back to top
Homeગુજરાતસાહેબ મિટિંગમાં છે:પૂર્વ મંત્રીએ હઠ પકડતા રાજકીય અગ્રણીએ હાથ જોડવા પડ્યા, ભાજપના...

સાહેબ મિટિંગમાં છે:પૂર્વ મંત્રીએ હઠ પકડતા રાજકીય અગ્રણીએ હાથ જોડવા પડ્યા, ભાજપના જ એક MLAએ સ્નેહમિલન કાર્યક્રમમાંથી મેયરને જ બાકાત રાખ્યા

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… રામકથામાં ગૌસેવક પૂર્વ મંત્રીએ હઠ પકડતા રાજકીય અગ્રણીએ હાથ જોડવા પડ્યા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલતી રામકથામાં રોજ હજારો ભકતો કથાનું રસપાન કર્યું છે. આ કથામાં વીઆઈપી લોકો પણ મોટી સંખ્યામાં રોજ આવતા હતા. આવા જ એક વીઆઈપી મહેમાન ગૌભકત પુર્વ મંત્રી પણ કથામાં આવ્યા હતા અને તેમને સ્ટેજ પાસેથી જવાની જીદ પકડતા ત્યાં હાજર એક રાજકીય નેતાએ હાથ જોડીને પાછા વાળવા પડયા હતા. રામકથામાં ગુજરાત રાજ્યના મંત્રીઓ આવ્યા હતા, ત્યારે તેમને સ્ટેજ પાછળથી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે અન્ય વીઆઈપીઓને એન્ટ્રી અને બેઠક વ્યવસ્થા અલગ રાખવામાં આવી હતી. મંત્રીઓ આવ્યા ત્યારે તેની એન્ટ્રીએથી જ ગૌસેવક પુર્વ મંત્રીએ પ્રવેશ લેવા માટે જીદ પકડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા તો એવી પણ છે કે, ત્યાં નાના ગજાના રાજકારણીઓનું આ પુર્વ મંત્રી માન્યા ન હતા. આમ છતાં અંતે રાજકીય નેતા એવા પુર્વ ધારાસભ્યએ હાથ જોડવા પડયા હતા અને સમજાવીને પૂર્વ મંત્રીને વીઆઈપીની બેઠકમાં જવા માટે કહ્યું હતું. આ દૃશ્યો નજરે જોનારા પણ અચંબીત થયા હતા. ભાજપના જ એક MLAએ સ્નેહમિલન કાર્યક્રમમાંથી મેયરને જ બાકાત રાખ્યા
ભાજપના એક ધારાસભ્યએ નુતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને તેમના વિસ્તારના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારોના નામ ન લખવામાં આવતા ભાજપના નેતાઓને કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્યમંત્રીથી લઇ મંત્રીઓ, અન્ય શહેરના પદાધિકારીઓ, જિલ્લા અને શહેર સંગઠનના કેટલાક નેતાઓના નામ લખ્યા છે, પરંતુ અમદાવાદના મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેટરોના નામો લખવામાં આવ્યા નથી. જેને લઈને ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ નેતા અમદાવાદના ધારાસભ્ય ગણાતા હોવા છતાં પણ મેયર સહિતના નેતાઓ સાથે કોઈ લેવાદેવા નથી સ્પષ્ટ જણાય છે. આ ધારાસભ્યને તો હવે પ્રદેશના પ્રમુખથી લઈને ગાંધીનગરના જ નેતાઓ સાથે સંબંધ હોવાનું માનતા આ નેતાને હવે અમદાવાદના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ ધારાસભ્ય અમદાવાદના નથી એમ જ માને છે તેવી ચર્ચા જાગી છે. અમદાવાદના IAS અધિકારીના BJP કોર્પોરેટર સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી રોષ
લાખો રૂપિયાનો પગાર લેતા એક અમદાવાદના IAS ભાજપના કોર્પોરેટરોને ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપતા હોવાને લઈને રોષે ભરાયા છે. વિભાગના જવાબદાર અધિકારી હોવાથી ભાજપના કોર્પોરેટરો પ્રશ્નની રજૂઆત કરતાં આ પ્રશ્ન માટે તમે મારી મેથી શું કરવા મારો છો. જે તે અધિકારીને કહો એવો જવાબ આપતા કોર્પોરેટરોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. ભણેલા ગણેલા અને લાખો રૂપિયાનો પગાર લેતા આ અધિકારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજાના કામોમાં કોઈ રસ લેતા નથી. ભાજપના કોર્પોરેટરો અધિકારીને તેમની રજૂઆતો કરતા હોવા છતાં પણ તેઓ કામગીરીમાં રસ લઈ રહ્યા નથી. છેલ્લા છ મહિનાથી કંટાળેલા ભાજપના કોર્પોરેટરો હવે આ અધિકારી સામે કમિશનર કડક પગલાં લે અથવા સરકાર તેમની બદલી કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જ અથવા તો જાણકાર IASને કોર્પોરેશનમાં મૂકે તેવી માગ કરી રહ્યા છે. સદસ્ય નોંધણીના ટાર્ગેટમાં જૂના જોગીઓને રાહતથી પરસેવો પાડનારા સભ્યોમાં કચવાટ
ભાજપના સંગઠન પર્વની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પ્રાથમિક સદસ્યોની નોંધણીની પ્રક્રિયા બાદ હવે સક્રિય સદસ્યોની નોંધણી ચાલી રહી છે. ત્યારે સિનિયર સદસ્યો અને જૂના જોગીઓને ફરી કાર્યરત રાખી સક્રિય સદસ્ય તરીકે નોંધવા સભ્ય નોંધણીના નિયમોમાં છૂટછાટ આપતી નવી સૂચના આપવામાં આવી છે. અગાઉ સક્રિય સભ્યો રહેનારા સિનિયર આગેવાનોએ જો 100 સભ્યો નોંધેલા નહિ હોય તો પણ તેમને સક્રિય સદસ્ય તરીકે નોંધવા માટે જિલ્લા સંગઠનો અને તાલુકા સંગઠનોને જણાવી દેવાયું છે. સપ્ટેમ્બરથી શરૂ થયેલી સદસ્ય નોંધણીની પ્રક્રિયામાં 100થી 2000 સદસ્યો નોંધવા માટે જણાવવામાં આવ્યું હતું. જે લોકોને સક્રિય સદસ્ય તરીકે રહેવું હોય તેમને ઓછામાં ઓછા 100 પ્રાથમિક સદસ્યોની નોંધણી કરવાની હતી. નગરસેવકોને 2000નો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે ધારાસભ્યોને તેમના વિસ્તારમાં 1,00,000થી વધુ સદસ્યો નોંધાય તે માટે સૂચના આપવામાં આવી હતી. બાદમાં સક્રિય સદસ્ય નોંધણી શરૂ થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું કે, 100 સદસ્યો નોંધ્યા હોય તેવાને જ સક્રિય સદસ્ય બનાવવાનો છે. જોકે, શહેર અને ગ્રામ્યના અનેક સિનિયર આગેવાનો પ્રાથમિક સદસ્ય નોંધણીથી દૂર રહયા હોય તેમને સક્રિય સભ્ય બનાવવા કે કેમ તેની અવઢવ હતી. બીજી તરફ જેમણે 100થી 2000 સદસ્યોની નોંધણી કરી છે, તેવા અગ્રણીઓ પણ 100થી ઓછા સદસ્યો નોંધનારને સક્રિય સભ્ય તરીકે નહિ નોંધવા દબાણ કરતા હતા. આ દરમિયાન સિનિયર આગેવાનો રહી જાય તેમ હોવાનું જણાતા પ્રદેશે જ જૂના સિનિયર આગેવાનોએ 100 સભ્યો નોંધ્યા હોય કે ન હોય તેમ છતા તેમને સક્રિય સદસ્ય તરીકે નોંધવા જણાવી દેતા આ દિશામાં શહેર સંગઠને કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર બાંધકામ માટે એસ્ટેટ વિભાગના એક અધિકારીને ખુશ રાખવા જરૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગનાં એક અધિકારી આજકાલ ચર્ચામાં છે. જે વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામથી લઈને બિલ્ડીંગ બનાવવાની હોય અથવા એસ્ટેટ વિભાગની કોઈપણ કામગીરી હોય તેમાં વહીવટ કરવો પડે છે. જો એસ્ટેટ ઓફિસરને હપ્તો નથી મળતો તો તાત્કાલિક ધોરણે બધું કામ અટકી જાય છે. બાંધકામને સીલ કરવાથી લઈને તોડી નાખવા સુધીની કાર્યવાહી કરવા પહોંચી જાય છે. પરંતુ જો આ એસ્ટેટ અધિકારીને તેમનો હિસ્સો મળી જાય છે તો તમે એક નહીં પરંતુ પાંચ માળ સુધી ગેરકાયદેસર બાંધકામ કરી દો તો પણ તેઓ એ બાજુ નજર નાખશે નહીં. એસ્ટેટ વિભાગના આ અધિકારી અગાઉ પણ ભ્રષ્ટાચારમાં ઝડપાયેલા એક અધિકારી સાથે કામ કરી ચૂક્યા છે, ત્યારે હજી પણ આ જ અધિકારી તેમના પગલાં ચાલતા હોવાની ચર્ચા જાગી છે. હવે બુથ પ્રમુખ પણ ધારાસભ્ય કે કોર્પોરેટર હોય તેવું ફિલ કરી રહ્યા છે
ચૂંટણીમાં કોઈ જીત નથી થઈ. ધારાસભ્ય કે કોર્પોરેટર નથી બન્યા છતાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઢોલ વગાડી ફૂલહાર પહેરાવીને મોઢું મીઠું કરાવતા હવે ગલીએ ગલીએ જોવા મળી રહ્યા છે. ભાજપમાં શરૂ થયેલા નવા નિયમ મુજબ હવે બુથ સમિતિના પ્રમુખની નિમણૂક થયા બાદ તેની વાજતે ગાજતે જાહેરાત કરવાની શરૂઆત થઈ છે. જેના પગલે જે કાર્યકર્તા બુથ સમિતિનો પ્રમુખ બન્યો છે તેને હવે પોતે ભાજપના કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય બની ગયા હોય એવી લાગણી અનુભવી રહ્યા છે. ભાજપના નેતાઓને કાર્યકર્તાઓમાં એવી ચર્ચા છે કે, હવે જે બુથ પ્રમુખો બની રહ્યા છે અને તેમને ચૂંટણીમાં જેમ જીત મળી તેમ ફૂલહાર અને ઢોલ નગારા સાથે વિસ્તારમાં સરઘસ કાઢે છે. આ બુથ પ્રમુખને પણ પોતે એક ધારાસભ્ય કે કોર્પોરેટર હોય તેમ હોદો મળી ગયો હોય તેવું માની રહ્યા છે. ધારાસભ્યને કોર્પોરેટરોમાં ચર્ચા છે કે, હવે તો તમામ લોકો સરખા જ હોય અને દરેકની મહત્વતા આ બાદ સરખી થઈ ગઈ હોય તેવું લાગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments