રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ તેમજ ખોડલધામના ટ્રસ્ટી જયંતિ સરધારા પર પીઆઇ પાદરીયાએ હુમલો કર્યા હોવાના કેસમાં હવે જયંતિ સરધારાની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે પીઆઇ પાદરીયાએ જયંતિ સરધારા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરધારા દ્વારા ખોડલધામ સંસ્થાને ગાળો આપી પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાય અને માલદાર થઈ ગયા છે તેવા ખોટા આક્ષેપો કરતા ધાર્મિક સંસ્થા અને પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે ન બોલવા કહેતા ઉશ્કેરાઈ મારો કાંઠલો પકડી લાત મારી હતી. હાલ પીઆઇ પાદરીયાની ફરિયાદ પરથી જયંતિ સરધારા સામે ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખોડલધામ સંસ્થાને ગાળો દેવા લાગ્યા હતા
પીઆઇ સંજય પાદરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે જૂનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ખાતે ફરજ બજાવું છું. ગઈ તા.25/11/2024ના રોજ લગ્ન પ્રસંગે કણકોટ રોડ ઉપર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ગયો હતો. ત્યારે રાત્રિના 8:30 વાગ્યા આસપાસ જયંતિભાઈ સરધારા મને મળ્યા હતા અને મારી સાથે ઉભા હતા, ત્યારે જયંતિભાઈ સરધારાએ સામાન્ય વાતચીતમાં જ ઉશકેરાઇ ગયા અને ખોડલધામ વિશે ખરાબ બોલવાનું ચાલુ કર્યું અને ખોડલધામમાં બધા ચોર જ છે અને ખોડલધામ સંસ્થાને ગાળો દેવા લાગ્યા તેથી મેં તેઓને કોઈ ધાર્મિક લાગણી ન દુભાય તેવુ સમજાવતા તે વધુ ઉશ્કેરાય ગયા અને પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાય છે અને માલદાર થઈ ગયા છે તેવું પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે બોલવા લાગ્યા અને મેં તેઓને આવું ન બોલવાનું સમજાવતા અને મારી સાથે હતા ત્રણેય વ્યક્તિઓએ આવું ન બોલવાનું સમજાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને મારો કાઠલો પકડી મને ધક્કો મારી અને પાટા પણ માર્યા હતા જેથી હું તરત જ ત્યાંથી ચાલ્યો ગયો હતો. મારી પર ખોટો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે
ત્યાર બાદ હું ચાલીને પાર્ટી પ્લોટના પાર્કિંગમાં જતો હતો, ત્યારે જયંતિભાઈ પોતાની ગાડી લઈને ત્યાંથી પસાર થતા હતા અને તેઓ મને જોઈને ઉભા રહ્યા અને મને ગાળો દેવા લાગ્યા અને ખોડલધામમાં બધા ચોર જ છે તથા તારા પોલીસ ડિપાર્ટમેન્ટવાળા કટકી બાજો અને લુટારા છે તેમ કહી ગાળો આપી અને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા અને તેવામાં જયંતિભાઈએ પહેરેલા રૂદ્રાક્ષની માળા તેમને જ લાગી ગઈ. તેઓએ મને ખોટી રીતે ફસાવવા જાતે માથા ઉપર ઈજા કરી હોવાનો ખોટો આક્ષેપ અને ફરિયાદ હોય તેવું મારૂ સ્પષ્ટ માનવું છે. તેઓ જાતા જાતા ગાડીમાં બેસતી વખતે સંજલા હવે તારૂ આવી બન્યું છે, તારા ખોડલધામને કહેજે તને બચાવી લે અને હવે તારૂ મોત નિપજાવીને જ હું શાંતિથી બેસીશ અને તેમ કહી તેઓ જતા રહ્યા હતા. જયંતિ સરધારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
બનાવના દિવસે સંસ્થાનું નામ બદનામ ન થાય તેથી મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને જયંતિભાઈએ મારા વિરૂધ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી અને ત્યાર બાદ મેં મારી સાચી તપાસ કરવાની લેખિત રજુઆતો જે તે અધિકારીઓને પણ આપી છે. તેમજ મારી સામે ખોટી ફરિયાદ કરવા સબંધે સરધારાએ અન્યો સાથે મળી ગુનાહીત કાવતરૂ કર્યું હોવાનું મારૂ માનવું છે. હાલ રાજકોટ તાલુકા પોલીસે જયંતિ સરધારા વિરૂધ્ધ ભારતીય ન્યાય સહીતાની કલમ-299, 115(2), 351(3), 352, 61 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.