દોઢ લાખ લોકોની અવરજવર સરળ બની રહે તે માટે ભેસ્તાનના સિધ્ધાર્થનગરથી કરાડવાને જોડતો બ્રિજ 60 કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત 2019માં કરાઇ હતી. તે સમયે ફેબ્રુઆરીમાં બ્રિજનું કામ શરૂ કરાયું અને 30 મહિનાની સમયમર્યાદામાં આ બ્રિજ પૂરો કરવાનો હતો પણ આજે છ વર્ષ થઈ જવા છતાં બ્રિજનું કામ પૂરુ થયું નથી. એટલું જ નહીં પણ બ્રિજનું કામ અજય પ્રોટેક નામની જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું તેણે 44 ટકા કામ કરીને બ્રિજ અધૂરો મૂકી દીધો છે છતાં પાલિકાએ તેને અધૂરા કામ માટે 24 કરોડ જયારે આ પ્રોજેકટની કન્સલટન્સીને 84 લાખની માતબર રકમ પણ ચૂકવી દીધાં છે. ચોપડે બતાવવા માટે પાલિકાએ આ કોન્ટ્રાકટરને 25-25 નોટિસો આપી પણ એકમાં પણ જવાબ આપ્યો નથી. હજુ પણ ભાજપના શાસકોની લ્હાણી અટકતી નથી. કમિશનરે તેને બ્લેકલીસ્ટ કરી દેવા છ મહિના પહેલા દરખાસ્ત રજૂ કરી જોકે તે પણ દબાવી દેવાઈ છે. આ બ્રિજનું કામ અટકી જતા હવે તેની પર ઝાડી-ઝાંખરા લપેટાઈ ગયા છે. 979 મીટરના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટીલ હવે લાપરવાહીના કાટથી ઢંકાઇ ગયું છે છતાં પાલિકા સત્તાધીશો કામ છોડી ભાગી ગયેલાં કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટની દરખાસ્ત એજન્ડા ઉપર લાવી શક્યા નથી. ભેસ્તાનથી કરાડવા અને ડિંડોલી વિસ્તારનો લાંબો ચકરાવો ઘટાડવા વર્ષ-2018માં સિદ્ધાર્થ નગર કેનાલ પાસે અને સુરત-મુંબઇ રેલવે લાઇન ઉપરથી પસાર થતો 979 મીટર લાંબા બ્રિજનું આયોજન રજૂ કરાયો હતો. આશરે દોઢ લાખ લોકોની સુખાકારી માટે પ્રસ્તાવિત બ્રિજના નિર્માણને 59.42 કરોડના ખર્ચે તા. 28 ફેબ્રુઆરી-2019ના રોજ મંજૂરી અપાઇ હતી. 2022માં દર 2 મહિને પ્રોગ્રેસ રિપોર્ટ આપવાની શરતે તક મળ્યા બાદ પણ એજન્સીએ કામ શરૂ કર્યું નથી. હાલમાં પણ સ્થળ ઉપર 56% જેટલી કામગીરી બાકી છે ત્યારે નિષ્ફળ એજન્સી સામે કાર્યવાહીનો ઢોંગ કરાઇ રહ્યો છે. ગઇ તા. 11-06-2024ના રોજ વિભાગે અજય પ્રોટેકને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. કમિશનરની સહીથી શાસકોને મોકલાયેલી આ દરખાસ્ત 6 મહિના બાદ પણ કાર્યવાહી માટે એજન્ડામાં કેમ સમાવવામાં આવી નથી? તે મુદ્દે ભારે ગડમથલ સર્જાઇ છે.રેલવે ઓવરબ્રિજનું સમયસર લોકાર્પણ ન થતાં ભગવતી ઇન્ડસ્ટ્રીઝથી કરાડવા સુધીના એકમોના કામદારો અને રહીશો શોર્ટ કટ લેવા માટે નિર્માણાધિન બ્રિજની નીચેથી રેલવે લાઇન ક્રોસિંગ કરવાનું સાહસ કરી રહ્યાં છે. આ જોખમના લીધે અવાર-નવાર ટ્રેન અડફેટે અકસ્માત થઇ રહ્યા છે. સ્થાનીકે કહ્યું કે, સાંજે કારખાના છુટ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ટ્રેક ક્રોસ કરે છે અઢી મહિના પહેલાં પણ એક કામદાર યુવક કપાયો હતો. બ્રિજની કામગીરી અત્યારસુધી
ફેબ્રુઆરી-2019 : બ્રિજ બનાવવા પાલિકાએ મંજૂરી આપી
સપ્ટેમ્બર-2021 : બ્રિજ ખુલ્લો મૂકવાના પોકળ દાવા
ઓગસ્ટ-2022 : કોન્ટ્રાક્ટર શાસકોને પ્રોગેસની બાંયધરી આપી પછી છૂ
જુન-2024 : અજય પ્રોટેકને બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત પણ શોસકોએ દબાવી દીધી સપ્ટેમ્બર-2021માં બ્રિજ ખુલ્લો મુકવાના દાવા પોકળ રહ્યા મહેસાણાની અજય પ્રોટેક એજન્સીને 30 માસમાં એટલે તા. 17-09-2021 સુધીમાં બ્રિજ નિર્માણ પૂર્ણ કરવાની શરતે કામ સોંપાયું હતું. જોકે નિયત મર્યાદા પૂરી થયા પછી પણ કોન્ટ્રાક્ટ કંપની કામગીરીમાં અસફળ રહી હતી. જેના લીધે સમયસર બ્રિજ ખુલ્લો મુકવાના દાવા પણ ધોવાઇ ગયા હતાં. પ્રોગ્રેસ રિપોર્ટની બાંહેધરી આપી કોન્ટ્રાક્ટર છૂ થયો
સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં નિષ્ફળ અજય પ્રોટેક સામે તા.18-08-2022ના રોજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કાર્યવાહીનું શસ્ત્ર ઉગામ્યા બાદ શાસકોએ ઢીલી દોરી છોડી હતી. કોન્ટ્રાક્ટરે 2 માસમાં પ્રોગ્રેસ રિપોર્ટ આપવાની બાહેંધરી આપતા કાર્યવાહી ટાળી દેવાઇ હતી પરંતુ તે પછી પણ સ્થળ પર કામ પૂર્ણ થયું ન હતું. 25 નોટિસ ફટકારી છતાં જવાબ ન આપ્યો ને 24 કરોડ ચૂકવાયા
બ્રિજ સેલ દ્વારા કાર્યવાહીના નામે માત્ર ઔપચારિકતા કરાઇ રહી હોય તેમ 25થી વધુ નોટિસ ફટકાર્યા બાદ પણ સ્થળ પર માત્ર 44% જ કામગીરી થઇ શકી છે. આ બેદરકારી મુદ્દે વિભાગ દ્વારા કેટલી પેનલ્ટી વસુલાઇ તે મામલે ચુપકીદી સેવી લેવાઇ છે પરંતુ નિષ્ફળતાનો અતિરેક છતાં અજય પ્રોટેકને અત્યાર સુધીમાં 24 કરોડ રૂપિયા જ્યારે PMCને 84 લાખ રૂપિયાનું ચુકવણું કરી દેવાયું છે.