ચિંતન રાવલ
નારોલમાં રહેતી 40 વર્ષીય પત્ની ગરમ સ્વભાવની અને ખર્ચો વધારે કરતી હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. એક દિવસ નાની બાબતે ઝઘડો થતા પત્ની પિયરમાં જતી રહી હતી. જેથી પતિએ પત્નીને શબક શિખવાડવા માટે એક કરાર બનાવ્યો હતો. જેમાં તેણે 8 પોઈન્ટો લખ્યા હતા અને કરારની શરતો મંજૂર હશે તો સહી કર્યા બાદ જ હવે તને પરત સાસરીમાં આવવા મળશે તેવો મેસેજ પત્નીને કર્યો હતો.
પત્નીએ કરાર વાંચ્યો જેમાં ખોટા ખર્ચા બંધ કરવા, કોઈ વસ્તુ બાબતે જીદ ન કરવી, માતા-પિતાને સારી રીતે રાખવા, ફરી વખત પિયર જઈશ તો છૂટાછેડા આપી દેવામાં આવશે તેવા મુદ્દાઓ લખ્યા હતા. જેથી ડરી ગયેલી પત્ની ઘરે ગઈ તો સાસરીમાં ગઈ તો પતિ કરાર પર સહિ કર્યા વગર પ્રવેશ આપતો ન હતો. જેથી પત્નીએ 181 ની મદદ માંગી હતી. અભયમની ટીમે પતિ-પત્ની વચ્ચે કાઉન્સેલીંગ કરી સુખદ સમાધાન કરાવ્યું હતુ. ભૂતકાળના ઝઘડા ભૂલવા પડશે, માતા-પિતાનું પણ ધ્યાન રાખવું પડશે 1 ભૂતકાળમાં ઘરમાં નાની નાની બાબતે ઝઘડાઓ કરીને ઘણી બધી ભૂલો કરી છે. આ તમામ ભૂલોને અત્યારે આપણે ગણવાની નથી પરંતુ હવેથી કોઈ પણ ભૂલ થશે તો તેને ચલાવી લેવામાં આવશે નહીં.
2 તારો સ્વભાવ ગુસ્સાવાળો છે, જેના કારણે તું ઘરમાં સભ્યો સાથે ગુસ્સામાં વાતો કરીને ઝઘડાઓ કરે છે. જેથી હવે તારે તારો સ્વભાવ બદલવો પડશે અને બધા સાથે પ્રેમથી વાત કરવી પડશે.
3 માતા-પિતા સાથે રહેવાનું નક્કી કર્યંુ હતું, પરંતુ માતા-પિતા સાથે તારે કોઈ અણબનાવો બને તો તે મોટા છે એ સમજીને ભૂલી જવાનું અને તેમને સારી રીતે રાખવા પડશે, સાથે જ તેમણે જણાવેલી દરેક બાબતોનું પાલન કરવંુ પડશે. ઘરમાં ખુબ સારી રીતે વર્તન કરવાનું રહેશે.
4 નાનો ઝઘડો થાય છે તો તું તારા પિયર જતી રહે છે અને બે-પાંચ દિવસ પછી પાછી સાસરીમાં આવે છે. જેથી હવે કોઈ પણ નાનો- મોટો ઝઘડો થાય અને તું પિયર જતી રહીશ તો તે જ સમયે સામાજિક રીતે તને છૂટાછેડા આપી દઈશ.
5 જો આપણા છૂટાછેડા થઈ જશે તો ભવિષ્યમાં તંુ કોર્ટમાં કેસ કરી ભરણપોષણની માંગણી કરીશ પરંતુ આ કરાર પ્રમાણે હું કોઈ પણ પ્રકારનું ભરણપોષણ આપીશ નહીં અને બંને દીકરાઓ મારી સાથે જ રહેશે.
6 તને પૈસા મળતાની સાથે જ ખર્ચા કરવા લાગે છે, તને જેટલા પૈસા જરૂર હશે તેટલા હું આપીશ પરંતુ તે પૈસાનો હિસાબ આપવો પડશે અને તું અત્યાર સુધીમાં જે ખોટા ખર્ચા કર્યા છે તે હવેથી બંધ કરવાનો રહેશે.
7 તું નાની નાની બાબતે જીદ કરે છે, તારી જે ઈચ્છા હોય તે જ પ્રમાણે તું કામ અને લોકો સાથેનું વર્તન કરે છે, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં. તારે તારી જીદો બધી બંધ કરી દેવી પડશે.
8 અમે તને સારી રીતે રાખીયે છે અને રાખતા જ રહીશું, પરંતુ તારે પણ બધા સાથે સારી રીતે રહેવું પડશે અને સમાજમાં પણ આગળ આવવું પડશે.