સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. આજથી ગૃહની કાર્યવાહી સામાન્ય રીતે આગળ ચાલશે. પાંચમા દિવસે પણ અદાણી અને સંભલ મુદ્દે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો, જેના કારણે સંસદ સ્થગિત કરવી પડી હતી. આ પછી લોકસભા સ્પીકરે પાર્ટી અને વિપક્ષના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 3 ડિસેમ્બર (મંગળવાર)થી બંને ગૃહો યોગ્ય રીતે ચલાવવામાં આવશે. વિપક્ષના નેતાઓએ કેટલીક માંગણીઓ રજૂ કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 29 નવેમ્બરે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ નીતિન ગડકરીને પ્રથમ લાઈનમાં અમિત શાહની બાજુમાં બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે પ્રિયંકા ગાંધીને ચોથી હરોળમાં સીટ નંબર 517 ફાળવવામાં આવી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકાની સીટો વચ્ચે 19 સીટોનું અંતર છે. મંગળવારે ગૃહની કાર્યવાહી પહેલાં, INDIA ગઠબંધન મંગળવારે શિયાળુ સત્ર અંગેની બેઠક કરશે. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના ઓફિસમાં યોજાશે. સોમવારે પણ INDIA ગઠબંધનના નેતાઓ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. જેમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. જો કે ટીએમસીના સાંસદો આવ્યા ન હતા. ટીએમસી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે તેઓ બેરોજગારી, મણિપુર, મોંઘવારી જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અદાણી મુદ્દે જ હોબાળો મચાવી રહી છે.