સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના સેફ હાર્બર રૂલ્સના નોટિફિકેશનને કારણે વિદેશની કંપનીઓને ખૂબ મોટી રાહત થવા જઈ રહી છે, જેનો લાભ સ્થાનિક હીરા ઉદ્યોગને પણ મળશે. વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ રફનું વેચાણ કરતી હોય છે તેઓ ભારતમાં વેચાણ કરવા માટે આવે તો અનેક પ્રકારની મુશ્કેલીઓ થતી હતી, પરંતુ હવે આ નવા નોટિફિકેશનથી ઘણી મોટી રાહત થશે. એનો લાભ સ્થાનિક હીરા ઉદ્યોગને મળશે, હવે કંપનીના સંચાલકો પણ રફ ડાયમંડ ઘરઆંગણેથી જ ખરીદી લેશે, જેથી વિદેશમાં જઈને રફ ડાયમંડની ખરીદી કરવાની પ્રક્રિયામાંથી રાહત થશે. વિદેશી કંપનીઓએ ચાર ટકા નફો બતાવવાનો રહેશે
વિદેશથી માઇનિંગ કંપનીઓ જ્યારે ઇન્ડિયામાં રફ ડાયમંડ વેચાણ માટે આવતી હોય છે ત્યારે અનેક પ્રકારની ઇન્કવાયરી અને ડોક્યુમેન્ટેશનમાંથી પસાર થવાનું હોય છે, જે એક પ્રકારની માથાકૂટવાળી પ્રોસેસ છે. રફ ડાયમંડ અહીં લાવવા અને વેચાયા વગરનો માલ પરત લઈ જવા તેમજ વેચાયેલા માલ પર જે ટેક્સ આપવાનો હોય છે એ તમામ પ્રક્રિયા ખૂબ જ આંટીઘૂટીવાળી હોય છે. ઘણી વખત ડાયમંડ માઇનિંગ કંપનીઓને અનેક પ્રકારના ખુલાસામાંથી પણ પસાર થવાનું રહે છે, જેથી મોટા ભાગની ડાયમંડ માઇનિંગ કંપનીઓ ઇન્ડિયામાં આવીને રફ ડાયમંડ સીધી રીતે વેચાણ કરવાને બદલે દુબઈ, બેલ્જિયમ જેવા દેશમાંથી ટ્રેડિંગ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ વખતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં વિદેશી કંપનીએ ઇન્ડિયામાં આવીને પોતાનો નોટિફાઇડ ઝોનની અંદર વેચાણ કરી ચાર ટકા જેટલો નફો બતાવવાનો રહેશે. ત્યાર બાદ અન્ય કોઈ પ્રોસેસમાંથી પસાર થવાનું રહેશે નહિ. સુરતના હીરા ઉદ્યોગને વધુ લાભ થશે
સુરત વિશ્વમાં રફ ડાયમંડને કટિંગ અને પોલિશિંગ માટે જાણીતું છે. સુરતના ઉદ્યોગકારો વિદેશમાં જાય છે અને ત્યાંથી રફ ડાયમંડ મોટા પ્રમાણમાં ખરીદીને લાવે છે, કારણ કે વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ આપણા દેશમાં આવીને એનું સીધું ટ્રેડિંગ કરી શકતી ન હતી, તેથી અમેરિકા, રશિયા, દુબઈ ચીન જેવા દેશોમાં જઈને રફ ડાયમંડ સુરતના વેપારી ખરીદતા હોય છે. એને કારણે સમય અને પૈસાનો પણ ખૂબ વેડફાટ થાય છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે નવું નોટિફિકેશન આપવામાં આવ્યું છે એને કારણે હવે વિદેશની કંપનીઓ સીધા કેન્દ્ર સરકાર દ્વારા જે નોટિફાઇડ ઝોન જાહેર કરવામાં આવશે ત્યાંથી સરળતાથી રફ ડાયમંડનું ટ્રેડિંગ અહીંના વેપારીઓ સાથે કરશે, જેથી સુરતના નાનામાં નાના કંપનીના સંચાલકો પણ રફ ડાયમંડ ઘરઆંગણેથી જ ખરીદી લેશે અને વિદેશમાં જઈને રફ ડાયમંડની ખરીદી કરવાની પ્રક્રિયામાંથી રાહત થશે. વિદેશી કંપનીઓને ટેક્સની નિશ્ચિતતા અને સ્થિરતા મળશે
ભારતના સેફ હાર્બર રૂલ્સના દાયરામાં વિદેશી કંપનીઓનો સમાવેશ કરવાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના પગલાથી શું અસર થશે એ અંગે જીજેઇપીસીના પૂર્વ રીજનલ કાઉન્સિલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ભારતમાં ડાયમંડ બિઝનેસ કરવાની યોજના ધરાવતી વિદેશી કંપનીઓને ટેક્સની નિશ્ચિતતા અને સ્થિરતા મળશે. આનાથી હીરા કાપવા અને પોલિશિંગ ક્ષેત્રે વિશ્વના અગ્રણી તરીકે ભારતનું સ્થાન સ્થાપિત થવાની અપેક્ષા છે, જે પહેલાંથી જ મોટી સંખ્યામાં કુશળ કામદારોને રોજગારી આપે છે. હીરા ઉદ્યોગ પર મંદીનાં વાદળો
સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે જ્યારે પણ વિદેશમાં કોઈ રાજકીય ઊથલપાથલ કે અન્ય કોઈ મોટી ઘટના બને છે ત્યારે એની સીધી અસર હીરા ઉદ્યોગો પર જોવા મળે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાય છે ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર એની ખરાબ અસર દેખાતી હોય છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ મહદંશે વિદેશના બજાર પર આધારિત છે. હીરા ઉદ્યોગની મંદી ક્યારે દૂર થશે એ હવે યક્ષપ્રશ્ન બની રહ્યો છે. સુરતના ઉદ્યોગકારે કહ્યું હતું કે આટલી લાંબી મંદી ક્યારેય જોઈ નથી. (આ સમાચાર પણ વાંચો)