રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી, તેવું નક્કી કરી આગામી સોમવારે રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા કરવામાં આવ્યો છે. આના થકી મનપાને આ વર્ષે 50થી 100 કરોડનું નુકશાન થશે. જ્યારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે. માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથીઃ પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ સરકારે જંત્રીમાં સરવે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 40 હજાર વેલ્યૂઝોન છે. જેમાંથી 17 હજાર અર્બન વિસ્તારમાં અને 23 હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યૂઝોન આવેલા છે. સરકારે પોતે દોઢ વર્ષ સરવે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ક્રેડાઇ માગણી કરે છે કે, અમને રિવ્યૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે અને ઓનલાઇન વાંધા અરજીનો વિકલ્પ યૂઝર ફ્રેન્ડલી નથી, તેમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ છે. ત્યારે ગામડાંના ખેડૂતો તથા નાના મકાન માલિકોને ભારે અગવડતા પડશે. તેને ધ્યાનમાં રાખી ઓનલાઇનની સાથે ઓફલાઇન અરજીઓ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે માગણી છે. નવી શરતની જમીન બીનખેતી કરવામાં પ્રિમીયમનો બોજો વધશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યત્વે જંત્રીનો અવાસ્તવિક અસહ્ય વધારો કે જેને લીધે બાંધકામ ઉદ્યોગ આજે મૃતઃપાય અવસ્થામાં જઈ રહ્યો છે, જેને લીધે જંત્રીનો વધારો કોઈ પણ સંજોગમાં સ્વીકાર્ય થઈ શકે તેમ નથી. જંત્રીને લીધે નવી શરતની જમીન બીનખેતી કરવા માટે ભરવું પડતું પ્રિમીયમનો બોજો, નવી જંત્રીને લીધે પેઈડ એફ.એસ.આઈ. ની રકમમાં આવતો અસહ્ય વધારો, દસ્તાવેજ માટે ભરવા પાત્ર સ્ટેમ્પ ડયુટીમાં વધારો તેમજ જી.એસ.ટી.ની રકમમાં વધારો થાય આ તમામની મોટી અસર સામાન્ય નાગરિકો દ્વારા ખરીદ કરવામાં આવતા ફલેટ અથવા તો ટેનામેન્ટની કિંમત ઉપર સીધી જ પડે છે. યોગ્ય ઉકેલ લાવવા સરકાર સમક્ષ માગ કરાશે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં તો હાલ પ્લાન પાસ કરવા માટે જરૂરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતા નથી. કંપલીશન સર્ટિફિકેટ માટે જરૂરી ફાયર એન.ઓ.સી. પણ આપવામાં આવતા નથી. ટી.પી. સ્કીમ હેઠળ લાગુ પડતી 40%ની કપાત, કોઈ અગમ્ય કારણોસર રાજકોટમાં નવા પ્લાન તેમજ કંપલીશન સર્ટિફિકેટ લાંબા સમયથી આપવામા આવતા નથી. આવા અનેક પ્રશ્નો સાથે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરવામાં આવશે. સરકારને સ્ટેમ્પ ડ્યુટી આવકમાં ઘટાડો થશે
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ક્ષેત્રની પરિસ્થિતિ ખુબ જ કફોડી બની છે. રાજકોટ મનપામાં પેઈડ FSIની બજેટમાં આવક 200 કરોડથી વધુની દર્શાવવામાં આવી હતી. જેની સામે આ વર્ષે મનપામાં મોટું નુકશાન થશે અને લગભગ 50થી 100 કરોડનું નુકશાન થાય તેવી પુરી શક્યતા છે. સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટી આવકમાં ઘટાડો થશે. બાંધકામ ઇન્ડસ્ટ્રી સાવ ઠપ છે. નવા 32 પ્લાન ઇન્વર્ટ થયા હતા, જેમાંથી માત્ર 2ને મંજૂરી આપવામાં આવી છે. કંપ્લીશન સર્ટિફિકેટ માત્ર એક ને જ આપવામાં આવ્યું છે. અગાઉ દર મહિને 25 મીટરથી વધુ ઊંચાઈ વાળા 8થી 10 પ્લાન મંજુર થતા હતા, જે હવે નથી થતા. નવા કમિશનર આવે તેમને પણ અમે એ જ રજૂઆત કરીશું કે નવા પ્લાન મંજુર અને પ્લાન કંપ્લીશન 30 દિવસમાં થઇ જાય તે મુજબ વ્યવસ્થા કરી દેવામાં આવે.