દ્વારકા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનું મોટરસાયકલ ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપી એવા પટેલકા ગામના વૃદ્ધને દબોચી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકાના ધીંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતા અમિતભાઈ વાલજીભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાનનું રૂપિયા 25,000ની કિંમતનું હોન્ડા સાઈન મોટરસાયકલ તારીખ 27 નવેમ્બરના રોજ રબારી ગેઈટ સામે આવેલી એક હોટલના પાર્કિંગમાંથી ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ પ્રકરણમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણઈ મારુ, પીઠાભાઈ ગોજીયા તથા પ્રવીણ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના રોજીવાડી વિસ્તારના રહીશ નારણ ટીડાભાઈ કરંગીયા નામના 68 વર્ષના શખ્સને પોલીસે દબોચી લઈ, રૂપિયા 25,000ની કિંમતનું ચોરીનું હોન્ડા સાઈન મોટરસાયકલ કબજે કર્યું હતું. ત્યાર બાદ આગળની તપાસ અર્થે આરોપીનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.