ભારતમાં વર્ષ 2030 સુધીમાં 31.2 મિલિયન હાઉસિંગ યુનિટ્સની અછત જોવા મળશે, જેને કારણે સંભવિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે રૂ.67 લાખ કરોડના માર્કેટનું કદ શક્ય બનશે. ઔદ્યોગિક સંગઠન CII અને રિયલ એસ્ટેટ કન્સલટન્ટ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર અત્યારે 10.1 મિલિયન યુનિટ્સની અછત છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના સીનિયર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટ ગુલામ ઝિયાએ ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગની મોટા પાયે અછત હોવાનું જણાવીને રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે મોટી તક હોવાનું કહ્યું હતું. એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ નાણાકીય સંસ્તાઓ માટે પણ અનેક તકો પૂરી પાડે છે. 77% લોન પરની નિર્ભરતાના આધારે કિફાયતી હાઉસિંગ સેગમેન્ટમાં બેન્કો તેમજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે રૂ.45 લાખ કરોડની ફાઇનાન્સિંગની તક રહેલી છે.
તે આ સેગમેન્ટમાં અત્યારના લોન વોલ્યૂમ કરતાં ત્રણ ગણો નોંધપાત્ર વધારો દર્શાવે છે. HDFC કેપિટલના એમડી અને સીઇઓ વિપુલ રુંગતાએ કામગીરી તેમજ એફોર્ડેબલ અને મિડ ઇનકમ હાઉસિંગ સેગમેન્ટ માટે યોગ્ય માર્કેટિંગ સ્ટ્રેટેજી પર ભાર મૂક્યો હતો. રુંગતાએ વધુમાં ઉમેર્યું હતું કે તેમની કંપની મધ્યમ અને ઓછી આવક માટેના હાઉસિંગ સેગમેન્ટને લોન આપવા પર વધુ ફોકસ કરે છે, જેની વ્યાખ્યા તેઓ દિલ્હી અને મુંબઇમાં રૂ.2 કરોડથી ઓછી રકમના તેમજ અન્ય શહેરોમાં રૂ.1 કરોડથી ઓછી રકમના ઘરો છે. એચડીએફસી કેપિટલે અત્યાર સુધી 3 લાખ ઘરોની ખરીદી માટે લોન આપી છે. કિફાયતી ઘરો નાના પરંતુ નોન પ્રીમિયમ હોય છે. રિપોર્ટ અનુસાર 31.2 મિલિયન હાઉસિંગ યુનિટ્સના નિર્માણ માટે 1.9 લાખ એકર જમીનની જરૂરિયાત ઉભી થશે. 9 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોમાં વધુ માંગ
રિપોર્ટ અનુસાર વર્ષ 2030 સુધી દેશમાં 31.2 મિલિયન હાઉસિંગ યુનિટ્સની માંગનો અંદાજ છે. જેમાં અત્યારના 10.1 મિલિયન યુનિટ્સની અછત પણ સામેલ છે. આ માંગ મુખ્યત્વે રૂ.9 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વર્ગમાં વધુ છે. જેનું વર્ગીકરણ આર્થિક રીતે નબળા વર્ગ (રૂ.3 લાખ સુધીના વાર્ષિક આવક), ઓછી આવક ધરાવતા વર્ગ (3-6 લાખ) અને મધ્યમ આવક ધરાવતા વર્ગ (6-9 લાખ) તરીકે કરવામાં આવ્યું છે.