રાજકોટ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ રૂ. 2800 કરોડ આસપાસનું છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, મનપાએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પાણીના બાકી બિલની રકમ 1500 કરોડથી વધુની છે. વર્ષોથી કાગળ પર વધી રહેલા બાકી બિલની આ રકમ મનપા ચૂકવી શકે તેમ ન હોય સરકારને પત્ર લખી બિલ માફ કરી દેવાની માગ કરવામાં આવી છે. રાજકોટ મનપાને સિંચાઈ વિભાગ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) ગુજરાત પાણી પુરવઠા બોર્ડ (GWSSB), અને સૌની યોજનાનાં કરોડો રૂપિયાનાં બિલ છેલ્લા 10 જેટલા વર્ષથી બાકી છે. જેમાં GWILનાં સૌથી વધુ 882 કરોડ જ્યારે સૌની યોજનાનાં રૂ. 184 કરોડ સહિત કુલ રૂ. 1517 કરોડનાં બિલ મનપાને મળ્યા છે. સિંચાઇ વિભાગનો મહાનગરપાલિકાનું નાક દબાવવા પ્રયાસ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે લાંબા સમયથી પાણી વિતરણના બાકી બિલના ગજગ્રાહ ચાલી રહ્યો છે. મહાનગરપાલિકા અને સિંચાઇ વિભાગ વચ્ચે આજી-1 ડેમમાંથી પાણી ઉપાડવા અને સૌની યોજના અમલમાં આવી ત્યારથી આજસુધી નર્મદાનીર વિતરણના બિલ મુદ્દે છેલ્લા 8 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સિંચાઈ વિભાગે મનપા પાસે સૌની યોજનાના પાણી વિતરણથી માંડી સિંચાઈ વિભાગ હસ્તકના આજી- 1, ભાદર-1 અને ન્યારી-2ના ઉપયોગ કરવા સબબ તેમજ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર (GWIL), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) અને સૌની યોજનાનાં ઓક્ટોબર-24 સુધીના બાકી બિલ પેટે રૂ.1517 કરોડ ભરપાઇ કરવા મહાનગરપાલિકા પાસે ઉઘરાણી કરી છે. એક તરફ મહાનગરપાલિકાએ આગામી જાન્યુઆરીથી આજી-1 અને ન્યારી-1માં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવા રાજ્યના સિંચાઈ વિભાગને પત્ર લખ્યો છે. ત્યારે બીજી બાજું સિંચાઇ વિભાગે પણ મહાનગરપાલિકાનું નાક દબાવવા પ્રયાસ કર્યો છે. પાણીના બિલ સહિત અંદાજે 1517 કરોડની રકમ બાકી
રાજકોટ મનપાની ગત વર્ષે માર્ચ-23 સુધીમાં બિલની બાકી રકમ રૂ. 1342 કરોડ હતી. જે આ વર્ષે વધીને 1517 કરોડ પર પહોંચી ગઇ છે. રાજકોટ મહાનગરપાલિકાના મહાકાય વોટરટેન્ક જેવા બની ગયેલા આજી અને ન્યારીડેમ શહેરના વધતાં જતાં વિસ્તારો અને વસતી સામે પાણીની જરૂરિયાત પુરી કરતાં દર છ મહિને તળિયા ઝાટક થાય છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકા દ્વારા નર્મદા યોજના ઉપર આધાર રાખવો પડે છે. પણ મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના હેઠળ મેળવવામા આવતા નર્મદાનીર, પાઇપલાઇન મારફત મેળવવામાં આવતા નર્મદાનીર અને આજી ડેમમાંથી ઉપાડ કરતાં પાણીના બિલ મળીને અંદાજે 1517 કરોડ જેવી રકમ બાકી છે. નર્મદાનીરના પ્રતિ હજાર લીટર 7.18 રૂપિયાનો ખર્ચ
મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના હેઠળ વર્ષમાં બે વાર પાણી માંગવામાં આવે છે. 2025ની શરૂઆતમાં આજી અને ન્યારી માટે મહાનગરપાલિકાએ ફરી 2500 એમસીએફટી નર્મદાનીરની માગણી કરી છે. અને રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનીરના પ્રતિ હજાર લીટર 7.18 રૂપિયાનો ખર્ચ મનપાની પાસેથી ઉઘરાવવામાં આવે છે. આ મુળ રકમમાં દરવર્ષે નિયમ મુજબ 10 ટકાનો વધારો થાય છે. સાથોસાથ બાકી બિલની લેણી રકમ ઉપર સિંચાઇ વિભાગ દ્વારા પેનલ્ટી અને વ્યાજ પણ વસુલવામાં આવે છે. પેનલ્ટી અને વ્યાજ સહિતની રકમ વધીને હવે રૂ. 1517 કરોડ એટલે કે મનપાનાં અડધા કરતા વધુ વાર્ષિક બજેટ જેટલી થઈ ચૂકી છે. મહાનગરપાલિકાએ બિલ તો ભરવા જ પડે!
વર્ષ 2017માં જ્યારે સૌની યોજના હેઠળ નર્મદાનીરના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી રાજકોટ આવ્યા હતા ત્યારે તેઓએ નર્મદાનીર મફત આપવાની જાહેરાત કરી હતી. પણ સિંચાઇ ખાતું કહે છે કે આવા કોઈ લેખિત આદેશ મળ્યા નથી. આથી મહાનગરપાલિકાએ બિલ તો ભરવા જ પડે! આ વિવાદમાં 2017થી નર્મદાનીરની વિવાદિત બિલની રકમ ઉત્તરોત્તર વધીને રૂ. 184 કરોડને પાર કરી ગઇ છે. આવી જ રીતે, જીડબલ્યુઆઇએલની લેણી રકમ પણ વધીને રૂ. 882 કરોડને પાર કરી ગઇ છે. જીડબલ્યુઆઇએલના બિલમાં દરવર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. આજી-1, ન્યારી-2 અને ભાદર-1 સિંચાઇ વિભાગ હસ્તક હોવાનું તંત્ર કહે છે
જીડબલ્યુઆઇએલના બિલની રકમ મનપાએ વર્ષ 2004થી ચુકવી નથી. આજીડેમમાંથી પાણી ઉપાડવા માટેના ખર્ચ સહિતનું બિલ વર્ષ 1982થી બાકી છે. આ મુળ બાકી રકમ ઉપર વ્યાજ અને પેનલ્ટીની રકમ મળીને આ આંકડો રૂ.1517 કરોડને પાર થઈ ગયો છે. આજી-1 ન્યારી-2 અને ભાદર -1 સિંચાઇ વિભાગ હસ્તકના ડેમ હોવાનું તંત્ર કહે છે. તો મહાનગરપાલિકા આજી-1 પોતાની માલિકીનો ડેમ હોવાનું કહી પોતાની માલિકીના ઘરનું ભાડું ભરવાનું ન હોય તેવો દાવો કરી રહ્યું છે. આ અંગે મહાનગર પાલિકાએ વિરોધ કર્યા બાદ 2008માં જનરલ બોર્ડમાં ઠરાવ કરીને 1982થી આજીડેમનો કેપીટલ ખર્ચ, જમીન સંપાદન અને પાણીના દરનો ખર્ચ મનપાએ ચુકવી દીધો હોય આજીડેમની માલિકી પોતાની ગણાય તેમ જણાવીને રાજ્ય સરકારને ઠરાવ મોકલી દીધો છે. પણ આ ઠરાવનો છેલ્લા પંદર વર્ષથી સરકારમાં ગોટાળે ચડી ગયો હોય તેમ હજીપણ આજીડેમમાંથી પાણી ઉપાડનું બિલ આપવામાં આવી રહ્યું છે. બેડી સંમ્પમાં 60 અને ન્યારા સંમ્પમાં 70 એમએલડી પાણી ઠલવાય છે
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જૂથ યોજના હેઠળ કોઠારિયા, વાવડી, મોટામવા અને મુંજકાને પાણી અપાતું હતું. આ માટે નારાયણનગરમાં પાણી પુરવઠા બોર્ડનો ફિલ્ટરપ્લાન્ટ કાર્યરત છે. જેનો ઉપયોગ કરવા બદલ મહાનગરપાલિકાને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે ઓક્ટોબર માસ સુધીના બાકી બિલ પેટે 3.06 કરોડની રકમના બિલની ઉઘરાણી કરી છે. જ્યારે જીડબલ્યુઆઇએલ (ગુજરાત ઇન્ફ્રાસ્ટક્ચર લિમીટેડ) દ્વારા પાઇપલાઇન મારફત નર્મદાનાં નીર આપવામાં આવે છે. હડાળા સંમ્પથી પાણી બેડી સંમ્પ અને ન્યારા સંમ્પ સુધી પાણી આવે છે. બેડી સંમ્પમાં 60 એમએલડી અને ન્યારા સંમ્પમાં 70 એમએલડી પાણી ઠલવાય છે. આ બન્ને સમ્પ સુધી પાણી પહોંચાડવાનું બિલ રૂ. 882 કરોડ પણ મહાનગરપાલિકાને મળ્યું છે. રકમ માફ કરવા માટે વિનંતી પત્ર લખ્યો
સમગ્ર મામલે રાજકોટ મનપાનાં ડે. કમિશનર સ્વપ્નિલ ખેરે દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા મનપાને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. જેમાં સૌની યોજનાનાં રૂ. 184 કરોડ સહિતના અન્ય વિભાગો દ્વારા મળી કુલ રૂ. 1500 કરોડથી વધુના બિલ મનપાને આપવામાં આવ્યા છે. આ બાબતે મનપા દ્વારા સરકારને વિનંતી કરવામાં આવે છે કે, પાણીનો ઉપયોગ લોકોના જાહેર હિત માટે કરવામાં આવે છે. જેને લઈને આ રકમ માફ કરવા માટે વિનંતી પત્ર લખ્યો છે. છેલ્લા ઘણા વર્ષથી આ પ્રક્રિયા ચાલુ છે. જ્યાં સુધી સરકાર દ્વારા બાકી રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી બિલ મળતા રહેશે. અને મનપા દ્વારા તે માફ કરવા માટેની વિનંતી કરવામાં આવશે. સરકાર દ્વારા આ નિર્ણય ક્યારે લેવાશે તે અમે ન કહી શકીએ અમે માત્ર સરકારને વિનંતી કરી શકીએ છીએ.