ટંકારા તાલુકાના હડમતીયા ગામે શેરીમાંથી બાઈક ચલાવવા બાબતે સાળા અને બનેવી વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી થયેલ હતી. જે બનાવ સંદર્ભે બંને પક્ષેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિજય બચુભાઈ સોલંકી (ઉ.25) નામના યુવાનેતેના બનેવી વિનોદ હસમુખભાઈ વાઘેલા તેમજ જીગ્નેશ હસમુખભાઈ વાઘેલા અને સુરેશ ગુલશનભાઈ ચાવડા રહે. બધા હડમતીયા વાળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તેના ઘર પાસે શેરીમાં હતો ત્યારે આરોપીઓ બાઇક લઈને નીકળ્યા હતા અને ત્યારે જીગ્નેશ વાઘેલાએ ફરિયાદીને સાઈડમાં ઊભા રહેવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી સાઈડમાં જ છે તેવો તેણે જવાબ આપ્યો હતો. જે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી. ત્યાર બાદ વિનોદ વાઘેલાએ લાકડી વડે ફરિયાદીને પગ ઉપર માર માર્યો હતો તથા જીગ્નેશ વાઘેલા અને સુરેશ ચાવડાએ ઝપાઝપી કરીને ગાળો આપી હતી અને ફરીથી ઝઘડો કરીશ તો જાનથી મારી નાખશું તેવી ફરિયાદીને ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે. આ બનાવમાં સામાપક્ષેથી હડમતીયા ગામે રહેતા હરજીભાઈ ઉર્ફે વિનોદ હસમુખભાઈ વાઘેલા (ઉ.28)એ તેના સાળા વિજય બચુભાઈ સોલંકી સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તે પોતાના મિત્રો સાથે બાઈક લઈને ગામમાં જતા હતા. ત્યારે તેના સાળાએ બાઈક સરખું ચલાવવાનું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી. જેથી કરીને ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ લાકડી વડે ફરિયાદીને પગમાં માર માર્યો હતો અને આજ પછી મારી સામે આવતો નહીં નહિતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.