બારડોલી ખાતે યોજાયેલી સુરત જિલ્લા ખેડૂત સમાજની બેઠકમાં ખેડૂતોએ 765 કેવી પાવરગ્રીડ સામેની લડાઈ મક્કમતાથી લડવા રણનીતિ ઘડી હતી અને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા વળતર અંગે જે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે તેને પડકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ચૂકવવાના વળતર બાબતે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ પણ કલેક્ટરે ખોટો ઓર્ડર જાહેર કર્યો હોવાના આક્ષેપો સાથે અસરગ્રસ્ત દરેક ખેડૂત વાંધા અરજી રજૂ કરશે. કચ્છના ખાવડાથી નવસારી સુધીની 765 કેવીની વીજ લાઈન પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નાખવામાં આવી રહી છે. આ અંગે યોગ્ય વળતરની માંગ સાથે સુરત જિલ્લાના ખેડૂતોમાં ઉઠેલો વિરોધ સમગ્ર રાજ્યમાં પ્રસર્યો છે. ખેડૂતોના વિરોધ બાદ સરકાર પર દબાણ ઊભું થયું છે અને હવે રાજ્ય સરકારે કલેક્ટરને મૂલ્યાંકન સમિતિ બનાવી જમીનનું મૂલ્ય નક્કી કરવા માટે સૂચના આપી છે. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે સુરત જિલ્લા ખેડૂત સમાજ સતત પ્રયત્નશીલ છે. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલના અધ્યક્ષસ્થાને અસરગ્રસ્ત ખેડૂતોની એક બેઠક મળી હતી. જેમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોનું સંગઠન મજબૂત હશે તો આપણે જીતી શકીશું. તેમણે કહ્યું કે જ્યાં સુધી ખેડૂતોને કેટલું વળતર મળશે તે જણાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોએ તેમના ખેતરમાં કામ કરવા દેવાનું નથી, જેને ઉપસ્થિત તમામ ખેડૂતોએ અનુમોદન આપ્યું હતું. તેમણે ખેડૂતોને હાકલ કરી હતી કે પરિણામ મળવાની તૈયારી છે ત્યારે તમામ ખેડૂતોએ એક થવાની જરૂર છે. સભામાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા ખેતરની રક્ષા આપણે કરવાની છે, આથી એકતા બતાવીશું તો જ સો ટકા સફળ થઈશું. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, આપણે વળતર માટે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોને મળેલા વળતરને આધાર બનાવનો પડશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ખેડૂતોને જમીનના બજાર મૂલ્યને આધારે વળતર મળવું જોઈએ, જેથી તે માટે ખેડૂતોએ કલેક્ટરના ઓર્ડરને પડકારવાનો છે. આ માટે આગામી દિવસમાં દરેક ખેડૂત વ્યક્તિગત રીતે આ ઓર્ડરને પડકારે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર લોક આંદોલનથી ડરે છે. ખેડૂત મક્કમ હશે તો એ લોકો કામ કરવાની હિંમત કરી શકશે નહી. જો લડીશું નહી તો આગામી દિવસોમાં ૭૯૫ કેવીની વધુ એક લાઈન અને 440 કેવીની બે લાઈન માટે પણ સરવે ચાલુ થઈ ગયો છે. આથી લડીશું તો જ સફળ થઈશું એમ તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં કલેક્ટર કચેરીએ ઓર્ડરને પડકારવા માટે દરેક ખેડૂતે વ્યક્તિગત અરજી કરવાનું ક્કી કરવામાં આવ્યું હતું. જે અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવશે.