છેલ્લાં કેટલાંક વર્ષોથી કેનેડા તેમજ અમેરિકાની સરહદ પર ભારતીય ઇમિગ્રન્ટ્સની ગેરકાયદે ઘૂસણખોરી વધી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના આંકડાઓ અનુસાર 2024માં અત્યાર સુધી આ સરહદ પર 43,764 ભારતીયોની ધરપકડ કરાઇ છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ 1,98,929 કેસના 22% છે. વર્ષ 2022માં, 1,09,535 વ્યક્તિઓને કેનેડાથી અમેરિકા ગેરકાયદે ક્રોસિંગ દરમિયાન પકડવામાં આવ્યા હતા. જેમાં 16% ભારતીય હતા. જ્યારે, 2023માં 1,89,402 લોકોએ ક્રૉસિંગનો પ્રયાસ કર્યો, જેમાંથી 30,010 ભારતીય નાગરિક હતા. આ એ સંખ્યા છે જે બોર્ડર ક્રોસ વખતે પકડાયા છે. તેમાં અમેરિકામાં પ્રવેશ કરનારા લોકોની સંખ્યા સામેલ નથી. કેનેડાના રસ્તે અમેરિકામાં પ્રવેશ કરનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મામલે લેટિન અમેરિકા અને કેરેબિયન બાદ ભારત બીજા સ્થાન પર છે. ભારતીયો કેનેડાનો વિકલ્પ કેમ પસંદ કરે છે?
કેનેડાના રસ્તે અમેરિકા જવાના અનેક કારણો છે. વોશિંગ્ટનસ્થિત થિન્ક ટેન્ક, નિસ્કેનન સેન્ટરે કેનેડાની વધુ સરળ વિઝા પ્રક્રિયામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વૃદ્ધિને કારણ ગણાવ્યું છે. નિસ્કેનન સેન્ટરના રિપોર્ટ અનુસાર કેનેડાના વિઝા માટે સરેરાશ સમય 76 દિવસનો હતો, જ્યારે અમેરિકા માટે લગભગ 1 વર્ષ. તેની સાથે જ અમેરિકાની તુલનામાં કેનેડા માટે સ્ટૂડન્ટ વિઝા મેળવવા ખૂબ સરળ છે. ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મામલાના જાણકાર રસેલ એ સ્ટેમેટ્સ અનુસાર, આર્થિક સ્થિતિમાં સુધારાનાં સપનાંને સાકાર કરવા માટે ભારતીયો ખતરનાક જોખમ ઉઠાવવા માટે મજબૂર છે. તસ્કરી નેટવર્કની જાળ અને બાઇડેન વહીવટીતંત્રની નીતિથી સંખ્યા વધી
બાઇડેન વહીવટીતંત્રની ઓપન-બોર્ડર નીતિ પણ આ ઘૂસણખોરીને વધારવામાં ભૂમિકા ભજવી રહી છે. સરહદ પર સુરક્ષામાં ઢીલનો ફાયદો તસ્કરી નેટવર્ક ઉઠાવી રહ્યું છે. આ નેટવર્ક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સુરક્ષિત માર્ગ અને સરળ પ્રવેશનો વાયદો કરે છે. સોશિયલ મીડિયા પર પણ આ માર્ગોનો પ્રચાર તેજીથી થઇ રહ્યો છે, જેનાથી વધુ લોકો આ ખતરનાક યાત્રા માટે તૈયાર થઇ રહ્યા છે. વકીલ જીશાન ફારુકી અનુસાર સરહદ સુરક્ષા નિયમોમાં ફેરફારની જરૂરિયાત છે.
અમેરિકા-કેનેડાની લાંબી સરહદ અને ઓછી સુરક્ષાથી સમસ્યા વધી
અમેરિકા-કેનેડા સરહદની લંબાઇ (8,891 કિમી) છે. તે ઉપરાંત આ બોર્ડર પર ઓછી સુરક્ષા છે. તેને કારણે તે ગેરકાયદે ઘૂસણખોરી માટે સરળ માર્ગ બન્યો છે. તેની તુલનામાં અમેરિકા-મેક્સિકો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત છે. સરહદ પર પેટ્રોલિંગ ગ્રૂપ મર્યાદિત છે, જેનાથી ઘૂસણખોરી રોકવી મુશ્કેલ બન્યું છે. નિષ્ણાતો આ સમસ્યાના ઉકેલ માટે બંને દેશો વચ્ચે મજબૂત મોનિટરિંગ તેમજ સુરક્ષા સંચાલનની ભલામણ કરી રહ્યા છે. કેનેડા બોર્ડર સમસ્યાને ઉકેલે, નહીંતર ટેરિફ: ટ્રમ્પ
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મામલે કેનેડા-અમેરિકા બોર્ડર અત્યાર સુધી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ન હતી. પરંતુ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તે ચર્ચામાં છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના દ્વારા ચૂંટાયેલા બોર્ડર પ્રમુખ ટૉમ હૉમેન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઇને કેનેડાને ધમકી આપી ચૂક્યા છે. હૉમેન અનુસાર કેનેડા અમેરિકા આવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર રોક લગાવે અથવા 25% ટેરિફ માટે તૈયાર રહે. ટ્રમ્પે આ મુદ્દે થોડા સમય પહેલાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો સાથે મુલાકાત પણ કરી હતી. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના ચાડ ક્રોનિસ્ટરે નામ પાછું લીધું : ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનનું નેતૃત્વ કરવા માટે મશહૂર ચાડ ક્રોનિસ્ટરે નામ પરત લીધું છે. આ પહેલાં એટર્ની જનરલ માટે નામાંકિત મેટ ગેટ્સે નામ પરત લીધું હતું. ટ્રમ્પે ક્રોનિસ્ટરને કહ્યું હતું કે તેઓ સરહદ સુરક્ષિત કરશે.