રાજકોટ બાર એસોસિએશનના સત્તાધીશોએ પાટીદાર સમાજના આગેવાન અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને પી.આઇ. સંજય પાદરિયા વચ્ચેની માથાકૂટમાં ‘પાદરિયાના વકીલ કોઇએ રહેવું નહી’ તેવા ઉતાવળમાં કરેલો ઠરાવ રદ કરવો પડ્યો છે. શહેરના 100થી વધુ વકીલોએ જયંતી સરધારા વકીલાત કરતાં ન હોવાના અને ઉદ્યોગપતિ હોવાના પુરાવા આપતા અંતે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ સોમવારે બપોરે 1:30 કલાકે તાકીદની કારોબારી સમિતિની બેઠક બોલાવી અગાઉ કરેલો ઠરાવ રદ કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં ઠરાવ રદ કરવો પડ્યો હોય તેવી 10 વર્ષના ઇતિહાસમાં પ્રથમ ઘટના હોવાનું રાજાણીએ જણાવ્યું હતું. સરધારાએ FIRમાં ધંધામાં વકાલત નહીં, વેપાર લખાવ્યું હતું
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, બારના સભ્ય એવા 100થી 150 જેટલા વકીલોએ અરજી કરી હતી અને પુરાવા રજૂ કર્યા હતા કે જયંતી સરધારા પાસે વકીલાત કરવા માટે સનદ છે, પરંતુ તેઓ વકીલાત કરતાં નથી. જયંતી સરધારા 8થી 9 કંપનીના ડાયરેક્ટર છે અને અમુક કાગળોમાં તેઓ ઉદ્યોગપતિ હોવાનું લખેલા પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત જયંતી સરધારાએ એફઆઇઆરમાં ધંધામાં વકાલત નહીં પરંતુ વેપાર લખાવ્યું હતું. આથી તેમને વકીલ ગણીને બાર એસોસિએશને જે ઠરાવ કર્યો છે તે રદ કરવો જોઇએ. જેથી અગાઉનો ઠરાવ રદ કરવા નિર્ણય કરાયો છે. સરધારા કાયમી સભ્ય હોય તેથી ઠરાવ કર્યો હતો
પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, અગાઉ પાદરિયાના વકીલ રહેવું નહીં તેવો ઠરાવ કર્યો ત્યારે એ બાબત ધ્યાનમાં લેવામાં આવી હતી કે જયંતી સરધારા બાર એસોસિએશનના કાયમી સભ્ય છે. આથી પાદરિયાના વકીલ રહેવું નહીં તેવો ઠરાવ કરાયો હતો, પરંતુ બાદમાં જ્યારે સરધારા ઉદ્યોગપતિ હોવાના પુરાવા સાંપડતા નવો ઠરાવ કર્યો હતો. પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ હાજર, નોટિસ આપીને જામીન પર છોડી દેવાયા
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા કરવાના કેસમાં છેલ્લા 7 દિવસથી ફરાર જૂનાગઢ નજીક આવેલા ચોકીના પોલીસ ઈન્સ્પેક્ટર સંજય પાદરિયા સોમવારે રાત્રિના એસીપી ચૌધરી સમક્ષ હાજર થયા હતા. પાદરિયા સામેની ખૂની હુમલાની કલમ હટાવી લેવાનો કોર્ટમાં રિપોર્ટ કરી દેવાયા બાદ આ કેસમાં 7 વર્ષની જ સજાની જોગવાઈ હોવાથી નિયમ મુજબ નોટિસ આપી પીઆઈને જામીન પર મુક્ત કરાયા હતા. સાત દિવસ બાદ પી.આઈ સંજય પાદરિયા પોતાના ઘરે પહોંચતા સમર્થકો અને પાડોશીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.