ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં સત્ર શરૂ થયાના પાંચ મહિના બાદ પણ પ્રવેશ શરૂ થયા નથી, જેને કારણે ખાનગી કોલેજોમાં ઊંચી ફી ભરી વિદ્યાર્થીઓ લૂંટાવવા માટે મજબૂર બન્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 4 ગ્રાન્ટેડ અને રાજકોટની એક સરકારી સહિત 5 લો કોલેજોમાં પ્રવેશ હાલ બંધ છે. રાજયમાં રાજકોટ અને અમદાવાદ એમ 2 સરકારી અને 26 ગ્રાન્ટેડ લો કોલેજો છે. જેમાંથી રાજ્યની 22 ગ્રાન્ટેડ કોલેજો હાઇકોર્ટમાં પહોંચી છે. એક કોલેજે 13 વર્ષના રૂ. 26 લાખ ભરવાના
પ્રશ્ન એવો છે કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનુ કહેવું છે કે, વર્ષ 2011 બાદ એક પણ કોલેજોએ BCIનું ઇન્સ્પેક્શન કરાવ્યું નથી. હવે આ કોલેજ સંચાલકો અને પ્રિન્સિપાલ ઇન્સ્પેક્શનની ફી ભરવા તૈયાર છે પરંતુ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન ફી ઉપરાંત ડીફોલ્ટ ફી તરીકે વર્ષ દીઠ રૂ. 2 લાખ માંગવામાં આવ્યા છે એટલે કે એક કોલેજે 13 વર્ષના રૂ. 26 લાખ ભરવાના. હવે વિદ્યાર્થીઓને નજીવી ફીમાં ભણાવતા સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના સંચાલકો અને પ્રિન્સિપાલ પાસે આટલા બધા પૈસા ન હોય, જેથી આ કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જોકે, તેને લીધે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જે નજીવી ફીમાં LLB કરી શકતા હતા તેઓને મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજમાં નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી દીઠ વર્ષના રૂ. 65 અને કાયમી શિક્ષકોનો પગાર ચૂકવવામાં આવે છે. જૂનાગઢ, પોરબંદર અને આણંદની ગ્રાન્ટેડ લો કોલેજ ઉપરાંત અમદાવાદની સરકારી કોલેજમાં જ વિદ્યાર્થીઓને લોના પ્રથમ વર્ષમા પ્રવેશ મળ્યા છે. ચાલુ વર્ષના વિદ્યાર્થીઓના તો એડમિશન થવાની કોઈ જ શક્યતા નથી
હાઇકોર્ટમાં સબ જ્યુડિશિયલ મેટર હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોઈ અધિકારી હાલ ઓફિશિયલી કંઈ બોલતા નથી પરંતુ, લો વિભાગનાં અઘિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતુ કે, સરકારી લો કોલેજ તો સરકાર સામે પડી ન શકે. જેથી, રાજ્યની ગ્રાન્ટેડની 22 જેટલી કોલેજો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે હાઇકોર્ટમાં લડત ચલાવી રહી છે. ગત એપ્રિલ-2024માં હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ હાલ તારીખો પડી રહી છે. હવે નવી તારીખ 4 ફેબ્રુઆરી, 2025 છે. જેથી ચાલુ વર્ષના વિદ્યાર્થીઓના તો એડમિશન થવાની કોઈ જ શક્યતા નથી પરંતુ, આવતા વર્ષથી એટલે કે જૂન 2025 થી એડમિશન શરૂ થાય તે જરૂરી છે. અન્યથા કાયદાના વિદ્યાર્થીઓ માટેની રાહત દરે અભ્યાસ કરાવતી ગ્રાન્ટેડ અને સરકારી લો કોલેજોને તાળા લાગી જશે અને વિદ્યાર્થીઓને ખાનગી કોલેજમાં ઉંચી ફી દેવા મજબૂર બનવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ સહિત ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં એક સેમેસ્ટરની ફી રૂ. 2000થી રૂ. 3000 એટલે કે એક વર્ષની ફી રૂ. 5000 જેટલી હોય છે. જેની સામે ખાનગી લો કોલેજોમાં ફી રૂ. 20,000 જેટલી હોય છે. સરકારી કોલેજોમાં એડમિશન ન મળતા નાછૂટકે ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવવો પડ્યો
જ્યારે સરકારી કે ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન શરૂ ન થતા નછૂટકે ખાનગી કોલેજમા LLB સેમેસ્ટર-1માં એડમિશન લેતા વિદ્યાર્થી શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં એડમિશન ન શરૂ થતાં વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરવો પડે છે. પ્રાઇવેટ કોલેજમાં જે ફી છે તે સરકારી કોલેજો કરતાં ઘણી વધારે છે. જેથી આર્થિક નબળા હોય એવી વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોની ફી ન પોસાય. જેથી, જૂન-2025થી એડમિશન શરૂ થઈ જાય તે જરૂરી છે. ખાનગી લો કોલેજોમાં વાર્ષિક ફી રૂ. 25,000થી રૂ. 30,000 જેટલી છે. 50 ટકા વિદ્યાર્થીઓ છે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં LLB કરવા માંગે છે, તેઓને નાછૂટકે ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવવો પડ્યો છે. સરકાર વહેલી તકે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશન શરુ કરાવે
ઉપરાંત LLB સેમેસ્ટર-1માં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સાહિલ વઘાસિયાએ જણાવ્યું હતુ કે, આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન ન મળતા LLBનો અભ્યાસ આ વર્ષે કરી શક્યા નથી. મારો એક મિત્ર છે જેનું નામ કશ્યપ કાછડીયા છે, જેના પિતા મજૂરીકામ કરી રહ્યા હોવાથી ખાનગી કોલેજની ફી તેને પોસાય તેમ નથી. જેથી, મારા મિત્ર એ આ વર્ષે હજુ સુધી એક પણ જગ્યાએ LLB માટે એડમિશન લીધું નથી કારણ કે, તેને ખાનગી કોલેજની ફી પોસાય તેમ નથી. તેને બીકોમ કરેલું છે અને LLB કરી ઊંચી પોસ્ટ ઉપર જવાનું તેનું સ્વપ્ન હતું પરંતુ, હાલ તે સામાન્ય નોકરી કરે છે. જેથી રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં લો ના એડમિશન શરૂ કરાવવા જોઈએ.