કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશી ટીમે 2 મેચની સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે. ટીમને પ્રથમ મેચમાં 201 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમ વચ્ચે 8 ડિસેમ્બરથી 3 ODI અને 3 T-20 મેચની સિરીઝ રમાશે. મંગળવારે મેચના ચોથા દિવસે બાંગ્લાદેશે 193/5ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. ટીમે બીજા દાવમાં 268 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને 287 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં એક વિકેટ લેનાર તૈજુલ ઈસ્લામે બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે, જાયડન સિલ્સ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ઝાકર અલીની ફિફ્ટી, બાંગ્લાદેશ 268 પર ઓલઆઉટ
29 રનથી ઇનિંગની શરૂઆત કરનાર ઝાકર અલીએ 91 રન બનાવ્યા હતા. તેણે મિડલ-લોઅર ઓર્ડરમાં તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ અને નાહિદ રાણા સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમના સ્કોરને 268 રન સુધી પહોંચાડ્યો. ઝાકરે તૈજુલ ઈસ્લામ સાથે 34 રન, હસન મહમૂદ સાથે 32 રન અને નાહિદ રાણા સાથે 22 રનની ભાગીદારી કરી હતી. તૈજુલ ઈસ્લામે 14 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ લોઅર ઓર્ડર બેટર ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. વિન્ડીઝ તરફથી અલ્ઝારી જોસેફ અને કેમાર રોચે 3-3 વિકેટ લીધી હતી. રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝ માત્ર 185 રન બનાવી શકી, કેવેમ હોજની ફિફ્ટી
287 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા દાવમાં માત્ર 185 રન જ બનાવી શકી હતી. યજમાન ટીમ માટે ઓપનર ક્રેગ બ્રેથવેટે 43 રન અને હોજે 55 રનનું યોગદાન આપ્યું હતું. જસ્ટિન ગેર્વાઈસે 20 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ ખાસ કંઈ કરી શક્યા ન હતા. તૈજુલ ઈસ્લામને 5, તસ્કીન અને હસનને 2-2 વિકેટ મળી
બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે હસન મહમૂદ અને તસ્કીન અહેમદે 2-2 વિકેટ લીધી હતી. અગાઉની ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર નાહિદ રાણાને એક વિકેટ મળી હતી.