રાજકોટ શહેરની ઝોનલ કચેરીમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી અને રેશનકાર્ડમાં નવા નામ ઉમેરવા- કમી કરવા સહિતની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અને સમય બપોરે 11થી 2 વાગ્યાનો હોવા છતાં 12 વાગ્યે બારી બંધ કરી દેવાતા અરજદારોને મુશ્કેલી ભોગવી રહ્યાં છે. તેવામાં આજે જૂની કલેક્ટર કચેરીએ વિજળી ગૂલ થઈ જતા 150 લોકોને ટોકન આપ્યા હતા. તેઓને બપોર બાદ આવવાનું કહેવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. દરરોજ E-kyc મુદ્દે સર્વર ડાઉન સહિતની સમસ્યાને લઇને લોકો સરકાર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા હતા. અરજદારો પરત ફરતા હોવાથી દરરોજ માથાકૂટના કિસ્સા
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યા છે અને હવે ઈ- કેવાયસી પૂરા કરવામાં એક મહિનો જ બાકી છે અને ત્યાં સુધીમાં જે રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી નહીં થયા હોય તેઓને રેશનિંગનો જથ્થો આપવાનો બંધ કરવામાં આવનાર હોવાથી રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી ઝોનલ કચેરીમાં ઈ-કેવાયસીની કામગીરી માટે છેલ્લા એક પખવાડિયાથી ભારે ધસારો થઇ રહ્યો છે. દરરોજ અનેક અરજદારો પરત ફરતા હોવાથી દરરોજ માથાકૂટના કિસ્સા બની રહ્યા છે. અરજદારોમાં રોષ ફાટી નીકળ્યો
દરમિયાન આજે રેશનકાર્ડ ઈ-કેવાયસી અને અન્ય કામગીરી માટે આવેલા અરજદારોએ હંગામો મચાવ્યો હતો. એવો આક્ષેપ થયો હતો કે, રેશનકાર્ડમાં નામફેર કરવા માટે સવારે 11થી 2 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. છતાં પણ 12 વાગ્યે જ બારી બંધ કરી દેવામા આવે છે. સાથે જ આજે વિજળી ગૂલ થઈ જતાં જેઓને ટોકન અપાયા હતા તેઓને બપોર બાદ આવવાનું કહેવામાં આવતા અરજદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો.