હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆતમાં જ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે કડકડતી ઠંડીમાં પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરનો એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ થયેલો વીડિયો રાજકોટ શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો ફરિયાદ માટે PGVCLના કસ્ટમર કેર ઓફિસમાં ફોન કરતા હોય છે, પરંતુ તેમનો ફોન ઉપાડવામાં ન આવતો હોય તે પ્રકારની ફરિયાદ પણ ઉઠી હતી. ત્યારે રાત્રિના સમયે કોન્ટ્રાક્ટ બેઝ્ડ પર કામ કરનારા તમામ કર્મચારીઓ એક સાથે ખુરશી ઉપર સૂતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. આ મામલે MD દ્વારા તપાસના આદેશ અપાયા છે અને હવે આગામી સમયમાં આ કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે. PGVCLના કસ્ટમર કેર સેન્ટરનો રાત્રિનો વીડિયો વાઇરલ
રાજકોટ PGVCLના કનક રોડ કસ્ટમર કેર સેન્ટરના જુનિયર એન્જિનિયર એ. સી. ધડુકે જણાવ્યું હતુ કે, કસ્ટમર કેર સેન્ટરનો રાત્રિનો વીડિયો સામે આવ્યો છે. જોકે, આ વીડિયો કઈ તારીખનો છે તે હજુ ખ્યાલ નથી. આ બાબતે અમારા ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ પગલાં લેવામાં આવશે. આ મામલે મેનેજિંગ ડિરેકટર પ્રિતી શર્મા દ્વારા તપાસ સોંપવામાં આવેલી છે. વીડિયો ક્યારનો છે તે મામલે પણ તપાસ કરાશે
ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પૂર્વે પણ આ જ પ્રકારનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે સમગ્ર મામલે કનક રોડ ખાતે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા એ. સી. ધડકે મીડિયા સાથેની વાતચીતમાં વાઇરલ વીડિયો મામલે હાલ પીજીવીસીએલ દ્વારા ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ વાઇરલ થયેલ વીડિયો એક મહિના પૂર્વેનો છે કે બે મહિના પૂર્વેનો છે તે અંગે હજુ હાલ ચોક્કસ સમય જાણી શકાયું નથી. ખાતાકીય તપાસ દરમિયાન જે પણ ગેરરીતી સામે આવશે, ત્યારે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે કે નહિ?
પીજીવીસીએલ કસ્ટમર કેરમાં ફરજ બજાવનારા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હોવાનું સામે આવ્યું છે. તેમજ પીજીવીસીએલ દ્વારા બેસ્ટ એજન્સી નામની પેઢીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ સાથે કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.