5500 કિલોમીટર દૂર કંબોડિયામાં બેસીને સુરત શહેરમાં રહેતા 92 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાવી 1.15 કરોડ લૂંટનાર મુખ્ય આરોપીનો ભાંડો ફૂટ્યો. 15 દિવસના ડિજિટલ અરેસ્ટની માનસિક યાત્નાઓથી પીડિત વૃદ્ધે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં બેડ પરથી સ્કેચ તૈયાર કરાવડાવીને પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં મદદ કરી. આરોપીના ડિજિટલ અપરાધનો ખેલ એકાએક પરિવાર સામે આવતા તેઓ પણ આઘાતમાં સરી પડ્યા છે. સ્કેચમાં જે ચહેરો સામે આવ્યો તે આરોપી કોણ છે?
92 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનાર આરોપી પાર્થ મૂળ જૂનાગઢનો વતની છે. જોકે, તેનો પરિવાર હાલ સુરતના કડોદરા વિસ્તારમાં રહે છે. પાર્થ બી.કોમ. સુધી ભણેલો છે અને દોઢ વર્ષ પહેલા જ વિદેશમાં નોકરી મળી ગઈ છે કહીને ઘરથી દૂર કંબોડિયા ચાલ્યો ગયો હતો. તેનો પરિવાર આ વાતથી તદન અજાણ હતો કે, તે વિદેશમાં જઈને નોકરી નહોતો કરતો પણ સામાન્ય લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવતો હતો. આરોપીના કામ કે જીવનશૈલી વિશે પરિવાર સાવ અજાણ હતો એટલે જ્યારે સ્કેચ બાદ આખી ઘટના તેમની સામે આવી તો તે પણ આઘાતમાં સરી પડ્યા. છેલ્લે નવરાત્રીમાં તે સુરત આવ્યો હતો ને ફરી વિદેશ નીકળી ગયો હતો. આ ડિજિટલ અરેસ્ટ ગેંગના સભ્યો પાર્થને ‘મોડેલ’ તરીકે ઓળખે છે. 15 દિવસ માનસિક ત્રાસ આપી 1.15 કરોડ પડાવ્યા
સુરત શહેરના 92 વર્ષીય વૃદ્ધને પાર્થ નામના સાયબર ઠગે CBI, ED અને સુપ્રીમ કોર્ટની નકલી ધમકીઓ આપી 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને ગોંધી રાખ્યા. આ દિવસો દરમિયાન વૃદ્ધને આરોપીએ સતત માનસિક પીડાઓ આપી અને આટલા દિવસોમાં માત્ર ત્રણ જ દિવસ એવા રહ્યા કે, જ્યારે તેમને ખાવાનું નસીબ થયું હતું. આ ગઠિયાઓએ પીડિતને રોજેરોજ ત્રાસ આપી-આપીને તેમની જે પણ જીવનભરની તમામ પૂંજી કે જે અંદાજે 1.15 કરોડ હતી, તે લૂંટી લીધી હતી. 15 દિવસ સુધી વૃદ્ધ પર વીતેલી આ માનસિક પીડા પણ અવિસ્મરણીય છે. આ ઘટના બાદ તેમની હાલત એટલી ગંભીર હતી કે, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ઘટનાની એક-એક ક્ષણ વૃદ્ધને યાદ હતી
જોકે, આ ઘટનાએ તેમના મગજમાં એક ઊંડી છાપ છોડી દીધી હતી. 90 વર્ષની ઉંમર છતાં પણ ઘટનાની એક-એક ક્ષણ તેમને યાદ હતી. પોલીસ જ્યારે સંપૂર્ણ ઘટના અંગેનો તાગ મેળવવા વૃદ્ધ પાસે હોસ્પિટલ પહોંચી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તેઓના મગજમાં મુખ્ય આરોપીનો આખો ફોટો કેપ્ચર થઈ ગયો છે. પોલીસે તુરંત જ સ્કેચ એક્સપર્ટ દીપેન જગ્ગીવાલાને બોલાવીને વૃદ્ધ પાસેથી આરોપીનો સ્કેચ તૈયાર કરાવવાની પ્રક્રિયા શરુ કરી. વૃદ્ધના કહેવાથી અમે આરોપી પાર્થનો સ્કેચ બનાવ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ પણ જણાવ્યું હતું કે, વૃદ્ધના કહેવાથી અમે આરોપી પાર્થનો સ્કેચ બનાવ્યો છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તે કમ્બોડિયામાં હોવાની માહિતી મળી છે. સ્કેચ આરોપીના ચહેરા સાથે 90 ટકા મેચ
હોસ્પિટલમાં દાખલ હોવા છતાં વૃદ્ધે મુખ્ય આરોપી પાર્થના ચહેરાનું સૂક્ષ્મ વર્ણન સાફ શબ્દોમાં સ્કેચ નિષ્ણાતને જણાવ્યું. આરોપી અંગે એક-એક જાણકારી હોસ્પિટલના બેડ પર બેસીને એક્સપર્ટને આપી. લગભગ એક કલાકમાં આ સ્કેચ તૈયાર થઈ ગયું હતું અને સ્કેચ તૈયાર થયા બાદ જ્યારે વૃદ્ધને દેખાડ્યું તો તેઓએ કહ્યું કે, આ સ્કેચ આરોપીના ચહેરા સાથે 90 ટકા મેળ ખાય છે. વૃદ્ધે આરોપીનું એકદમ બારિકાઈથી વર્ણન કર્યું
આ સ્કેચ તૈયાર કરનાર સ્કેચ એક્સપર્ટ દીપેન જગ્ગીવાલાએ જણાવ્યું કે, વૃદ્ધની ઉંમર ભલે 92 વર્ષ છે પણ તેમનું મગજ એકદમ તેજ હતું. તેઓએ આરોપીનું એકદમ બારિકાઈથી વર્ણન કર્યું હતું. વૃદ્ધે 1 કલાક સુધી ખૂબ જ શાંતિપૂર્વક આરોપીનો હુલિયો વર્ણવ્યો હતો. સ્કેચ આશરે 90 ટકા આરોપીના ચહેરા સાથે મેળ ખાતું હતું.