સુરતના શહેરના વિકાસ માટે નોંધપાત્ર પ્રોજેક્ટ તરીકે ડ્રીમ સિટીમાં ‘ભારત બજાર’ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં લક્ઝરી મોલની સાથે આર્ટીશન વિલેજ-મ્યુઝિયમ તૈયાર કરાશે. દુબઈની માફક રિટેઈલ માર્કેટ અને ચાઈનાની માફક હોલસેલ માર્કેટ ઊભુ કરવાનો એક પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ બજારમાં વેપારના બે વૈશ્વિક મોડેલ અપનાવવામાં આવશે, જે હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગોનો તો વિકાસ કરશે જ સાથોસાથ “વોકલ ફોર લોકલ” અભિયાનને આગળ ધપાવવા માટે પણ મદદરુપ સાબિત થશે. દુબઈ-ચાઈના જેવી માર્કેટ ઊભી કરાશે
ડ્રીમ સિટીમાં જે ‘ભારત બજાર’ ઊભી કરવામાં આવશે, તેમાં B2B (બાયર ટુ બાયર) અને B2C (બાયર ટુ કસ્ટમર) બંને પ્રકારના વ્યવસાયને પ્રોત્સાહન આપવામાં આવશે. જે ભારતના વેપાર અને ઉદ્યોગ માટે એક નવી દિશા આપશે. દુબઈનું B2C વ્યવસાય મોડલ (બાયર ટુ કસ્ટમર) વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે, જ્યાં ગ્રાહકો સીધા ઉત્પાદકો પાસેથી ખરીદી કરે છે. બીજી બાજુ, ચીનનું B2B મોડલ (બાયર ટુ બાયર) એવા વ્યવસાય માટે પ્રખ્યાત છે, જ્યાં મોટાપાયે વેપારીઓ અને વિતરણકારો ખરીદી કરે છે. “ભારત બજાર”માં આ બંને મોડલને એકત્રિત કરીને એક નવી વ્યવસ્થાને ઉજાગર કરવી છે, જેથી જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સ્ટાઇલ્સ અને એપરલ્સ ક્ષેત્રમાં વેપાર વિકાસ પામે. “ભારત બજાર” માટે ખાસ આયોજન
1.B2B અને B2C માટે સમર્પિત સુવિધાઓ
“ભારત બજાર”માં દુબઈના B2C મોડલ પ્રમાણે ગ્રાહકો માટે ખરીદીના સારા વિકલ્પો ઉપલબ્ધ રહેશે. આ સાથે ચીનના B2B મોડલ મુજબના મંચની રચના થશે, જે વેપારીઓ માટે સારો માળખુ પૂરું પાડશે. 2. લક્ઝરી મોલ અને લોકલ આર્ટીશન માટે પ્રોત્સાહન
પ્રોજેક્ટમાં લક્ઝરી મોલની સાથે આર્ટીશન વિલેજ અને આર્ટીશન મ્યુઝિયમ તૈયાર કરાશે. “વોકલ ફોર લોકલ” અભિયાનને આગળ ધપાવવા ભારતીય હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવશે. અહીં સ્થાનિક કારીગરો પોતાની હસ્તકલા પ્રદર્શિત કરી શકશે. 3.ટેક્સટાઇલ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે ખાસ પ્લેટફોર્મ
ટેક્સ્ટાઇલ્સ, એપરલ્સ, અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે વિશેષ સ્થાન બનાવવામાં આવશે, જ્યાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો તથા વેપારીઓ આવી શકો એવો ઉદ્દેશ છે. ડ્રીમ સિટી માટે વર્ટિકલ ડેવલોપમેન્ટનું આયોજન
મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ગ્રોથહબ પ્રોજેક્ટ બાબતે થયેલા વિચારમંથનમાં ડ્રીમ સિટી પર સૌથી વધારે ભાર મૂકાયો હતો. હાલમાં દુબઇમાં બાયર ટુ કસ્ટમર અને ગાનઝાઉંમાં બાયર ટુ બાયર ચેઇન અંતર્ગત વેપાર થાય છે. જોકે, ડ્રીમ સિટીમાં ‘ ભારત બજાર’ શરૂ થશે તો તેમાં બંને ચેઇનની માફક જેમ-જ્વેલરી, ટેક્સ્ટાઇલ, એપરલનું ખરીદ-વેચાણ થશે. દેશમાંથી કોઇપણ વ્યક્તિ અહીં આવી ખરીદી કરી શકશે. આ સિવાય ડ્રીમ સિટીમાં લક્ઝરી મોલ હશે અને સ્થાનિક લોકોને રોજગારી માટે આર્ટિશન વિલેજ-મ્યૂઝીયમ બનાવવામાં આવશે. આ માટે ડ્રીમ સિટી મોડલ રિવાઇઝ કરી ગિફટ સિટી પ્રમાણે વર્ટીકલ ડેવલોપમેન્ટની યોજના ઘડાઇ છે. ડ્રીમ સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે 500 હેક્ટર મળશે
ખજોદમાં 681 હેક્ટર વિસ્તારમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટનું આયોજન થયું છે. તેમાં પાલિકા તંત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે અંદાજે 500 હેક્ટર જગ્યા મળશે. ડાયમંડ બુર્સ 14 હેક્ટર જગ્યામાં તૈયાર થયું છે. 21 હજાર ચોરસ મીટર જગ્યામાં બનેલી ઓફિસ બિલ્ડિંગ પણ કાર્યરત થઇ ગઇ છે. 52 હજાર સ્કવેર મીટરમાં વિશાળ ગાર્ડન તૈયાર થયો છે. 28 હજાર ચોરસ મીટરમાં પાર્કિંગ એરિયા તૈયાર થયો છે. ખરજોદ અર્બન ડેવલોપમેન્ટ (ખુડા)ની 42 ટકા જગ્યામાં ડ્રીમ સિટીનું નિર્માણ થવાની સાથે હવે રિવાઇઝ્ડ માસ્ટર પ્લાન પર દારોમદાર મૂકાયો છે. સુરતથી ડાંગ સુધી ટૂરિઝમ વિકસાવાશે