નાગ ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા આજે લગ્ન બંધનમાં બાંધવા જઈ રહ્યાં છે. આ કપલ આઇકોનિક અન્નપૂર્ણા સ્ટુડિયોમાં પરિવાર અને ખાસ મહેમાનોની હાજરીમાં સાત ફેરા લેશે. તાજેતરમાં નાગ ચૈતન્ય-શોભિતાના લગ્ન પહેલાની વિધિઓની તસવીરો સામે આવી હતી અને હવે ફેન્સ પણ તેમના લગ્નની તસવીરો જોવા માટે ઉત્સુક છે. આ લગ્ન જાજરમાન થવાના છે. લગ્નવિધિ 8 કલાકથી વધુ ચાલશે
નાગ ચૈતન્ય-શોભિતાના લગ્ન પરંપરાગત રીત-રિવાજો અનુસાર થશે, જેની વિધિ 8 કલાકથી વધુ ચાલશે. લગ્ન તેલુગુ બ્રાહ્મણ પરંપરા મુજબ થશે. આ કપલના લગ્ન અન્નપૂર્ણા સ્ટુડિયોમાં થશે. રસપ્રદ વાત એ છે કે આ સ્ટુડિયો નાગ ચૈતન્યના દાદા અને દિવંગત એક્ટર અક્કીનેની નાગેશ્વર રાવનો છે. લગ્નના દિવસે, નાગ ચૈતન્ય તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના દાદાના સ્ટુડિયોમાં સાત ફેરા લેશે અને તેમના પંચા (ધોતીનો એક પ્રકાર) પહેરશે. તે જ સમયે, શોભિતા, આંધ્ર પ્રદેશના પોંડુરુથી હાથથી વણાયેલી સફેદ ખાદીની સાડી પહેરીને તેના ખાસ દિવસને યાદગાર બનાવશે. સાઉથના સ્ટાર્સ બનશે મહેમાન
નાગ ચૈતન્ય-શોભિતાના લગ્નમાં કેટલાક ખાસ મહેમાનો હાજરી આપશે. આ કપલને ચિરંજીવી, રામચરણ-ઉપાસના, મહેશ-નમ્રતા, પ્રભાસ, એસ.એસ. રાજામૌલી, પી.વી. સિંધુ, નયનતારા, અક્કીનેની પરિવાર અને દગ્ગુબાતી પરિવાર સાથે NTR પણ હાજરી આપશે. જુઓ હલ્દી સેરેમનીની તસવીરો નાગ ચૈતન્ય-શોભિતાના લગ્નના કાર્ડની એક ઝલક
આ પહેલા નાગ ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્નના કાર્ડની પ્રથમ ઝલક સામે આવી હતી. કાર્ડ પેસ્ટલ કલર પેલેટ પર બનાવવામાં આવ્યું હતું. કાર્ડમાં મંદિરની ઘંટડી, પિત્તળના દીવા, કેળાનાં પાન અને ગાયના ચિત્રો હતા. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે લગ્ન ભારતીય રિવાજો અને પરંપરાઓ અનુસાર થશે. લગ્નની ચોથી વર્ષગાંઠ પહેલાં લગ્ન તૂટી ગયા
સામંથા રૂથ પ્રભુ અને નાગ ચૈતન્યના લગ્ન 6 ઓક્ટોબર, 2017ના રોજ ગોવામાં થયાં હતાં, પહેલાં હિંદુ રીતિ-રિવાજ મુજબ અને પછી 7 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી રિવાજો મુજબ થયાં હતાં. લગ્ન બાદ સામંથાએ પોતાનું નામ બદલીને અક્કીનેની કરી લીધું હતું. જો કે, અલગ થવાના સમાચાર વચ્ચે, સામંથાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી અક્કીનેની હટાવી દીધું હતું અને તેને બદલીને સામંથા રૂથ પ્રભુ કરી દીધું હતું. 6 ઓક્ટોબર, 2021ના રોજ બંનેના લગ્નના ચાર વર્ષ પૂરા થવાનાં હતાં, પરંતુ તે પહેલાં જ તેઓ અલગ થઈ ગયાં હતાં.