ભારતમાં સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગને કારણે સંતાનો અને માતા-પિતા વચ્ચેના સંબંધો પર વ્યાપક સ્તરે નકારાત્મક અસર થઈ રહી છે. સાઇબર મીડિયા રિસર્ચ નામની સંસ્થા દ્વારા કરવામાં આવેલા સરવેમાં આ તારણ સામે આવ્યું હતું. સરવે અનુસાર ભારતમાં પેરેન્ટ્સ રોજ સરેરાશ 5 કલાક સ્માર્ટ ફોનમાં વિતાવે છે જ્યારે સંતાનો દરરોજ ચાર કલાકથી વધારે સમય મોબાઇલમાં ગાળે છે. માતા-પિતા અને સંતાનો સૌથી વધુ સમય સોશિયલ મીડિયા અને મનોરંજન પાછળ ગાળે છે. આ સરવે અમદાવાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને પૂણેમાં હાથ ધરાયો હતો. સ્માર્ટ ફોન કંપની વીવો માટે સાઇબર મીડિયા રિસર્ચ દ્વારા કરવામાં આવેલા સરવેમાં જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટ ફોનના કારણે પારિવારિક જીવનને પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. સરવેમાં 66 ટકા પેરેન્ટ્સ અને 56 ટકા સંતાનોએ સ્માર્ટ ફોનના વધારે પડતા ઉપયોગના કારણે અંગત સંબંધો પર નકારાત્મક અસર થઈ હોવાનું સ્વીકાર્યું હતું. આઘાતજનક વાત એ છે કે બન્ને જૂથમાંથી કોઈપણ સ્માર્ટ ફોનના વપરાશમાં ઘટાડો કરવા માગતા નથી. સરવેમાં 64 ટકા બાળકોએ સ્માર્ટ ફોનનું વ્યસન થઈ ગયું હોવાનું સ્વીકાર્યું હતું. 76 ટકા પેરેન્ટ્સ અને 71 ટકા બાળકોએ સ્માર્ટ ફોન વગર જીવી નહીં શકે એવો સ્વીકાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે 90 ટકાથી વધારે બાળકોએ સ્વીકાર કર્યો હતો કે મોટાભાગના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ક્યારેય બની ન હોત તો વધારે સારું રહેતું. અન્ય સરવે અનુસાર દેશમાં બાળકો માટે રમવાની પૂરતી જગ્યા જ નથી
અન્ય એક સરવે અનુસાર ભારતમાં પાર્ક સહિત રમવા માટે પૂરતી જગ્યા નહીં હોવાથી બાળકોમાં મોબાઇલ ફોનનું વળગણ વ્યાપક બન્યું છે. મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન સહિત અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સરવેમાં આ બાબત સામે આવી હતી. તારણો અનુસાર ભારતમાં દરેક બેડરુમમાં સરેરાશ 1.5 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે જ્યારે ડેન્માર્કમાં આ પ્રમાણ 4.2 છે. ભારત અને બાંગ્લાદેશમાં 18 વર્ષથી ઓછી વયના 40 ટકા બાળકો સોશિયલ મીડિયા પર અકાઉન્ટ ધરાવે છે. તારણો મુજબ અન્ય દેશોની તુલનામાં ભારત અને બાંગ્લાદેશમાં પાર્ક જેવી જગ્યાઓની સંખ્યા અપૂરતી છે. સરવેનાં ચોંકાવનારાં તારણો
મોટાભાગના પેરેન્ટ્સ અને બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ ઓછો કરવા માગતા નથી.
64 ટકા બાળકોએ સ્માર્ટ ફોનનું વળગણ હોવાનો સ્વીકાર કર્યો.
90 ટકાથી વધારે બાળકોના મતે લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ન હોત તો સારું હોત.
ત્રીજા ભાગના બાળકોએ જણાવ્યું હતું કે મિત્રોના કારણે તેઓ સોશિયલ મીડિયા એપ પર આવ્યા છે.