છેલ્લા બે મહિના દરમિયાન માર્કેટમાં નબળા સેન્ટિમેન્ટ તેમજ નિરાશાજનક લિસ્ટિંગ પરફોર્મન્સને કારણે આઇપીઓ માર્કેટમાં ખાસ કરીને સબસ્ક્રિપ્શનમાં સ્લોડાઉનની સ્થિતિ જોવા મળી છે તેવું એક્સિસ કેપિટલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર રોકાણકારો હવે માર્કેટમાં પ્રવેશ પહેલા વધુ સતર્કતા અપનાવી રહ્યાં છે. છેલ્લા બે મહિના દરમિયાન નિરાશાજનક આઇપીઓ લિસ્ટિંગ તેમજ માર્કેટ સેન્ટિમેન્ટમાં મોટા પાયે ઘટાડાને પગલે આઇપીઓ સબસ્ક્રિપ્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ નાણાવર્ષ દરમિયાન કુ 54 આઇપીઓનું લિસ્ટિંગ થયું છે, જેમાંથી 38 આઇપીઓ તેની ઇસ્યૂ કિંમતથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે, જે મિશ્ર પરફોર્મન્સના સંકેત આપે છે. જુલાઇ 2020 થી નવેમ્બર 2024 વચ્ચેનો ઐતિહાસિક ડેટા એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે, જેમાં આ સમયગાળા દરમિયાન લૉન્ચ થયેલા 252 આઇપીઓમાંથી 186નું લિસ્ટિંગ તેની ઇસ્યૂ કિંમતથી ઉપર થયું છે, જ્યારે 10નું ઇસ્યૂની કિંમતે અને 67નું લિસ્ટિંગ ઇસ્યૂની કિંમત કરતા નીચલી કિંમતે થયું છે. જો કે, 31 નબળા પ્રદર્શન કરનારા આઇપીઓમાં હવે રિકવરી જોવા મળતા તે ઇસ્યૂની કિંમત કરતા ઉપરની કિંમતે ટ્રેડ કરી રહ્યાં છે.
185 આઇપીઓ તેની ઇસ્યૂ કિંમત કરતાં ઉપર ટ્રેડ કરી રહ્યાં છે, જે દર્શાવે છે કે તાજેતરમાં માર્કેટમાં પડકાર છતાં અનેક કંપનીઓનું લિસ્ટિંગ સ્થિતિસ્થાપક રહ્યું છે. જો કે જુલાઇ 2020 થી ઓક્ટોબર 2024 દરમિયાન 237 કંપનીઓના માર્કેટ કેપમાં 2.71%નો ઘટાડો થયો છે. કંપનીઓ માટે પ્રવેશ દરમિયાન યોગ્ય સમયની પરખ જરૂરી
નબળું લિસ્ટિંગ તેમજ ત્યારબાદ કરેક્શન એ મજબૂત ફંડામેન્ટલ્સ તેમજ માર્કેટમાં પ્રવેશ કરતી કંપનીઓ માટે સમયની જરૂરી પરખ હોવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. જેમ કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો આઇપીઓ 67 ગણો ભરાયો હતો, જ્યારે હ્યુંડાઇ મોટરના આઇપીઓને રોકાણકારો તરફી ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો હતો. જ્યારે તાજેતરમાં NTPCના આઇપીઓને પણ ખાસ પ્રતિસાદ મળ્યો નથી.