ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળ માટે 5 ડિસેમ્બરે યોજાનારી ICCની બેઠક ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ બેઠક 7 ડિસેમ્બરે યોજાશે. ICCના નવા અધ્યક્ષ જય શાહ મીટિંગ માટે દુબઈમાં ICC હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આમ છતાં ટુર્નામેન્ટ સ્થળ અંગે અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. બોર્ડની છેલ્લી વર્ચ્યુઅલ મીટિંગ પણ માત્ર 20 મિનિટ ચાલી હતી. એવું માનવામાં આવે છે કે હાઇબ્રિડ મોડલ અપનાવ્યા બાદ પાકિસ્તાને ICC અને BCCI સમક્ષ 4 થી 5 શરતો મૂકી છે. જેને ધ્યાને લઇ બેઠક મોકુફ રાખવામાં આવી હતી. પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ માટે સંમત છે- PTI
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર PCBએ શનિવારે ICCની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો કે ટીમ ઈન્ડિયાની મેચ તટસ્થ સ્થળો પર રમાશે. જોકે, પાકિસ્તાને ICC સમક્ષ કેટલીક શરતો મૂકી છે. PCB ઈચ્છે છે કે તેની નાણાકીય વર્ષની આવકમાં 5.75 ટકાનો વધારો થાય. ઉપરાંત, 2031 સુધી, ભારતમાં યોજાનારી તમામ મોટી ઇવેન્ટ્સ માત્ર હાઈબ્રિડ મોડલમાં જ હોવી જોઈએ. ભારતે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. શરૂઆતમાં પાકિસ્તાન એ વાત પર અડગ રહ્યું કે ભારતે પાકિસ્તાન આવવું પડશે. પરંતુ, ભારતના કડક વલણ પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આખરે હાઇબ્રિડ મોડલ માટે સંમત થયું છે. સુરક્ષા કારણોસર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય
જ્યારથી પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની તક મળી છે ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જવાની ના પાડી શકે છે. ભારતે અગાઉ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ એશિયા કપમાં ભારતની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અગાઉ તમામ ભારતીય મેચ લાહોરમાં યોજવાનો અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ભારતે આ સ્વીકાર્યું ન હતું, ત્યારે (PCB) એ પણ હાઇબ્રિડ મોડલ માટે ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું, પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારત નહીં જાય
શુક્રવારે વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, BCCIએ સુરક્ષા કારણોને ટાંકીને પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. જો ICC ભારત વિના ટુર્નામેન્ટ રમવા માગે છે તો ટીમ તેના માટે પણ તૈયાર છે. વાંચો ભાસ્કરના એક્સક્લૂસિવ સમાચાર… PCBના અધ્યક્ષે હાઇબ્રિડ મોડલ માટે ના પાડી હતી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ અગાઉ કહ્યું હતું કે તેઓ ક્યારેય પણ હાઇબ્રિડ મોડલમાં ટુર્નામેન્ટ યોજવાનું સ્વીકારશે નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેનું વલણ ઘણું સ્પષ્ટ છે. પાકિસ્તાન ક્રિકેટ માટે જે પણ શ્રેષ્ઠ હશે, અમે તે કરીશું. અમે ભારતમાં રમવા જઈએ અને તેઓ અહીં ન રમે તે સંપૂર્ણ રીતે યોગ્ય નથી. જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ પણ ભારતનો પ્રવાસ નહીં કરે. અમે ICCને કહ્યું છે કે જે પણ નિર્ણય હોય તે સમાનતાના આધારે હોવો જોઈએ. પાકિસ્તાને સ્ટેડિયમનું રિનોવેશન કર્યું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સતત તૈયારી કરી રહ્યું છે. PCBએ ત્રણેય સ્ટેડિયમનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. તેઓએ લાહોર, કરાચી અને રાવલપિંડી સ્ટેડિયમના રિનોવેશન પર 12.5 અબજ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા છે. આ દરમિયાન ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. BCCIએ ICCને કહ્યું હતું કે ટીમ પાકિસ્તાનમાં ટુર્નામેન્ટ નહીં રમે. જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો ટુર્નામેન્ટ બીજા દેશમાં શિફ્ટ થઈ શકે છે. એશિયા કપમાં ભારત પાકિસ્તાન ન ગયું, હાઇબ્રિડ મોડલ અપનાવ્યું
એશિયા કપ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રમાયો હતો. પાકિસ્તાનને તેની યજમાનીની તક મળી હતી, પરંતુ ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આ પછી, ACCએ આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજી. ભારતની તમામ મેચ શ્રીલંકામાં રમાઈ હતી અને બાકીની ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાઈ હતી. પાકિસ્તાને તેની મેચ ભારત સામે શ્રીલંકામાં રમી હતી. પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે ભારત આવી હતી
પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. ત્યારે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન જતું જ નથી
ભારતીય ટીમે 2007-08થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી બંને ટીમ માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ રમે છે. 2013થી, બંને ટીમ તટસ્થ સ્થળો પર 13 ODI અને 8 T20 મેચ રમી છે. 2009 દરમિયાન પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો પણ થયો હતો.