સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને તથા સામાજીક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે ત્રીજી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે. આ નિમિત્તે દિવ્યાંગ લાભાર્થીઓને મંત્રીના હસ્તે દિવ્યાંગ સાધન સહાય વિતરણ, દિવ્યાંગોના અધિકારોની જાગૃતિ માટે પેનલ ડિસ્કશન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ જનરલ એસેમ્બલીમાં વર્ષ 1992માં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસની વાર્ષિક ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિષે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનુ સમર્થન મળે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની વર્ષ 2024ની થીમ “Amplifying the leadership of persons with disabilities for an inclusive and sustainable future.” છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તથા સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રીના નેતૃત્વમાં ગુજરાત સરકારે દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં 6.20 લાખથી વધુ દિવ્યાંગોને રૂ. 650 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે સંત સુરદાસ યોજનામાંથી બી.પી.એલ કાર્ડની તથા ઉંમરનું ધોરણ 0 થી 17નું દુર કરી લાભ આપવા અંગેની નવી બાબત મંજૂર કરેલ છે. જેમાં રૂ. 28 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ સ્થિતી જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.1 હજાર સહાય આપવા અંગેની નવી બાબત બાબત મંજૂર કરેલ છે. જેમાં રૂ.1. 63 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં મફત મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને 100% મફત મુસાફરીનો લાભ આપવા અંગેની નવી બાબત મંજૂર કરેલ છે. જેમાં રૂ.1.59 કરોડની જોગવાઈ કરાઈ છે. મનોદિવ્યાંગો માટે 3 શોર્ટટમ સ્ટે સેન્ટર (24X 7) (ટોચ મર્યાદા 20) તેમજ રેસિડેન્શિયલ સેન્ટર શરૂ કરવા (ટોચ મર્યાદા 80)ની નવી બાબત મંજુર કરેલ છે. જેમાં રૂ.2.14 કરોડની જોગવાઈ કરાઈ છે.