રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સરકારી આગેવાન જયેશ રાદડિયાનો વધુ એક વખત હુંકાર કરતો વીડિયો સામે આવ્યો છે. જયેશ રાદડિયાએ વધુ એક વખત નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા છે. આ અંગે જાહેર મંચ ઉપરથી તેઓએ જણાવ્યું હતું કે, મને આડા આવવાનું રહેવા દેજો અને નક્કી જ કર્યું હોય આડું આવવા તો તેનો મારે હિસાબ કરવા મેદાનમાં ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો. ઉતરવું પડે તો પણ મારી તૈયારી છે હું પણ રાજકીય માણસ છું. નડવાનું ચાલુ રાખશો તો આવનાર દિવસો ખરાબ આવી જશે
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, કરે છે એને કરવા નથી દેવું અને જે કદાચ કામ કરતું હોય તો એનાથી કદાચ ભૂલ થાય તો સમાજે એની ભૂલ પણ સ્વીકારવી પડશે. બાકી ઓટે બેઠા-બેઠા વોટ્સએપમાં મેસેજ કરે ખોટા તો એને કેશું તું કામ કર અમે નીચે બેસી જશું. તમારે કરવું નથી અને કરવા પણ દેવું નથી અને સમાજમાં અંદરોઅંદર મુશ્કેલી ઉભા કરવા બદલે કોઈ નડવાના બદલે શાંતિથી બેસજો. નડવાનું ચાલુ રાખશો તો લેઉવા પટેલ સમાજ માટે આવતા દિવસો ખરાબ આવી જશે. જામકંડોરણામાં ભવ્ય ઈતિહાસ રચાશે
અમે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી રહ્યા છીએ અને નેતૃત્વ કરતા હશું તો એક-બે ભૂલ પણ થતી હશે. કામ કરી છી એટલે કદાચ ભૂલ પણ થાય અને હમણાં હું પણ ન કરું અને બીજાની જેમ કાયમી બેઠા રહી અને જ્યાં કાર્યક્રમ હોય ધારાસભ્ય તરીકે રીબીન કાપવા તો મારે જ આવવાનું છે ને તો મારી કોઈ દિવસ ભૂલ ન થાય. સારું કામ કરવાના પ્રયત્ન કરીએ છીએ એટલે કદાચ ભૂલ થાય. જામકંડોરણા ખાતે ભવ્ય ઇતિહાસ થવાનો છે, 501 દીકરીઓના સમૂહ લગ્ન કરવાના છે. ગયા વખતે 351 હતા બધાએ જોયા છે. આ સામાન્ય લગ્ન નથી, મારી દીકરીના ન થાય એવા ઠાઠમાઠથી દીકરીઓના લગ્ન કરાવવાના છે. 501માંથી 490 નામ નોંધાઈ પણ ગયા છે. આ ભવ્ય આયોજન સમાજ માટે કરીએ છીએ. આમાં પણ એક-બે ખામી મુશ્કેલી અમારી રહી જાતી હશે. કરી એનાથી ભૂલ થાય ન કરવું હોય એનાથી ભૂલ ન થાય. આ મેદાનમાં મારે ઉતરવું ન પડે, ઉતરવું પણ નથી
જાહેર મંચ ઉપરથી કહેવું ન જોઈએ પણ નાછૂટકે કહેવું પડે છે. સારું કામ કરતા હોય એને અવરોધમાં હવનમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો. જેમ તાકાતથી સમાજનું નેતૃત્વ કરીએ છીએ એમ હવે જે વચ્ચે આવે છે. એના હિસાબ કરવા ન પડે, આ મેદાનમાં મારે ઉતરવું ન પડે, ઉતરવું પણ નથી સમાજની વાત આવે ત્યાં સુધી પણ છેલ્લે એન્ડ સુધી મને હેરાન કરવામાં આવે અને હેરાન કરવાનું નક્કી જ કરી લીધું હશે તો પછી હું પણ રાજકીય માણસ છું. મને પણ બધું આવડે જ છે. જે સારું કામ કરતા હોય એને કરવા દેજો જે જેનું કામ છે તેને મુબારક.. ફરી એક વખત નામ લીધા વગર વિરોધીઓ સામે આકરા પ્રહાર કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામે ખેડૂત નેતા વિઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ, લેઉઆ પટેલ સમાજ ભવનનુ ખાતમુહુર્ત, નવનિર્મિત આંગણવાડીનુ લોકાર્પણ, રાજકોટ જીલ્લા બેંક, જીએસસી બેંક અને ઈફકો-નવી દિલ્હી તેમજ સર્વોદય સેવા સહકારી મંડળી-થાણાગાલોળના સંયુક્ત ઉપક્રમે રવિ પાક શિબિર તેમજ રક્તદાન કેમ્પ અને રક્તતુલા સહિતના અનેકવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને થાણાગાલોળ મંડળીના સભાસદો તેમજ ગ્રામજનોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ ફરી એક વખત નામ લીધા વગર વિરોધીઓ સામે આકરા પ્રહાર કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.