સુરત શહેરમાં રોજે રોજ વધતા ડ્રગ્સના કેસો અને તેનો યુવાપેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટિ નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીન છે. આ મશીનની ખાસિયત એવી છે કે, તે માત્ર 60 સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટી ચેતવણી છે. રાજ્યનું પહેલું એન્ટિ નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર (Drugs Detection Analyzer) કહેવામાં આવે છે. લાળથી માત્ર 1 મિનિટમાં જ ડ્રગ એડિક્ટ ઝડપાઈ જશે
એન્ટિ નાર્કોટિક્સ યુનિટ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. પોલીસને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાનો સંદેહ હોય તો મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે તે સાધનનો ઉપયોગ કરીને તે વ્યક્તિના મોંમાંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ મશીનમાં નાખ્યા પછી માત્ર 60 સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં. રિહેબિલિટેટિવ કરવા માટે પ્રોગ્રામ હાથ ધરાશેઃ DCP
આ અંગે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતું પહેલું એન્ટિ નાર્કોટિક્સ યુનિટ છે. અહીં NDPSના કેસો હેન્ડલ કરવામાં આવશે. NGO તથા વિવિધ સંસ્થાઓ સાથે મળીને ડ્રગ્સના આદિ લોકોને રિહેબિલિટેટિવ કરવા માટે પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે. આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સના આધીન રહેલા લોકોને આ આદત છોડી શકવામાં મદદ કરવાનો છે. ‘ક્રિસમસ અને ન્યૂ યરની ડ્રગ્સ-રેવ પાર્ટી પર રેડ પાડશું’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર અમે માનવ સર્વેલન્સ, ડ્રોન અને આ ખાસ ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર મશીનની મદદથી તે જગ્યાઓ પર રેડ કરીશું, જ્યાં ડ્રગ્સ પાર્ટી કે રેવ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળશે. આ મશીન મૂવેબલ છે, એટલે તેને ક્યાંય પણ લઈ જઈ શકાય છે અને તરત જ કોઈ પણ વ્યક્તિની તપાસ કરી શકાય છે. માત્ર 60 સેકન્ડમાં આ મશીન જણાવી દે છે કે કોણે ડ્રગ્સ લીધું છે. પહેલાંના સમયમાં લોહીનાં સેમ્પલ લઈને રિપોર્ટ માટે 7 દિવસ જેટલો સમય લાગતો હતો, પરંતુ હવે આ મશીનથી એકસાથે ઘણી વ્યક્તિઓના ટેસ્ટ તાત્કાલિક કરી શકાય છે. આ મશીનની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે અને આગામી સમયમાં આવાં વધુ મશીનો મંગાવવામાં આવશે.