વલસાડ તાલુકાના રોણવેલ ગામમાં રહેતા આરોગ્ય ખાતાના કર્મચારીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમનું સેલેરી એકાઉન્ટ રોણવેલ ગામની સ્ટેટ બેંકની બ્રાંચમાં હતું. જેથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં સેલેરી પેકેજ યોજના હેઠળ અકસ્માત વીમાના રૂ. 40 લાખ મૃતકના પરિવારને ચૂકવવામાં આવ્યાં હતા. ગુજરાત સરકારના આરોગ્ય ખાતામાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લવકર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા સ્વ. નિમેષભાઈ પટેલ સ્ટેટ બેંકની રોણવેલ શાખામાં સેલરી એકાઉન્ટ ધરાવતા હતા. રોડ અકસ્માતમાં તા. 17મી જૂન 2024ના રોજ તેમનું દુઃખદ અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તેમનું પરિવાર બેંક એકાઉન્ટ બંધ કરાવવા માટે સ્ટેટ બેંકમાં આવ્યાં ત્યારે કેન્દ્ર સરકારની સેલેરી પેકેજ યોજના અંતર્ગત માહિતી મળી હતી. જેથી સેલેરી પેકેજ સગવડ અંતર્ગત તેમના પરિવારે તા. 25મી જૂલાઈ 2024ના રોજ સ્ટેટ બેંકમાં કલેઈમ દાખલ કર્યો હતો. રોણવેલ બ્રાંચના મેનેજર જગદીશભાઈ પટેલ સ્વ.નિમેષભાઈ પટેલના પરિવારને અકસ્માત વીમાના ક્લેઈમ સેટલમેન્ટની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત માર્ગદર્શન આપી મદદરૂપ થયા હતા. જેને પગલે માત્ર 4 માસના ટૂંકા ગાળામાં સ્ટેટ બેંક દ્વારા મૃતકના પરિવારને રૂ. 40 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. ચેક વિતરણ વેળા ફલધરાના સરપંચ ભૂપેન્દ્રભાઈ પટેલ, રોણવેલના સરપંચ હેતલબેન પટેલ, વલસાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ક્ષેત્રિય કાર્યાલયના ચીફ મેનેજર રવિશંકર શર્મા, રિલેશનશિપ મેનેજર અનિષા પટેલ અને રોણવેલ શાખાના શાખા પ્રબંધક જગદીશ પટેલ હાજર રહ્યા હતા.