ગાંધીનગરના મહાત્મા મંદિર ગેટ નંબર – 2 ની સામેના રોડ પર ગઈ મોડી રાતે ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી એક્ટિવા અને સ્વિફ્ટ કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર દંપતિ તેમજ એક્ટિવા સવાર યુવતીને શરીરે ઈજાઓ થઈ હતી. જ્યારે દંપતીનાં 13 વર્ષના પુત્રના કપાળના ભાગે કાચ ઘુસી જતાં 22 ટાંકા લેવાની નોબત આવી છે. આ અકસ્માત સર્જી ઈકો મૂકીને ચાલક નાસી ગયો હતો. કારમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ, ઠંડું પીણું તેમજ બાઈટિંગ જોવા મળ્યું હતું. આ અંગે સેકટર – 7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરનાં મહાત્મા મંદિર સામેના રોડ પર ગઈકાલે મોડી રાતે ઈકો કારના ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો. ગાંધીનગરના સેકટર – 13 માં રહેતી નિધી વિનોદભાઈ પરમાર કુડાસણ ખાતેથી નોકરી પૂર્ણ કરીને એક્ટિવા લઈને ઘરે જઈ રહી હતી. તે વખતે વિસ્ટા ગાર્ડનથી દાંડી કુટીર જતા રોડ ઉપર મહાત્મા મંદિરના ગેટ નંબર – 2 ની સામેનાં રોડ પર ઈકો કાર (નંબર GJ-01-WN-1447) ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે કાર હંકારી એક્ટિવાને આગળના ભાગે ટક્કર હતી. બાદમાં એક્ટિવા પાછળની સ્વિફ્ટ કારને પણ ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત સર્જાતા ઈકો કાર પલ્ટી ખાઈ ગઈ હતી. ઈકોનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત નિધિ તેમજ સ્વિફ્ટ કારમાં સવાર ચિરાગ બેચરભાઈ પ્રજાપતિ અને તેમની પત્ની ચેતનાબેન થતા દીકરા પ્રેમ (ઉ. 13) ને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં પ્રેમનાં કપાળના ભાગે કાચ ઘુસી ગયા હોવાથી 22 ટાંકા લેવાની ફરજ પડી હતી. જ્યારે નિધિને પણ સાથળનાં ભાગે ચાર ટાંકા લેવામાં આવ્યા હતા.