મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોના 13 દિવસ બાદ આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5.30 કલાકે આઝાદ મેદાનમાં યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NCP નેતા અજિત પવાર છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બનશે. તેમના સિવાય શિવસેના નેતા એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. ફડણવીસ પછી શિંદે સીએમમાંથી ડેપ્યુટી સીએમ બનનારા બીજા નેતા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત દેશભરમાંથી 400 સંતો-મુનિઓ પણ ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના 19, NCPના 7 અને શિવસેનાના 5 નેતા શપથ લઈ શકે છે. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. મહાયુતિ એટલે કે બીજેપી-શિવસેના શિંદે-એનસીપી પવારને 230 સીટોની પ્રચંડ બહુમતી મળી હતી.