એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તમામ સારવાર માટે અલગ અલગ વિભાગ છે. જેમાં કિડનીને લગતી બીમારીના નિરાકરણ માટે અમદાવાદ સિવિલ મેડિસિટી અંતર્ગત ચાલતી ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આજરોજ ભરતી મુદ્દે વિવાદ સર્જાયો હતો. વર્ષ 2023માં કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં હજુ સુધી ભરતી ન કરાઈ હોવાથી ઉમેદવારો રોષે ભરાયા હતા અને કિડની હોસ્પિટલ ખાતે વિવાદ સર્જ્યો હતો. અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ ખાતે વર્ષ 2023માં 1,156 પોસ્ટ માટે કાયમી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં છ મહિના પહેલા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી. જેથી આખરે કંટાળીને રોષે ભરાયેલા ઉમેદવારોએ કિડની હોસ્પિટલ ખાતે આજે હોબાળો મચાવ્યો હતો. એક વર્ષ ઉપર સમય વીત્યો હોવા છતાં નિમણૂક ન આપતા મોટી સંખ્યામાં ઉમેદવારો કિડની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભરતીની જાહેરાત સમય નર્સિંગ કેડરમાં 650 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમાં ઘટાડો કરીને 430 જગ્યા કરાતા વિવાદ સર્જાયો હતો.