હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલી BZ પોન્ઝી સ્કીમના રોજ નવા નવા કાંડ બહાર આવી રહ્યા છે. CID ક્રાઈમમાં BZના CEO સામે ફરિયાદ નોંધાયા બાદ અલગ અલગ ટીમો તપાસમાં લાગી ગઈ છે. ત્યારે હિંમતનગરમાં BZ સાથે જોડાયેલા અને દસ્તાવેજ કરનાર કમલેશ ચૌહાણ પરિવાર સાથે અને એજન્ટ ધવલ પટેલ, એજન્ટ નિકેશ પટેલ(પ્રાંતિજ) પણ પરિવાર સાથે ગાયબ છે. જેની સામે રોકાણકારે ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે CID ટીમે હિંમતનગરમાં ધવલ પટેલ અને પ્રાંતિજમાં નિકેશ પટેલનાં માતા-પિતાનાં નિવેદન લીધાં છે. ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણી વખતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારી માટેનું સોગંદનામું વકીલ કમલેશ ચૌહાણે નોટરી કર્યું હતું. તેમજ BZ ગ્રુપની હિંમતનગર ખાતે આવેલી ઓફિસ કે જ્યાં સૌપ્રથમ CIDએ રેડ પાડી હતી તે ઓફિસ પણ વકીલ કમલેશ ચૌહાણની હોવાની માહિતી સામે આવી છે. CID તપાસમાં BZની ઓફિસનું બિલ કમલેશ ચૌહાણના નામનું હોવાનું સામે આવ્યું છે. જેથી એ સાબિત થાય છે કે કમલેશ ચૌહાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાને દુકાન ભાડા પેટે આપી હશે. તો કમલેશ ચૌહાણ પાસે મર્સિડીઝ બેન્ઝ વૈભવી કાર પણ છે, CIDએ નિકેશ પટેલનાં માતા-પિતાનાં નિવેદન લીધાં
CID ક્રાઈમ બ્રાંચમાં BZ સામે કાર્યવાહી શરૂ કર્યા બાદ પ્રાંતિજમાં એજન્ટ નિકેશ પટેલ પાસે પલ્લાચર ગામના સુરેશ વણકરે ફરિયાદ નોંધાવ્યા બાદ CID ટીમ મંગળવારે મોડી સાંજે પ્રાંતિજમાં એજન્ટ નિકેશ પટેલની બંધ ઓફિસનું પંચનામું કર્યા બાદ કટરથી તાળા કાપીને ખોલી હતી. જ્યાં એક કલાકમાં CIDએ જરૂરી કાર્યવાહી ફરિયાદીને સાથે રાખીને કરી હતી. ત્યાર બાદ CID ટીમ પરત ગાંધીનગર જતા પ્રાંતિજના કતપુર ગામના નિકેશ પટેલના ઘરે પહોંચી હતી. જ્યાં નિકેશ પટેલનાં માતા-પિતાનાં નિવેદન લીધાં હતાં. તો હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલ પણ પરિવાર સાથે ગાયબ થયો છે. ત્યારે સૂર્યોદય સોસાયટીમાં રહેતા ધવલ પટેલનાં માતા-પિતાનાં પણ નિવેદન લીધાં હતાં. કમલેશ ચૌહાણની ઓફિસમાંથી દસ્તાવેજો પણ મળ્યા
CID પ્રથમ દિવસે તપાસ માટે હિંમતનગરના વ્યાપાર ભવનમાં BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ અને BZ ટ્રેડર્સની ઓફિસ પર સર્ચ કર્યું હતું. જે ઓફિસનું મીટર નીચે આવેલી હરિઓમ કોમ્પ્યુટર જે દસ્તાવેજ લખવાનું કામ કરે છે તે કમલેશ ચૌહાણનું છે. જે ઓફિસમાંથી દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. તે પણ BZ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને CID દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વકીલ અને નોટરીનું કામ કરનારા કમલેશ.એન.ચૌહાણનું હિંમતનગરમાં છાપરિયા ચાર રસ્તે પાસે રોટરી ભવન પાસે આવેલ સન્માન પાર્ક સોસાયટીમાં 44 નંબરના મકાનમાં રહે છે. જે ઘર છેલ્લા સાત દિવસથી બંધ છે. ત્યારે CIDની ટીમે પ્રથમ દિવસે સર્ચ કરવાની શરૂઆત કરતા પહેલાં જ કમલેશ ચૌહાણ પણ પરિવાર સાથે ગાયબ થઇ ગયો છે. તો તેના ઘરે પણ દરવાજા પર તાળાં લટકતાં જોવા મળ્યાં છે.