આજે વિશ્વ એઈડ્સ દિવસ છે. ત્યારે ગુજરાતની એક એવી સંસ્થાની વાત કરીએ કે, જે એચઆઈવીગ્રસ્ત મહિલાઓ અને યુવતીઓ માટે આશ્રયસ્થાન બની છે. સુરતમાં આવેલી રાજ્યની એકમાત્ર આ સંસ્થામાં એચઆઈવી પીડિત મહિલા અને યુવતીઓને આશરો આપી શિક્ષણ આપી પગભર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગેરમાન્યતાઓના કારણે એચઆઈવીગ્રસ્ત લોકોએ સમાજની મુખ્યધારામાં રહેવું મુશ્કેલ બનતું હોય છે ત્યારે આવા લોકોને અહીં માનભેર જિંદગી જીવવા મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત નજીક કોસમાડા ખાતે જી.એન.એસ.પી પ્લસ સ્પેશિયલ કેર હોમ આનંદ વાટિકા કાર્યરત છે જેમાં રાજ્યની એચઆઈવી ગ્રસ્ત નાની બાળકીથી લઈને યુવતીઓ સુધી સરકારની મંજૂરીથી રાખવામાં આવે છે. આજે આ આનંદ વાટીકા તેમના માટે સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. HIV ગ્રસ્તોનું આશ્રયસ્થાન
રાજ્યમાં એચઆઈવી ગ્રસ્ત નાના બાળકોથી લઈને યુવાનો અને યુવતીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ કેર બનાવવામાં આવ્યા છે. પુરુષો માટે અને બાળકો માટેનું સ્પેશિયલ કેર હોમ ગાંધીનગર ખાતે કાર્યરત છે. તો બાળકી અને યુવતીઓ માટે સુરત ખાતે આનંદ વાટિકા કાર્યરત છે. આ એકમાત્ર એચઆઈવી ગ્રસ્ત બાળકી અને યુવતીઓ માટેનું સ્થાન છે કે જ્યાં તેમને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. હાલ અત્યારે 18 વર્ષથી મોટી ઉંમરની કુલ 14 દીકરીઓ અને 18 વર્ષથી નાની ઉંમરની કુલ 14 દીકરીઓ અહીં રહે છે. તમામ માટેની યોગ્ય વ્યવસ્થા અહીં કરવામાં આવી રહી છે જેમાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી રહી છે તેમજ GNPS પ્લસપ્લસ સંસ્થા દ્વારા દાતાઓના સહારે સંચાલિત કરવામાં આવી રહી છે. અભ્યાસ માટે ખાસ કાળજી
અહીં રહેતી બાળકીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે એમને જે પણ વિષયમાં રસ હોય તેમાં તેમના અભ્યાસ સંસ્થા દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. સરકાર જે મદદ કરી રહી છે તે સિવાયની સંસ્થા દ્વારા પણ કેટલીક મદદ કરવામાં આવી રહી છે જેથી કોમ્પ્યુટર કોર્સ, ફેશન ડિઝાઇન, નર્સિંગ સહિતના કોર્સ કરાવવામાં આવી રહ્યા છે દીકરીઓ આજે પોતાની રીતે અભ્યાસ કરીને પગભર થઈ છે અને પોતાનું જીવન સારી રીતે ગુજારી રહી છે. આનંદ વાટિકામાં રહેતી બાળકીઓ શિક્ષણ માટે કામરેજના વાત્સલ્ય ગૃહમાં અભ્યાસ કરવા જાય છે. તેમજ ઓલપાડ ખાતેની કોલેજમાં વિદ્યાર્થિનીઓ ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહી છે. તેમના આવા જવા માટે વાહનની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે જેથી કરીને તેમની સુરક્ષા જળવાઈ શકે. આનંદવાટિકા સુધી કેવી રીતે લવાય છે બાળકો
જી એસ એન પી પ્લસ ની ટીમ ડિસ્ટ્રિક્ટ લેવલ નેટવર્ક ના સ્વયંસેવકો જે તે વિસ્તારમાં એચઆઈવી ગ્રસ્તના સંપર્કમાં રહેતા હોય છે. એચઆઈવી ગ્રસ્ત હોય અને તેમના ઘરની સ્થિતિ સારી ન હોય સિંગલ પેરેન્ટ હોય અથવા તો ઘરમાં તેમની યોગ્ય રીતે કાળજે લઈ શકાય તેવું વાતાવરણ ના હોય તેવા બાળકોને યુવતીઓને આઈડેન્ટીફાય કરીને આનંદ વાટિકા સુધી લઈ આવવામાં આવે છે. સૌપ્રથમ આઈડેન્ટીફાઈ કર્યા પછી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની મંજૂરી મેળવવામાં આવે છે જેના માટેની કાયદાકીય રીતે આખી પ્રોસેસને અનુસરવાની હોય છે અને ત્યારબાદ મંજૂરી પ્રાપ્ત થતી હોય છે. છેલ્લા બે મહિનામાં ત્રણ બાળકીઓ આવી
ગુજરાત ભરમાંથી અનાથ અથવા તો જેની યોગ્ય સંભાળ તેના પરિવારજનો રાખી ન શકતા હોય તેવી એક બાળકી અને બે કિશોરીઓને અહીં લાવવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કચ્છથી અને ગોધરાથી આ દીકરીઓને લાવવામાં આવી છે. છ વર્ષની દીકરી ને જ્યારે અહીં લાવવામાં આવી હતી ત્યારે તે ખૂબ ઓછી થતી તેનું માત્ર પાંચ કિલો જ વજન હતું આવી સ્થિતિમાં તેના પિતા સાથે પાંડેસરા વિસ્તારની ફૂટપાથ ઉપર રહેતી હતી જ્યાં તેના પિતા પણ એચઆઇવી પોઝિટિવ હતા અને માતા મૃત્યુ પામી હતી. પિતા દ્વારા યોગ્ય સમયે તેને દવા આપવામાં આવતી ન હતી અને ખોરાક પણ તેને મળતો ન હોવાને કારણે તે ખૂબ ઓછી થતી ડિસ્ટ્રિક્ટ લેવલ નેટવર્ક ના સભ્ય એ તેમના આઇડેન્ટીફાય કરીને અહીં લાવ્યા બાદ તેને સારી રીતે ઉછેર કરવાનું શરૂ કરી દેવાયું છે અત્યારે તેનો વજન 18 કિલો થઈ ગયું છે અને તે અન્ય દીકરીઓની માફક સહજતા થી રહેવાનું શરૂ કરી દીધું છે. કચ્છથી 13 વર્ષની જે દીકરી આવી છે તેના માતા પિતા ન હોવાથી પહેલા તેને બહેન સાથે રહેતી હતી સરકાર દ્વારા જે યોજનામાં આર્થિક સહાય આપવામાં આવતી હતી તે સહાય તેમને પણ મળતી હતી પરંતુ તેની યોગ્ય રીતે તેની બહેન દ્વારા જાળવણી થતી ન હોવાને કારણે તેના ભાઈએ જ તેને બહેન પાસેથી આ દીકરીને પરત લઈ આનંદ વાટિકામાં લઈ આવ્યા હતા. ગોધરાની છ વર્ષની દીકરીના માતા પિતા મૃત્યુ પામેલા હતા તે તેની દાદી સાથે રહેતી હતી જ્યાં તેની સાથે યોગ્ય વર્તન થતું ન હતું અને દાદી તેને સમયસર દવા આપી શકે તેમ ન હતા તેથી તેને પણ અહીં લઈ આવવામાં આવી છે. સુરતના પાંડેસરાની 17 વર્ષની દીકરી તેની બહેન સાથે રહેતી હતી પરંતુ ત્યાં તેની કાળજી ન લેવાતા તેને આનંદ વાટીકામાં લાવવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓને કારણે આધાર
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એચઆઇવી ગ્રસ્ત વ્યક્તિઓ માટે સહાય આપવામાં આવી રહી છે જે કંઈ અંશે તેમને મદદરૂપ પુરવાર થાય છે. પાલક માતા પિતા સાથે રહેતા એચઆઈવી ગ્રસ્ત બાળકીઓને આર્થિક સહાય આપવામાં આવે છે પાલક વાલીઓને દર મહિને ₹3,000 અને એચઆઈવી ગ્રસ્ત બાળકના 3000 કુલ 6000 રૂપિયા જેટલી રકમ દર મહિને આપવામાં આવે છે. આનંદ વાટીકા માં રહેતી એચઆઈવી પોઝિટિવ દીકીરીઓને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ખાનગી કોલેજમાં અભ્યાસ કરવા માટે જે ખર્ચ થાય છે તે તેમના દ્વારા ઉપાડવામાં આવે છે. એચઆઈવી ગ્રસ્તો માટે અનેક પડકારો
આનંદ વાટિકાના કેરટેકર રેણુકાએ જણાવ્યું કે આજે પણ અનેક મુશ્કેલીઓનો સામનો એચઆઇવી ગ્રસ્ત લોકોએ કરવો પડી રહ્યો છે. આટલા વર્ષો પછી પણ લોકોને માનસિકતામાં બદલાવ દેખાતો નથી. શિક્ષણમાં આજે શાળાઓમાં એચઆઈવી ગ્રસ્ત બાળકોને સરળતાથી સ્વીકારતા નથી. સરકારી શાળા હોય કે ખાનગી શાળા ના સંચાલકો બાળકોને ઝડપથી પ્રવેશ આપતા નથી વાલીઓને જ્યારે માલુમ પડે છે કે એચઆઇવી ગ્રસ્ત બાળક તેમની શાળામાં ભણે છે તો તેઓ વિરોધ ઊભો કરે છે અને બાળકોને શાળામાં તેમના બાળકો સાથે ન રાખવામાં આવે તે પ્રકારની રજૂઆતો કરે છે ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે એચઆઈવી ગ્રસ્ત બાળકો સાથે પોતાના બાળકોને ભણવા માટે વાલીઓએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. પરિવારમાં આજે પણ જ્યારે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ તેમની સાથે રહેતું હોય છે ત્યારે અનેક પ્રકારની ખોટી માન્યતાઓને કારણે તેમની સાથે યોગ્ય રીતે વ્યવહાર થતો નથી. એચઆઈવી ગ્રસ્તોને સ્વીકારતા નથી
સામાન્ય રીતે જે એચઆઇવી ગ્રસ્ત લોકો છે તેઓ પોતાની ઓળખ લોકો સમક્ષ મૂકી શકતા નથી. કેટલાક પરિવારો પોતાના એચઆઈવી ગ્રસ્ત સ્વજનોની ઓળખ છુપાવીને રાખે છે. જોકે કેટલાક વ્યક્તિઓ હવે હિંમતભેર એચઆઈવી પોઝિટિવ હોવાની જાહેરમાં ઓળખ આપી દેતા હોય છે.