અંગે માર્ગદર્શન આપ્યું. એન્ટિબાયોટિક લેવાની આદત મોતના મુખમાં ધકેલી શકે
આજરોજ અમદાવાદ મેડિકલ એસોસિએશન (IMA) ખાતે યોજાયેલી વર્કશોપમાં દેશભરમાંથી 50થી વધુ પ્રતિનિધિઓ જોડાયા હતા. આવનારા વર્ષોમાં આ એન્ટિબાયોટિકની આડઅસર મોતનું મુખ્ય કારણ ન બને તે માટે અત્યારથી જ સાવચેતીના પગલાં લેવા માટે આ ટ્રેનિંગનું આયોજન IMA દ્વારા WHO સાથે મળીને કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય શરદી-ઊધરસ થઈ હોય તો એન્ટિબાયોટિક લેવાની આપણી આદત મોતના મુખમાં ધકેલી શકે છે કારણ કે, એન્ટિબાયોટિકથી જે બેક્ટેરિયા શરીરમાં જરૂરી હોય તે પણ નાશ પામે છે અને કેટલીક વખત શરીરના બેક્ટેરિયા અથવા વાયરસ તે એન્ટીબાયોટિકથી મરી શકતા નથી અને વધુને વધુ સમસ્યાઓ ઉભી કરે છે. તેથી, જો જરૂરિયાત ન હોય તો એન્ટિબાયોટિક ન લેવાની જ તબીબો સલાહ આપતા હોય છે. 49 લાખ લોકો દર વર્ષે મનફાવે એમ દવાનું સેવન કરવાથી મોતને ભેટે છે
આ વર્કશોપમાં હાજર ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના AMR સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. નરેન્દ્ર સૈનીએ જણાવ્યું હતું કે, જ્યારે બેક્ટેરિયાથી થતા ચેપ પર વધુ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આવા બેક્ટેરિયા ખાસ પ્રતિરોધક ક્ષમતા વિકસાવે છે. જ્યારે આવું થાય ત્યારે દવાઓ તેની પર બિનઅસરકારક થવાનું શરૂ કરે છે. તેને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે. આ સમસ્યા વર્તમાન સમયમાં ખૂબ જ મોટી બની રહી છે. વિશ્વભરમાં 4.9 મિલિયન લોકો એટલે કે અંદાજે 49 લાખ લોકો દર વર્ષે મનફાવે એમ દવાનું સેવન કરવાના કારણે મોતને ભેંટે છે અને એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2050 સુધીમાં 10 મિલિયન લોકો એટલે કે અંદાજે 1 કરોડ લોકો દવાના આડેધડ સેવનના કારણે મોતને ભેંટી શકે છે. જો આપણે કોવિડની સ્થિતિની વાત કરીએ તો અંદાજે 70 લાખ લોકો મોતને ભેટ્યા હતા તો તમે વિચારો કે જો લોકો આ જ રીતે આડેધડ દવાનું સેવન કરતા રહ્યા તો વર્ષ 2050માં કોવિડ કરતાં પણ મોટી સમસ્યા AMR બનીને ઊભી રહેશે. 70-80 ટકા બીમારીઓ દવા વગર જ ઠીક થઈ જાય છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજથી 25 વર્ષ પહેલાં કોઈ દવા નહોતી આવી. આ બધી જ જૂની જે દવાઓ છે તેના નામ બદલી-બદલીને માર્કેટમાં યૂઝ થઈ રહી છે. જૂની દવાઓ કે જે બેક્ટેરિયાથી થતા ચેપ સામે લડવા માટે એટલી સક્ષમ નથી. જો આ દવાઓનું યોગ્ય રીતે સેવન નહી કરવામાં આવે તો તે કોઈપણ વાઈરસ કે બેક્ટેરિયાને અસરકારક રીતે દૂર કરી શકશે નહી. કેમિસ્ટ, હેલ્થ વર્કરો અને સામાન્ય જનતા આ જ જૂની દવાઓનો અંધાધૂધ ઉપયોગ કરે છે. તમારે તે સમજવું પડશે કે, દરેક બીમારીમાં એન્ટિબાયોટિક લેવી જરૂરી નથી. 70-80 ટકા બીમારીઓ એવી હોય છે કે, જેમાં તમને તાવ હોય છે પણ તે વાઈરલ હોય છે માટે તેના પર એન્ટિબાયોટિક અસર કરતી નથી. વાઈરલ સમયની સાથે ઠીક થઈ જાય છે કોઈ દવા લેવાની જરૂરિયાત રહેતી નથી. આ કારણોસર જ ડૉક્ટરે લખેલી જ દવાઓ લેવાનો આગ્રહ રાખવો અને જાતે દવાઓ ન લેવી. AMRની સમસ્યાને નિયંત્રણમાં લાવવા આ વર્કશોપનું આયોજન કરાયું
અમદાવાદ મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર ઉર્વેશ શાહે પણ જણાવ્યું હતું કે, જે એન્ટિબાયોટિક્સ પહેલાના સમયમાં ઈન્ફેક્શનને ઠીક કરવામાં કારગર સાબિત થતી હતી, તે વર્તમાન સમયમાં એટલી અસરકારક નથી. તો આ જે સ્થિતિ ઊભી થઈ છે તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર છે. આ સમસ્યાનું સમયસર નિવારણ લાવી શકાય તે માટે આ વર્કશોપનું આયોજન કરાયું હતું. દરેક રાજ્યમાંથી લીડિંગ ડૉક્ટર્સ છે તે અહી આવ્યા છે. તે દરેકની અહીં ટ્રેનિંગ થશે અને જે AMRની સમસ્યા વધી રહી છે, તેને પોતાના રાજ્યમાં કેવી રીતે નિયંત્રણમાં રાખી શકે તે અંગેનું માર્ગદર્શન અપાશે. 22 ગ્રૂપની 118 એન્ટિબાયોટિક્સ દવાઓ ચલણમાં છે
બેક્ટેરિયાનો નાશ કરવા માટે આપવામાં આવતી દવાઓ એટલે કે એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક સાબિત થઈ રહી છે. બેક્ટેરિયા તેમની રચના બદલી રહ્યાં છે તેથી આ દવાઓ તેના પર કામ કરી રહી નથી. 22 ગ્રૂપની 118 એન્ટિબાયોટિક્સ દવાઓ ચલણમાં છે. જેમાંથી 24થી વધારે દવાઓ સામે બેક્ટેરિયાઓએ પ્રતિરોધક ક્ષમતા વિકસાવી લીધી છે એટલે કે, આ દવાઓ હવે બિનઅસરકારક છે. ઉદાહરણ તરીકે, મોટાભાગના દર્દીઓમાં ટાઇફોઇડ માટે ફ્લોક્સોસિન અસરકારક નથી. એન્ટિબાયોટિક્સ વિશેની સૌથી અગત્યની બાબત એ સમજવી જરુરી છે કે, તે વાઈરસને નહીં, બેક્ટેરિયાને મારે છે. મોટાભાગના લોકો આ વાતથી અજાણ હોય છે અને જ્યારે તેમને કોઈ પણ પ્રકારનો ચેપ લાગે છે, ત્યારે તેઓ તેને ઈચ્છે તેમ લેવાનું શરૂ કરે છે. તેથી, તેનો ઉપયોગ ક્યારે અને ક્યારે ન કરવો તે જાણવું જરૂરી છે.