દાહોદ એરપોર્ટનો મુદ્દે ફરી ગરમાયો છે. ઝાલોદ તાલુકાના પાંચ ગામના લોકો કલેક્ટર કચેરીએ વિરોધમાં ઉતર્યા છે. કલેક્ટરને ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન સંપાદન મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ટાઢાગોળા, છાયણ, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે પોતાનું ગામ નામશેષ થવાનો ભય પણ દર્શાવ્યો હતો. સાથે જમીન આપીશું નહીં કે એરપોર્ટ બનાવ દઈશું નહીં તેવી ગર્ભિત ચીમકી આપી હતી. તો યુવાઓએ પણ જમીન માટે જીવ આપવા સુધીની ચીમકી ઉચ્ચારીહતી. 5 ગામોના ખાનગી માલિકીના સર્વે નંબરોની જમીનોમાં સર્વે
દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ માટે સંપાદન કરવા મામલે તંત્ર દ્વારા સ્થળ ચકાસણી કરી સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝાલોદ તાલુકાના પાંચ ગામોના ખાનગી માલિકીના સર્વે નંબરોની જમીનો સર્વે કરાયો હતો. ત્યારે પુનઃ ફરી એકવાર આ ગામના ખેડૂતો દ્વારા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી પંદર દિવસની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ ગામોમાંથી દૂર કરવાની ચીમકી આપી હતી. સાથે જો તેમ નહીં થાય તો આવનાર દિવસોમાં ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનના માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોરનો વિરોધ કરાયો હતો
ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોરના વિરોધ બાદ પુનઃ ફરી એકવાર ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ ગ્રામજનો દ્વારા ઉઠવાવવામાં આવી રહ્યો છે. ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ ટાઢાગોળા, છાયણ, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતો દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટની સ્થળ ચકાસણી તેમજ માપણી કરવા આવેલા તંત્રના સત્તાધીશોને આ કામગીરીનો થોડા દિવસો પહેલા વિરોધ નોંધાંવ્યો હતો. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર ખેડૂતોની મુલાકાતે પહોંચ્યાં હતાં અને તેઓની સ્થળ પર રજૂઆતો સાંભળી હતી. ત્યારે આ મામલો પુનઃ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. જમીનો છીનવી લેવાનું ષડયંત્ર રચવાના આક્ષેપો
આજરોજ ઉપરોક્ત ઝાલોદના ગ્રામજનોના ખેડૂતોએ દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ડોમેસ્ટિક એરપોર્ટને પગલે પોતાની જમીનો, મકાનો છીનવાઈ જતાં હોઈ તેઓ આ ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોની બંધારણીય હક અનુસાર, કોઈપણ તેઓની જમીન છીનવી શકતું નથી. ડોમેસ્ટિક એરપોર્ટના નામે ખાનગી જમીનો છીનવી લેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યાં છે. જિલ્લાના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
વધુમાં ખેડૂતોના જણાવ્યાં અનુસાર, ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણથી પોતાને શું ફાયદો થશે? તેનું વિપરીત આ ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણથી ખેડૂતોને નુકસાન થનાર છે. પોતે સંયુક્ત પરિવારમાં રહેતાં હોઈ અને તેમાંય ખેતીની જમીન અને મકાન પોતાનું આજીવિકાનું માધ્યમ છે. સરકાર સાચા અર્થમાં ખેડૂતોનો વિકાસ કરવા માંગતી હોય તો કડાણા અને નર્મદા ડેમના પાણીની સુવિધા પુરી પાડે. માટે આ ડોમેસ્ટિક એરપોર્ટની સર્વે મામલે ખેડૂતો સખત વિરોધ કરી રહ્યાં છે. પંદર દિવસની અંદર આ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપરોક્ત ગામોમાંથી રદ કરો અને અન્ય જંગલની જમીનમાં બનાવવામાં આવે તેવી જાહેરમાં જાહેરાત કરવામાં નહીં આવે આગામી દિવસોમાં દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો એક થઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.