હર્ષદ પટેલ
સાૈરઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા 15 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલી પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં 9 મહિનામાં જ ગુજરાતનાં 11.83 લાખ સહિત દેશનાં 1.45 કરોડ પરિવારોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. જે પૈકી દેશમાં સૌથી વધુ ગુજરાતનાં 2.82 લાખ ઘરોમાં સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન પણ થઈ ગયું છે. મતલબ કે, આ પરિવારો વીજળી પેદા કરતાં થઈ ગયાં છે અને પોતાની જરૂરિયાત પૂરી કર્યા બાદ વધતી વીજળી સરકારને વેચી આવક પણ રળી રહ્યાં છે. રૂફટોપ સૌરઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં 4337 મેગા વોટ સાથે દેશમાં પ્રથમ નંબરે છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરાલા અને તમિલનાડુ આવે છે.
આ યોજના અમલમાં મૂકાયાનાં નવ મહિનામાં 1.45 કરોડના રજીસ્ટ્રેશન બાદ 25.82 લાખ લોકોએ અરજી કરી દીધી છે. જેમાંથી 6.16 લાખ ઘરોમાં સોલાર પેનલ્સ સ્થાપિત થઇ ચૂકી છે. દેશમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન યુપીમાં
પીએમ સૂર્યઘર યોજનામાં દેશમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન ઉત્તરપ્રદેશના 22.23 લાખ પરિવારોએ કરાવ્યું છે. તે પછી આસામમાં 17.34 લાખ, મહારાષ્ટ્રમાં 16.01 લાખ, ઓડિશામાં 12.67 લાખ અને ગુજરાતમાં 11.83 લાખએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન બાદ ગુજરાતના 3.10 લાખ પરિવારોએ વિધિવત રીતે અરજી પણ કરી દીધી છે.