ઝી ટીવીએ તાજેતરમાં કાનપુરમાં તેનો નવો શો ‘બસ ઇતના સા ખ્વાબ’ લોન્ચ કર્યો છે, જે એક મહિલાના સંઘર્ષ અને તેના સપનાની વાર્તા પર આધારિત છે. 17 વર્ષ પછી ઝી ટીવી પર વાપસી કરી રહેલી રાજશ્રી ઠાકુર આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રાજશ્રીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું, 17 વર્ષ પછી ઝી ટીવી પર પરત ફરવું મારા માટે ખૂબ જ ખાસ છે. તે ઘરે પાછા ફરવા જેવું છે, કારણ કે મેં અહીંથી શરૂઆત કરી હતી. મને આશા છે કે લોકોને આ શો પસંદ આવશે. હું મારી ટીમનો આભાર માનું છું જેણે ફરી મારામાં વિશ્વાસ દર્શાવ્યો. આ શો મહિલા સંઘર્ષ અને તેના સપના પૂરા કરવાની વાર્તા પર આધારિત છે. રાજશ્રીએ કહ્યું, આજના યુગમાં મહિલાઓ માટે કામ કરવું ખૂબ જ જરૂરી છે. આનાથી તેની આર્થિક સ્થિતિ તો મજબુત બને છે પરંતુ આત્મવિશ્વાસ પણ વધે છે. જો કે, આ માટે પરિવારનો સહયોગ હોવો જોઈએ. જ્યારે મહિલાઓ પરિવાર સાથે સંતુલન જાળવી રાખે છે તો તેઓ દરેક ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. આ શોમાં રાજશ્રી ઠાકુરની સાથે યોગેન્દ્ર વિક્રમ સિંહ જોવા મળશે. રાજશ્રીએ 17 વર્ષ પહેલા ‘સાત ફેરે’માં ડાર્ક સ્કીનના પાત્રથી પોતાની ઓળખ બનાવી હતી. તેણે કહ્યું, મુંબઈમાં રંગભેદ જેવી સમસ્યાઓ ઓછી છે, પરંતુ નાના શહેરોમાં પ્રમોશન દરમિયાન છોકરીઓએ મને કહ્યું કે તે ભેદભાવનો સામનો કરે છે. હું ખુશ છું કે મારું પાત્ર તેમના માટે પ્રેરણારૂપ બન્યું. ‘સાત ફેરે’ સિવાય રાજશ્રીએ ‘સપના બાબુલ કા… બિદાઈ’, ‘શાદી મુબારક’ અને ‘અપનપન – બદલતે રિશ્તો કા બંધન’ જેવા શોમાં કામ કર્યું છે.