આ શિયાળામાં કોલ્ડવેવ થોડા દિવસો જ રહેશે. દેશના ઘણા ભાગોમાં ડિસેમ્બરથી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી તાપમાન પણ સામાન્ય રહેશે હવામાન વિભાગે સોમવારે ઠંડી બાબતની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતમાં આગામી ત્રણ મહિનામાં કોલ્ડવેવના દિવસો 2 થી 6 દિવસ ઘટી શકે છે. તેમજ, પર્વતીય રાજ્યો સિવાય, ડિસેમ્બરમાં કોલ્ડવેવના દિવસોની શક્યતા ઘણી ઓછી છે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વમાં પણ વરસાદ ઓછો પડશે. આ દરમિયાન, દિલ્હી-NCRમાં પ્રદૂષણ હજુ પણ ભયજનક સ્તરે છે. મંગળવારે સવારે 9 વાગ્યા સુધી અહીં AQI 308 નોંધાયો હતો. આ તરફ ગઈરાત્રે જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં પારો 10° સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ભારતના 3 રાજ્યો કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં ફેંગલ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 4 દિવસમાં તમિલનાડુમાં વાવાઝોડાને કારણે 12 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. તીવ્ર ઠંડી નહીં પડે, કારણ – બરફથી ઢંકાયેલો વિસ્તાર ઘટ્યો, વરસાદ વધ્યો
આ વર્ષે ફેબ્રુઆરીની સરખામણીએ હિમાલયમાં બરફથી ઢંકાયેલો વિસ્તાર 32% ઘટ્યો છે. તેમજ આ વખતે ચોમાસામાં 108% વરસાદ થયો હતો. આ બંને પરિબળોને કારણે આ વખતે કડકડતી ઠંડી પડવાની શક્યતા ઓછી છે. ગયા વર્ષે એટલે કે 2023માં 40% હિમવર્ષા થઈ હતી અને ચોમાસાનો વરસાદ માત્ર 94% હતો, જેના કારણે કડકડતી ઠંડી પડી હતી. દિલ્હીમાં પવનની ગતિ વધવાથી પ્રદૂષણમાં ઘટાડો થયો છે દિલ્હીની હવામાં સતત બીજા દિવસે થોડી રાહત જોવા મળી છે. સોમવારે હવાની ક્વોલિટીમાં થોડો સુધારો જોવા મળ્યો છે. જો કે, AQI હજુ પણ 280 પર ‘ખરાબ’ કેટેગરીમાં હતો. મંગળવારે સવારે 9 વાગ્યા સુધી AQI 308 નોંધાયો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે. દિલ્હીમાં આગામી 24 કલાક સુધી તાપમાનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. જોકે, 5 ડિસેમ્બરથી હળવા વરસાદને કારણે ઠંડી વધી શકે છે. રાજ્યોના હવામાન સમાચાર… ઉત્તર પ્રદેશ: 1 અઠવાડિયા પછી તીવ્ર ઠંડી પડશે, ફેંગલ વાવાઝોડાને કારણે તાપમાન વધશે ડિસેમ્બરની શરૂઆત સાથે જ ઉત્તર પ્રદેશમાં ઠંડી પડવાની શરુ થઈ ગઈ છે. જો કે કડકડતી ઠંડી હજુ જોવા મળી રહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8મી ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થવાની શક્યતા છે. તેની શરૂઆત પશ્ચિમ યુપીથી થશે. દિવસનું તાપમાન ઘટીને 6 ડિગ્રી થઈ જશે. યુપીમાં ફેંગલ વાવાઝોડાની અસર હજુ પણ યથાવત છે. રાજ્યમાં 7 ડિસેમ્બર સુધી આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. છત્તીસગઢ: 4 દિવસ સુધી વરસાદની શક્યતા, ભેજને કારણે ઠંડીમાં ઘટાડો બસ્તર વિભાગના જિલ્લાઓમાં આગામી 4 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ હળવા વરસાદની શક્યતા છે. વાતાવરણમાં ભેજના કારણે રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તે પછી તાપમાનમાં ઘટાડો થવાનો તબક્કો ફરી શરૂ થશે.