વડોદરા શહેરના ઉદ્યોગપતિની 46 વર્ષની દીકરી જિગીષાબેન શાહ વૈભવી જીવનશૈલી ત્યાગીને આજે અમદાવાદના બોપલમાં દીક્ષા ગ્રહણ કરી છે. મુમુક્ષુ દીક્ષાર્થી જિગીષાબેને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી B.Scનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદના આર્કિટેક સાથે લગ્ન કર્યાં હતાં. તેઓના લગ્નજીવનથી બે સંતાનો થયાં હતાં. વર્ષ 2017માં આ બંને સંતાને દીક્ષા ગ્રહણ કરી હતી અને હવે માતાએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. જિગીષાબેને અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી
વડોદરા શહેરના ઉદ્યોગપતિ અને ફર્નિચરના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા ગિરીશભાઈ શાહના દીકરી જિગીષાબેને એમ. એસ. યુનિવર્સિટીમાંથી B.Scનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અમદાવાદના નામાંકિત આર્કિટેક શૈલભાઈ શાહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવનથી બે દીકરાનો જન્મ થયો અને બંને દીકરાની દીક્ષા ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજના હસ્તે મુંબઈમાં થઈ છે. તેઓ પ્રવરભૂષણ વિજયજી (સંસારી નામ -પાર્શ્વ) (ઉં.17) અને રત્નભૂષણવિજયજી (ઉં.15) મહારાજ બન્યા છે. બાળપણથી જ ઘરમાં ગૃહચૈત્ય જિનાલય અને જિગીષાબેનના માસી મહારાજ સાધ્વી જિનેન્દ્રજી મહારાજની પ્રેરણાથી ધર્મમાર્ગે આગળ વધીને આજે બોપલ અમદાવાદ ખાતે દીક્ષા અંગીકાર કરી છે. જીગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી
જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકી જણાવ્યું હતું કે, જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે જયારે દીક્ષા લઇ સંયમ જીવન અંગીકાર કરે. તેથી, વડોદરાના ઉદ્યોગપતિ ગિરિશ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી જીગીશા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શૈલ શાહ સાથે લગ્ન કર્યા અને બે દીકરાઓનો જન્મ થયો. પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી તેથી તેમના પગલે બંને દીકરાઓએ દીક્ષા લીધી અને માસી મહારાજ જીનેન્દ્ર શ્રીજી મહારાજની પ્રેરણાથી જીગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણવિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જીવી આત્મ કલ્યાણની આરાધના કરી રહ્યા છે. ઓઘો લઈને મંડપમાં નાચી ઉઠ્યાં હતાં
વધુમાં મુમુક્ષુ દિક્ષાર્થી જીગીશાબેનના પિતા ગિરિશભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે અમારા પરિવાર માંથી બે દીકરાઓ પછી માતા જીગીશાએ પણ સંસાર અસાર છે જાણીને અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપમાં આજે શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજ ( પંડિત મહારાજ)ની નિશ્રામાં ભાગવતી પ્રવજયા ગ્રહણ કરી ઓઘો લઈને મંડપમાં નાચી ઉઠ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસથી આ ચારિત્ર્ય ધર્મોત્સવમાં વસ્ત્રો રંગવાનો, વર્ષીદાનનો વરઘોડો તથા અંતિમ સાંસારીક વિદાયના કાર્યક્રમો યોજાયા હતા. જુદા-જુદા સંઘના અગ્રણીઓ દિક્ષાના કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા
આ દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે જીગીશાબેન સાથે ભગવાન સમક્ષ નાણ માંડી સમોસરણ રચી ચતુર્મુખી પરમાત્માની પ્રતિમા સમક્ષ દિનેશભાઈ કોઠારી, કાજોલબેન તથા વંશીબેન શાહે પણ આજે ઓઘો ગ્રહણ કરી દિક્ષા લીધી હતી. દિક્ષા બાદ આચાર્ય યુગભૂષણસુરી મહારાજે જીગીશાબેનને નવું નામ જીનદૃષ્ટિશ્રીજી મહારાજ જાહેર કરતા લોકો એ હર્ષથી વધાવી લઈ દીક્ષાર્થી અમર રહોના જયકારાથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ, દિલેશ મહેતા, જયેન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં દિક્ષાના કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.